×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સપ્ટેમ્બર સુધી ફુગાવો 5.2 ટકા, 21-22માં જીડીપી 10.5 ટકા રહેશે : આરબીઆઈ


(પીટીઆઇ) મુંબઇ, તા. 5 ફેબ્રુઆરી, 2021, શુક્રવાર

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ)ના અંદાજ મુજબ આગામી નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં રીટેલ ફુગાવો પ થી 5.2 ટકાની વચ્ચે રહેશે. આરબીઆઇના અંદાજ મુજબ ટૂંકા ગાળામાં શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળશે.

નાણાકીય નીતિની જાહેરાત કરતા આરબીઆઇ ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું હતું કે આગામી નાણાકીય વર્ષ 2021-22માં ભારતનો જીડીપી 10.5 ટકા રહેવાની શક્યતા છે. જો કે આ અગાઉ સરકારે જીડીપી 11 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.

ચાલુ નાણાકીય વર્ષના ચોથા કવાર્ટર એટલે કે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન રીટેલ ફુગાવો 5.2 ટકા રહેવાનો આરબીઆઇએ અંદાજ વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે આરબીઆઇએ આજે જાહેર કરેલી નાણાકીય નીતિમાં વ્યાજ દરમાં કોઇ ઘટાડો કર્યો નથી. 

નાણાકીય નીતિની જાહેરાત કરતા આરબીઆઇ ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું હતું કે નાણાકીય નીતિ ઘડતી વખતે રીટેલ ફુગાવો નિર્ધારિત લક્ષ્યાંકથી વધે નહીં તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. 

દાસે વધુમાં જણાવ્યું હતું કે મોનિટરી પોલિસી કમિટી(એમપીસી)ના સભ્યોએ સર્વાનુમતે વ્યાજ દરમાં કોઇ ફેરફાર નહીં કરવાની તરફેણમાં મત આપ્યો હતો. વિકાસ દરમાં પણ પોઝિટિવ સંકેતો જોવા મળી રહ્યાં છે. 

શાકભાજીનો નવો જથૃથો બજારમાં આવવાના કારણે ટૂંકા ગાળામાં શાકભાજીના ભાવમાં ઘટાડો થશે. જો કે આરબીઆઇના જણાવ્યા મુજબ કેટલીક વસ્તુઓના ભાવ પર દબાણ યથાવત રહેશે.

આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને નાણાકીય વર્ષ 2020-21ના ચોથા કવાર્ટરનો રીટેલ ફુગાવાનો અંદાજ રિવાઇઝ કરીને 5.2 ટકા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ છ મહિનાના રીટેલ ફુગાવાનો અંદાજ 5.2 ટકાથી 5.0 ટકા અને નાણાકીય વર્ષ 2021-22ના ત્રીજા કવાર્ટરના રીટેલ ફુગાવાનો અંદાજ 4.3 ટકા રાખવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે છ સભ્યોની બનેલી મોનેટરી પોલિસી કમિટી(અંમપીસી)ની બેઠક ત્રણથી પાંચ ફેબુ્રઆરી દરમિયાન યોજવામાં આવી હતી અને આજે નાણાકીય નીતિની જાહેરાત કરવામાં આવી હતી.

દરમિયાનમાં સપ્તાહની શરૂઆતમાં સંસદમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં પણ 2021-22માં ભારતનો જીડીપી 11 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

બજેટમાં ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં ભારતનો જીડીપી માઇનસ 7.7 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો.  આ સાથે જ સરકારી બોન્ડ બજારમાં રીટેલ રોકાણકારોને એન્ટ્રી આપનાર ભારત એશિયાનો પ્રથમ દેશ બની ગયો છે. અમેરિકા અને બ્રાઝીલમાં સરકારી બોન્ડ બજારમાં રીટેલ રોકાણકારો ઇન ડાયરેક્ટ એન્ટ્રી આપવામાં આવે છે. 

દાસે વધુમાં જણાવ્યું હતું કે જીડીપી વધી રહ્યો છે અને દેશનું આૃર્થતંત્ર ફરીથી પાટા પર આવી ગયું છે ત્યારે ડીપોઝીટમાં વધારો થશે તેમાં કોઇ શંકા નથી કારણકે લોકોની બચતમાં પણ વધારો થશે. અમારૂં માનવું છે કે રીટેલ રોકાણકારો સરકારી બોન્ડ બજારમાં એન્ટ્રી આપવામાં આવ્યા પછી પણ બેંક ડિપોઝીટ અને મ્યુચલ ફંડના રોકાણમાં કોઇ ઘટાડો થશે નહીં.

