×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સબમરીન સોદો રદ્ થતાં ફ્રાન્સે અમેરિકા-ઓસ્ટ્રેલિયામાંથી રાજદૂતોને પાછા બોલાવ્યાં



હિંદ અને પ્રશાંત ક્ષેત્રમાં ચીનનો પ્રભાવ ઘટાડવા અમેરિકા-ઓસ્ટ્રેલિયા-બ્રિટન વચ્ચે ઓકસ નામનું સંગઠન બન્યું હતું. એના ભાગરૃપે અમેરિકા-ઓસ્ટ્રેલિયા વચ્ચે પરમાણુ સબમરીનનો નવો કરાર થયો હતો. તેના કારણે ઓસ્ટ્રેલિયાએ ફ્રાન્સ સાથે થયેલો સોદો રદ્ કરી દીધો હતો. ઓસ્ટ્રેલિયાના આ નિર્ણય પછી અકળાયેલા ફ્રાન્સે અમેરિકા-ઓસ્ટ્રેલિયા સાથે રાજદ્વારી સંબંધો કાપી નાખવાનું પગલું ભર્યું છે.
ઓસ્ટ્રેલિયા સ્થિત ફ્રાન્સના રાજદૂતે ઓસ્ટ્રેલિયન સરકારને આક્રમક મેસેજ આપતા જણાવ્યું હતું કે અમેરિકા સાથે પરમાણુ સબમરીનનો સોદો કરવાનો ઓસ્ટ્રેલિયાનો નિર્ણય ભૂલ ભરેલો છે. આ પગલું ભરીને ઓસ્ટ્રેલિયાએ ફ્રાન્સ સાથેના સંબંધોને મોટો ફટકો માર્યો છે.
એ દરમિયાન ફ્રાન્સના વિદેશ મંત્રીએ એક નિવેદનમાં કહ્યું હતું કે અસાધારણ ગંભીરતાને ધ્યાનમાં લઈને અસાધારણ નિર્ણય લેવો જોઈએ. એના કારણે ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાંથી રાજદૂતોને પાછા બોલાવી લેશે. ફ્રાન્સના વિદેશ મંત્રીની સલાહ પછી પ્રમુખ મેક્રોને એક આદેશ આપીને બંને દેશોના એમ્બેસેડરને પાછા આવી જવાનું કહ્યું છે.
ફ્રાન્સે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનને સંબોધીને નિવેદન આપ્યું હતું કે સ્કોટ મોરિસન પાસેથી આવા વર્તનની અપેક્ષા ન હતી. મિ. મોરિસને બંને દેશોના સંબંધો વધુ મજબૂત બને તેવો નિર્ણય લેવાની જરૃર હતી. તેમણે વધારે પરિપક્વતા દાખવી હોત તો આ સ્થિતિ ન સર્જાઈ હોત.
૨૦૧૬માં ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ વચ્ચે પરમાણુ સબમરીન બાબતે ૬૬ અબજ ડોલરનો માતબર રકમનો સોદો થયો હતો. ઓસ્ટ્રેલિયાને ફ્રાન્સની સરકારી કંપની ૧૨ પરમાણુ સબમરીન બનાવીને આપવાની હતી, પરંતુ હિંદ-પ્રશાંત મહાસાગરમાં મજબૂત ભાગીદારી બનાવવાના ભાગરૃપે અમેરિકા-બ્રિટન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓકસ નામનું સંગઠન બન્યું તે વખતે જ ઓસ્ટ્રેલિયાએ ફ્રાન્સ સાથેનો પરમાણુ સોદો રદ્ કરીને અમેરિકા સાથે નવો કરાર કર્યો હતો. એ અંતર્ગત અમેરિકા ઓસ્ટ્રેલિયાને પરમાણુ સબમરીન આપશે.
એ ઘટના પછી તુરંત ફ્રાન્સના વિદેશ મંત્રીએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે જેવું વર્તન ટ્રમ્પ કરતાં હતા એવું જ બાઈડેન પણ કરે છે. એ નારાજગી વચ્ચે હવે બંને દેશો સાથે રાજદ્વારી સંબંધો જ કાપી નાખવાની સ્થિતિ સર્જાઈ ગઈ છે. આ ઘટનાથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મોટા પડઘાં પડે તેવી શક્યતા નકારી શકાતી નથી.