×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સંસદમાં કોંગ્રેસ અધ્યક્ષ બોલ્યા, સાંસદો -મંત્રી ફક્ત હિન્દુ-મુસ્લિમ જ કર્યા કરે છે, બીજો કોઈ મુદ્દો નથી

image : Twitter


નવી દિલ્હી, તા 8, ફેબ્રુઆરી, 2023

બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિના અભિભાષણ અંગે સંસદમાં જોરદાર ચર્ચા થઈ હતી. અદાણી કંપનીના શેરો મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ઘમસાણ મચ્યું હતું અને સામ સામે આકરા પ્રહારો કરાયા હતા. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સંસદમાં સરકારને અદાણી મુદ્દે ઘેરી હતી. હવે પીએમ મોદી પણ આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર  જવાબ આપવાના છે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ પણ કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. 

ખડગેએ કહ્યું - દલિતો સાથે મારપીટ કરાય છે 

રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ કહ્યું કે અનેક સાંસદ-મંત્રી ફક્ત હિન્દુ મુસ્લિમ જ કર્યા કરે છે. શું તેમની પાસે વાત કરવા માટે કોઈ અન્ય મુદ્દા છે જ નહીં? બીજી બાજુ કોઈ અનુસૂચિત જાતિના લોકો મંદિરે જાય તો તેમને મારે છે, તેમની કોઈ સુનાવણી જ કરાતી નથી. જો તેમને આપણે હિન્દુ માનીએ છીએ તો પછી મંદિરે જતા કેમ અટકાવાય છે? તેમને સમાન દરજ્જો કેમ નથી અપાતો. અનેક નેતાઓ દલિતોના ઘરે જઇને ભોજન કરવાનો દેખાડો કરે છે અને તેની તસવીરો પડાવે છે. તેના માટે આટલો દેખાતો કરવાની ક્યાં જરૂર છે. ખડગેએ કહ્યું કે અમને બોલવા દેવાતા નથી. અદાણી મુદ્દે આડકતરી રીતે ટિપ્પણી કરતા ખડગેએ કહ્યું કે એક જાદૂ શું થયો અને એક ઉદ્યોગપતિની સંપત્તિ બેફામ રીતે વધી ગઈ.  

સભાપતિએ કહ્યું - પુરાવા રજૂ કરો 

આ દરમિયાન સભાપતિ જગદીપ ધનખડે કહ્યું કે મલ્લિકાઅર્જુન ખડગેએ આરોપો મૂકવાની જગ્યાએ તેના પુરાવા રજૂ કરવા જોઈએ અને પછી જ આપણા વડાપ્રધાન સામે આરોપો મૂકવામાં આવે. ખાલી હોબાળો મચાવવાથી કંઈ થવાનું નથી.