×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સપા નેતાઓના ઘરે IT વિભાગની મેરેથોન રેડ, રાજીવ રાયે કહ્યું- 15 કલાકની તપાસમાં 17 હજાર મળ્યા


- રાજીવ રાયે કહ્યું હતું કે, મારા પર કોઈ અપરાધિક રેકોર્ડ નહોતો અને ભવિષ્યમાં પણ નહીં હોય

નવી દિલ્હી, તા. 19 ડિસેમ્બર, 2021, રવિવાર

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી હવે ખૂબ જ નજીક છે ત્યારે શનિવારે સમાજવાદી પાર્ટીમાં અખિલેશ યાદવની ખૂબ જ નજીક ગણાતા નેતાઓના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. તેને ચૂંટણી અંતર્ગત કરવામાં આવેલી કાર્યવાહી સાથે સાંકળીને જોવામાં આવી રહ્યા છે. આવકવેરા વિભાગે સપાના રાષ્ટ્રીય સચિવ અને પ્રવક્તા રાજીવ રાયના ઘરે 15 કલાક સુધી તપાસ કરી હતી પરંતુ ટીમને તેમના ઘરેથી માત્ર 17 હજાર રૂપિયા જ મળ્યા હતા. 

આ કાર્યવાહીને લઈ અખિલેશ યાદવે કહ્યું હતું કે, આ કાર્યવાહી ચૂંટણી પહેલા જાણીજોઈને કરવામાં આવી છે. જોકે હજુ ED અને CBI પણ આવશે. ઉલ્લેખનીય છે કે, શનિવારે સવારે 7:00 કલાકે આવકવેરા વિભાગની ટીમ મઉ ખાતે રાજીવ રાયના ઘરે પહોંચી ગઈ હતી. 

ઈનકમ ટેક્સ વિભાગના અધિકારીઓ ગયા ત્યાર બાદ સપા નેતા રાજીવ રાય આશરે 15 કલાક બાદ પોતાના ઘરની બહાર નીકળ્યા હતા. તેમણે પાર્ટીના કાર્યકરોને કહ્યું હતું કે, હું ભાવુક અને અભિભૂત છું કારણ કે,સંકટના આ સમયમાં તમે સવારથી અહીં મારા સમર્થનમાં ઉભા છો. રાજીવ રાયે કહ્યું હતું કે, મારા પર કોઈ અપરાધિક રેકોર્ડ નહોતો અને ભવિષ્યમાં પણ નહીં હોય. 

સપાના રાષ્ટ્રીય પ્રવક્તાએ જણાવ્યું કે, તેઓ જનેશ્વર મિશ્રાના શિષ્ય છે. અખિલેશ યાદવ અને નેતાજીના સિપાહી છે. સમાજવાદી પાર્ટીના કાર્યકર છે. તેઓ ડરશે નહીં. તેમના કહેવા પ્રમાણે તેમના બેંગાલુરૂ ખાતેના આવાસ પર અને તમામ સંસ્થાનોમાં દરોડો પાડવામાં આવ્યો છે. 

માતા-પિતા. સંબંધીઓને બંધક બનાવાયા

કાર્યવાહી બાદ રાજીવ રાયે જણાવ્યું કે, જે કામ 2 કલાકમાં થાય તેના માટે 15 કલાક લેવામાં આવ્યા. એટલું જ નહીં, મારા માતા-પિતા, પરિવાર અને સંબંધીઓને સવારથી બંધક બનાવીને રાખ્યા. મારી 4થી 5 જગ્યાઓએ દરોડો પડ્યો છે. જો તમે ચૂંટણી પહેલા જ અમારા ત્યાં દરોડો પાડો છો તો અધિકારીઓનો કોઈ જ દોષ નથી. અધિકારીઓ તો પોતાનું કામ કરી રહ્યા છે, ફરિયાદ તેમનાથી નથી પરંતુ આ આખી વાત સ્પષ્ટ કરે છે.