×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સમુદ્રમાં રેવ પાર્ટીઃ મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝ પર NCBનો દરોડો, મોટા પ્રમાણમાં ડ્રગ્સ જપ્ત


- એનસીબી અધિકારીઓના કહેવા પ્રમાણે બોલિવુડના પ્રસિદ્ધ અભિનેતાઓના બાળકો સામેલ હોવા અંગે તપાસ કરવામાં આવી રહી છે

નવી દિલ્હી, તા. 03 ઓક્ટોબર, 2021, રવિવાર

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ મુંબઈમાં એક ક્રૂઝ પર દરોડો પાડીને 10 લોકોને કસ્ટડીમાં લીધા છે. જાણવા મળ્યા મુજબ તેમાં એક દિગ્ગજ બોલિવુડ સ્ટારનો દીકરો પણ સામેલ છે. મુંબઈથી ગોવા જઈ રહેલા આ ક્રૂઝ પર રેવ પાર્ટી ચાલી રહી હતી અને NCBએ આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન એનસીબીને મોટા પ્રમાણમાં હશીશ, કોકેઈન અને એમડીનો જથ્થો મળ્યો છે. પકડવામાં આવેલા તમામ લોકોને રવિવારે મુંબઈ લાવવામાં આવશે. 

એનસીબી મુંબઈના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું કે, તેમણે કેટલાક લોકોને કસ્ટડીમાં લીધા છે અને તપાસ ચાલી રહી છે. દવાઓ જપ્ત કરવામાં આવી છે અને તેઓ 8થી 10 લોકોની તપાસ કરી રહ્યા છે. એનસીબી અધિકારીઓના કહેવા પ્રમાણે બોલિવુડના પ્રસિદ્ધ અભિનેતાઓના બાળકો સામેલ હોવા અંગે તપાસ કરવામાં આવી રહી છે. 

જાણવા મળ્યા મુજબ ઝોનલ અધિકારી સમીર વાનખેડેએ આ ઓપરેશનને અંજામ આપ્યો હતો. તેઓ પોતાની ટીમ સાથે ક્રૂઝ પર સવાર થઈ ગયા હતા. ક્રૂઝ જ્યારે દરિયાની વચ્ચે પહોંચ્યું ત્યારે તેમાં પાર્ટી શરૂ થઈ ગઈ હતી અને તે સાથે જ એનસીબી સક્રિય બન્યું હતું. પાર્ટી શરૂ થતાની સાથે જ એનસીબી દ્વારા ઓપરેશનની શરૂઆત કરવામાં આવી હતી. ટીમે આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. એનસીબી દ્વારા પ્રથમ વખત કોઈ ક્રૂઝ પર દરોડો પાડીને આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. 

જાણવા મળ્યા મુજબ થોડા સમય પહેલા જ આ ક્રૂઝનું ઓપનિંગ થયું હતું અને કેટલાક કલાકારોએ પણ તે પાર્ટીમાં પરફોર્મ કરેલું. એક વ્યક્તિએ જણાવ્યું કે, આ કાર્યક્રમનું આયોજન ફેશન ટીવી ઈન્ડિયાએ Namascray સાથે મળીને કર્યું હતું.

આજની કાર્યવાહી પહેલા શુક્રવારે એનસીબીએ એક રેકેટનો પર્દાફાશ કરીને આશરે 5 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતું ઈફીડ્રિન ડ્રગ જપ્ત કર્યું હતું. તેમાં ડ્રગ્સને ગાદલામાં સંતાડીને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ મોકલવામાં આવતું હતું. હૈદરાબાદથી આવેલું ગાદલાનું એક પેકેટ મુંબઈ એરપોર્ટથી ઓસ્ટ્રેલિયા માટે મોકલવાનું હતું. તપાસ દરમિયાન ગાદલામાંથી 4 કિલો 600 ગ્રામ ઈફીડ્રિન મળ્યું હતું.