×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સંપૂર્ણ લૉકડાઉન નહીં કરાય : મોદી


- કોરોનાની બીજી લહેર વધુ ભયાનક 

- મહામારીની સ્થિતિ વકરતાં પીએમની મુખ્યમંત્રીઓ સાથે બેઠક

- દેશમાં સતત 29 દિવસથી કોરોનાના કેસ વધતાં એક્ટિવ કેસ 9.10 લાખને પાર, મૃત્યુઆંક 1.67 લાખ નજીક પહોંચ્યો

- બધા જ રાજ્યો 11થી 14મી એપ્રિલ વચ્ચે રસીકરણ ઉત્સવ ઊજવે, રાજ્યો 70 ટકા આરટીપીસીઆરનું લક્ષ્ય રાખે : મોદી

- મ. પ્રદેશના બધા જ શહેરોમાં લૉકડાઉન, ગાઝિયાબાદ-નોઈડામાં નાઈટ કરફ્યૂ : પીએમ મોદીએ રસીનો બીજો ડોઝ લીધો


નવી દિલ્હી : દેશમાં કોરોનાની સ્થિતિ વકરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે લગભગ ચાર કલાક સુધી મંથન કર્યું હતું. આ બેઠકમાં કોરોનાની વિકરાળ સ્થિતિ અને રસીકરણ પર ચર્ચા થઈ હતી. વડાપ્રધાને કહ્યું કે દેશમં કોરોનાની બીજી લહેર વધુ ભયાનક છે અને તેણે પેહલી લહેરની પીકને વટાવી દીધી છે છતાં લૉકડાઉનની જરૂર નથી. બીજીબાજુ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧.૨૭ લાખ કેસ નોંધાયા હતા અને વધુ ૬૮૫નાં મોત નીપજ્યાં હતા. આ સાથે કુલ કેસ ૧.૨૯ કરોડને પાર થઈ ગયા છે અને મૃત્યુઆંક ૧.૬૭ લાખની નજીક પહોંચી ગયો છે. 

મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાની સ્થિતિ ફરી એક વખત પડકારજનક બની ગઈ છે. રાજ્ય સરકારોએ ગવર્નન્સ પર ભાર મૂકવો પડશે. આ વખતે લોકો પહેલા કરતાં વધુ બેદરકાર બની ગયા છે. આપણે ફરીથી યુદ્ધ સ્તર પર કામ કરવું પડશે. નાઈટ કરફ્યૂને આખી દુનિયાએ સ્વીકારી લીધો છે. આપણે નાઈટ કરફ્યૂને કોરોના કરફ્યૂ નામથી યાદ રાખવો જોઈએ. કોરોનાને અટકાવવા માટે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન પર પણ ફોકસ કરવાની જરૂર છે. આ વખતે આપણી પાસે કોરોના સામે લડવા માટે બધા જ ઉપાયો ઉપલબ્ધ છે. હવે તો રસી પણ છે. 

પીએમ મોદીએ બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓને ૧૧ એપ્રિલથી ૧૪મી એપ્રિલ સુધી રસીકરણ ઉત્સવ ઊજવવો જોઈએ. આ દિવસોમાં વધુમાં વધુ લોકોને રસી અપાય તેવા પ્રયાસો થવા જોઈએ. આ ઉપરાંત આપણે ટેસ્ટિંગ પર વધુ ભાર મૂકવો પડશે. આપણે ટેસ્ટિંગ અને ટ્રેકિંગ વધારવું પડશે. આપણે ગમે તેમ કરીને પોઝિટિવિટી રેટ પાંચ ટકાથી નીચે લાવવો પડશે. રાજ્યોએ ૭૦ ટકા સુધી આરટી-પીસીઆર ટેસ્ટનું લક્ષ્ય રાખવું જોઈએ. કોરોનાને હરાવવાનો રસ્તો વધુ ટેસ્ટિંગ છે. રસીકરણ પછી પણ આપણે કડકાઈ રાખવી જરૂરી છે. કોરોનાના પ્રારંભિક લક્ષણો જણાતાં લોકોએ ટેસ્ટિંગ જરૂર કરાવવું જોઈએ.

ભારતમાં ગુરુવારે એક દિવસમાં કોરોનાના ૧,૨૬,૭૮૯ કેસ નોંધાયા હતા, જે અત્યાર સુધીમાં એક દિવસના સૌથી વધુ કેસ છે. આ સાથે કોરોનાના કુલ કેસ ૧,૨૯,૨૮,૫૭૪ થયા છે. એક્ટિવ કેસ પણ ૯,૧૦,૩૧૯ થયા છે. દેશમાં સતત ૨૯ દિવસથી કોરોનાના કેસ વધી રહ્યા છે. પરિણામે રીકવરી રેટ ઘટીને ૯૧.૬૭ થયો છે. અત્યાર સુધીમાં ૧,૧૮,૫૧,૩૯૩ દર્દીઓ સાજા થયા છે અને મૃત્યુદર ઘટીને ૧.૨૯ થયો છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું.

