×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટર્સમાં પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણી

 અમદાવાદ, શુક્રવાર અમદાવાદના એસ.પી રિંગ રોડ પાસે આગામી ૧૪ ડિસેમ્બરથી એક મહિના સુધી યોજાનાર શતાબ્દી મહોત્સવની તૈયારીઓ છેલ્લાં કેટલાક સમયથી ચાલી રહી છે. જેના માટે ત્યાં સ્વામિનારાયણનગર ઉભું કરવામાં આવ્યું છે. ત્યારે માત્ર ભારતમાં જ નહીં, વિશ્વમાં અનેક સ્થળોએ બીએપીએસના સ્વયંસેવકો દ્વારા શતાબ્દી મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે અને કેટલીક જગ્યાએ અગાઉથી ઉજવણી પણ શરૂ થઈ ગઈ છે. ગત ૭ ડિસેમ્બરના રોજ અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલ સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટર્સ ખાતે 'ધી પરમેનેન્ટ મિશન ઓફ ઇન્ડિયા' અને બીએપીએસ સંસ્થા દ્વારા પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના ભાગરૂપે કાર્યક્રમ યોજી ઉજવણી કરવામાં આવી હતી. બીએપીએસના સ્વયંસેવક અને ચિકિત્સક કશ્યપ પટેલ દ્વારા કાર્યક્રમની શરૂઆત પ્રમુખસ્વામી મહારાજ દ્વારા કરાયેલ સામાજિક અને આધ્યાત્મિક ઉત્થાન વિશેની વાત કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ કાર્યક્રમમાં પ્રમુખસ્વામી મહારાજે ૨૦૦૦ના વર્ષમાં સંયુક્ત રાષ્ટ્રની સમિટમાં કરેલ સંબોધનનો વિડીયો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. તેના પછી સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા રુચિરા કંબોજે પોતાના સંબોધનમાં સ્વામીજીનું જીવન માનવજાતિ માટે કેવી રીતે એકતા, શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપે છે તે વિશે વાત કરી હતી. કાર્યક્રમમાં હાજર તબીબી અભ્યાસ કરતી વિદ્યાર્થીની રિયા સોની જણાવે છે કે પ્રમુખસ્વામી મહારાજના ઉપદેશમાંથી તે શીખી છે કે જીવનની સાચી સફળતા બીજાના ઉત્થાન માટે કામ કરવાથી મળે છે.  આ ઉપરાંત કાર્યક્રમમાં વર્લ્ડ કાઉન્સિલ ઓફ રિલિજિયસ લીડર્સના સેક્રેટરી જનરલ બવા જૈન, આશિષ શર્મા, આનંદસ્વરૂપ સ્વામી સહિત બીએપીએસના અનેક સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં વિશ્વમાં શાંતિ ફેલાવવા શાંતિ પાઠ કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો.નોંધ: વિદેશોમાં વસવાટ કરતા ભારતીયો માટે ગુજરાત સમાચાર શરૂ કરી રહ્યુ છે એક વિશેષ વિભાગ. આપના આસપાસના વિસ્તારમા બનતા સામાજીક ધાર્મિક કે સંસ્થાકિય જેવા કાર્યક્રમોની વિગતો આપના પોતિકા ગુજરાત સમાચારની વેબસાઇટ પર પ્રસારિત કરવા માટે ફોટોગ્રાફ અને વીડિયો સાથેની વિગતો અમને મોકલી આપો.સંપર્ક: gsns.global@gmail.comMo.No. +91-8799236060