દાસે વધુમાં જણાવ્યું હતું કે એફડી કરતા નાની બચતના વ્યાજ દરો વધારે હોવા છતાં ચાલુ વર્ષમાં બેંક એફડીમાં 11.3 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. આરબીઆઇની નવા યોજના હેઠળ રીટેલ રોકાણકારોને સરકારી બોન્ડ બજારમાં રોકાણ કરવા માટે આરબીઆઇ સાથે ગિલ્ટ સિક્યુરિટીઝ એકાઉન્ટ(રીટેલ ડાયરેક્ટ) એકાઉન્ટ ખોલાવવું પડશે. 

બેન્કોનો કેશ રિઝર્વ રેશિયો વધારાશે : હોમ, ઓટો અને પર્સનલ લોન મોંઘી બનશે

બેન્કોના ફિક્સ્ડ ડિપોઝિટસ પરના વ્યાજ દર વધવાની શક્યતા

મુંબઈ, તા. 5 ફેબ્રુઆરી, 2021, શુક્રવાર

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની ત્રણ દિવસની બેઠકના અંતે  કમિટિએ રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે પરંતુ કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર)ને ફરી  કોરોના પહેલાના સ્તરે લાવવાનું ઠરાવ્યું છે જેને કારણે આગામી દિવસોમાં ધિરાણ દર તથા ફિક્સ્ડ ડિપોઝિટસ પરના વ્યાજમાં વધારો થઈ શકે છે અને ફરી પાછા કોરોના પહેલાના સ્તરે જોવા મળી શકે છે. 

સીઆરઆર જે હાલમાં 3 ટકા છે તેને બે તબક્કામાં વધારી આગામી  ચાર  મહિનામાં ફરી પાછો ચાર ટકા પર લઈ જવાશે એમ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું. પ્રથમ વધારો 27 માર્ચ 2021માં કરી 3.50 ટકા કરાશે અને બીજો વધારો 22મી મેના કરીને ચાર ટકા પર લઈ જવાશે.

સીઆરઆરમાં વધારાને કારણે સ્વાભાવિક જ રીતે બેન્કો પાસે લિક્વિડિટીની ખેંચ ઊભી થઈ શકે છે, જેને કારણે વ્યાજ દર પર દબાણ જોવા મળવાની સંભાવના છે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. 

વ્યાજ દર પર દબાણની સ્થિતિમાં હોમ લોન્સ,ઓટો લોન્સ, શિક્ષણ તથા વ્યક્તિગત જેવી લોન્સના દર વધી શકે છે. બીજી બાજુ ફિક્સ્ડ ડિપોઝિટસ જેવા સાધનોમાં નાણાં રોકી વ્યાજ પર જીવનનિર્વાહ કરતા રોકાણકારો ખાસ કરીને નિવૃત્તીધારકોની વ્યાજ મારફતની આવકમાં વધારો જોવા મળવાની પણ શકયતા છે. 

ફેબુ્રઆરી 2013થી જાન્યુઆરી 2020 સુધી સીઆરઆરના દર 4 ટકા સ્થિર રહ્યા હતા. કોરોનાના કાળમાં લિક્વિડિટી વધારવાના ભાગરૂપ તેમાં ઘટાડો કરાયો હતો. પરંતુ રિઝર્વ બેન્ક બજારમાંથી તબક્કાવાર રીતે લિક્વિડિટી પાછી ખેંચવા ઈરાદો ધરાવે છે.  એમપીસીના આજના નિર્ણયથી રિઝર્વ બેન્ક નજીકના ભવિષ્યમાં રેપો રેટમાં ઘટાડો નહીં કરે તેવા સંકેત મળી રહ્યા છે.

આ ઉપરાંત બેન્કો પણ હવે  ધિરાણ દરમાં ઘટાડો કરવાનું મુનાસિબ નહીં માને. કોરોના પહેલા જ્યારે સીઆરઆર 4 ટકા હતો ત્યારે ફિક્સ્ડ ડિપોઝિટસ પરના વ્યાજ દર પણ તે પ્રમાણે ઊંચા હતા, પરંતુ સીઆરઆરમાં ઘટાડો થતાં ડિપોઝિટસ પરના વ્યાજ દરમાં બેન્કોએ ઘટાડો કર્યો હતો. આગામી નાણાં વર્ષમાં રૂપિયા 12 લાખ કરોડના બોરોઈંગ કરવાની કેન્દ્ર સરકારની યોજનાને ધ્યાનમાં રાખતા બજારમાં લિક્વિડિટી નિયંત્રણમાં રહી શકે છે.