દરમિયાન ઉત્તરાખંડમાં કોરોનાની બીજી લહેર શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ફરી વળી છે. ઉત્તરાખંડની સેન્ટ્રલ એકેડમી ઓફ સ્ટેટ ફોરેસ્ટ સર્વિસ, દૂન સ્કૂલ અને આઈઆઈટી રુરકીમાં કોરોનાના ૫૬ કેસ નોંધાયા છે. મધ્ય પ્રદેશમાં કોરોનાના કેસ વધતાં મુખ્યમંત્રી શિવરાજ સિંહે બધા જ શહેરી વિસ્તારોમાં લોકડાઉનની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશ સરકારે પણ નોઈડા અને ગાઝિયાબાદમાં ૧૭મી એપ્રિલ સુધી નાઈટ કરફ્યૂ લાગુ કર્યો છે. કોરોનાના દૈનિક નવા કેસમાંથી ૮૪.૨૧ ટકા કેસ મહારાષ્ટ્ર, છત્તિસગઢ, ગુજરાત સહિત ૧૦ રાજ્યોમાં નોંધાયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે એઈમ્સ ખાતે કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો હતો. તેમણે ૧લી માર્ચે ભારત બાયોટેકની સ્વદેશી બનાવટની કોવેક્સિન રસી લીધી હતી. બીજીબાજુ ચૂંટણી રાજ્ય કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયને ગયા મહિને કોરોના રસીનો પહેલો ડોઝ લીધા પછી ગુરુવારે તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.

કોરોના રાતે જ નીકળે છે ? લોકોનો સવાલ

નાઈટ કરફ્યૂ કોરોનાકાળની યાદ અપાવે છે : મોદીનો જવાબ

- આપણે અગ્રતાના જૂથોને પહેલાં રસી આપવી પડશે, ભારતના રસીના માપદંડ દુનિયાથી અલગ નથી

દેશમાં કોરોનાના વધતા કેસો વચ્ચે દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ સહિત અનેક રાજ્યોએ કોરોનાને અટકાવવા માટે નાઈટ કરફ્યૂ લાગુ કર્યા છે. જોકે, નાઈટ કરફ્યૂ મુદ્દે સમાજનો એક વર્ગ સવાલ કરે છે કે શું કોરોના માત્ર રાતે જ નિકળે છે? નાઈટ કરફ્યૂનો સરકારનો નિર્ણય અતાર્કિક હોવાનું પણ તેમનું કહેવું છે. જોકે, ગુરુવારે વડાપ્રધાન મોદીએ નાઈટ કરફ્યૂ મુદ્દે આવા લોકોને જવાબ આપ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં કોરોનાની સ્થિતિની સમિક્ષા કરવાની સાથે નાઈટ કરફ્યૂનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું કે તેને કોરોના કરફ્યૂ નામ આપવું જોઈએ. આમ કરવાથી લોકોમાં જાગૃતિ વધશે. કેટલાક બુદ્ધિજીવી ચર્ચા કરે છે કે શું કોરોના રાતે આવે છે? હકીકતમાં દુનિયાએ નાઈટ કરફ્યૂનો પ્રયોગ સ્વિકાર્યો છે, કારણ કે દરેક વ્યક્તિને કરફ્યૂના સમયે ખ્યાલ આવે છે કે તેઓ કોરોનાકાળમાં જીવી રહ્યા છે અને બાકી સમયમાં જીવનની અન્ય વ્યવસ્થાઓ પર ઓછી અસર થાય છે.

દેશમાં દરેક લોકોને રસી આપવા મુદ્દે શરૂ થયેલી ચર્ચા વચ્ચે વડાપ્રધાન મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે, આપણે એક દિવસમાં કોરોનાની રસીના ૪૦ લાખ ડોઝ આપવાના આંકડાને પાર કરી ગયા છીએ. દુનિયાના સમૃદ્ધ દેશોએ રસીકરણ માટે જે માપદંડ બનાવ્યા છે તેનાથી ભારત અલગ નથી. નવી રસી બનાવવા માટે જે પ્રયાસ થઈ રહ્યા છે અને ઉત્પાદન વધારવા પર કામ થઈ રહ્યું છે. રસી વિકસાવવાથી સ્ટોક અને વેસ્ટેજ જેવા મુદ્દાઓ ઘણાં જ મહત્વના છે. આજે આપણે વધુ રસીની માગણી કરીએ છીએ, પરંતુ આપણે વધુ ટેસ્ટિંગ પર ધ્યાન આપવું જોઈએ. કોવિડ મેનેજમેન્ટનો એક મહત્વનો ભાગ રસીનો બગાડ રોકવાનો પણ છે. રસી બનાવવા માટેની ફેક્ટરીઓ રાતોરાત નથી બની જતી. જે રસીઓ ઉપલબ્ધ છે તે આપણે પહેલાં અગ્રતાવાળા જૂથોને આપવી જોઈએ.

મહારાષ્ટ્રે કોરોનાની રસીના પાંચ લાખ ડોઝ બરબાદ કર્યા  : કેન્દ્ર

કેન્દ્ર સરકાર કોરોના રસીના મુદ્દે રાજ્યો સાથે ભેદભાવ કરી રહી હોવાના મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેના આક્ષેપોના જવાબમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા પ્રકાશ જાવડેકરે ગુરુવારે જણાવ્યું હતું કે, આ તો 'ઉલટા ચોર કોટવાલ કો ડાંટે' જેવી વાત છે. તેમણે ઉમેર્યું કે મહારાષ્ટ્ર સરકાર પાસે કોરોના રસીના ૨૩ લાખ ડોઝ ઉપલબ્ધ છે, જે પાંચથી છ દિવસનો સ્ટોક છે. આ રસીઓના ડોઝનું ગામડા અને જિલ્લાઓમાં વિતરણ કરવાની જવાબદારી રાજ્યોની છે. મહારાષ્ટ્ર સરકારમાં યોજનાના અભાવને કારણે રસીના પાંચ લાખ ડોઝ બરબાદ થઈ ગયા છે. અગાઉ મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું હતું કે રાજ્યમાં રસીની અછતને કારણે અનેક રસીકરણ કેન્દ્રો બંધ કરવા પડયા છે. રાજ્યમાં હાલ ૧૪ લાખ ડોઝ છે, જે માત્ર ત્રણ દિવસ સુધી ચાલી શકે છે.