×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સંત પાસે ચાર્ટર્ડ પ્લેન ક્યાંથી આવ્યું, રન-વે પર અફઘાનિસ્તાન જેવો માહોલ, બાબા બાગેશ્વરને BJPનો સાથ : JDU-RJD

પટણા, તા.18 મે-2023, ગુરુવાર

બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી 5 દિવસના બિહાર પ્રવાસ બાદ પરત ફર્યા છે, પરંતુ પટના એરપોર્ટથી રવાના થવાના હતા, ત્યારે રન-વે પર ભક્તોનો જમાવડાનો નજારો સામે આવ્યા બાદ રાજકારમ ગરમાયું છે. આ મામલે મહાગઠબંધને બાબાના સમર્થનમાં ઉતરેલી ભાજપને આડેહાથ લેવાનું શરૂ કરી દીધું છે. બાબા બાગેશ્વર બુધવારે સાંજે પટનાથી નીકળ્યા ત્યારે એરપોર્ટ પર ભક્તોનો મોટો જમાવડો જોવા મળ્યો હતો.

બાબાના ભક્તો એરપોર્ટની અંદર રન-વે પર દોડતા નજરે પડ્યા

પહેલા પટના એરપોર્ટના ડિપાર્ચર ગેટ પર હંગામો થયો અને ત્યારબાદ બાબાના ભક્તો એરપોર્ટની અંદર રન-વે પર દોડતા નજરે પડ્યા... ચાર્ટર્ડ પ્લેનમાં રવાના થતા પહેલા બાબાની આસપાસ ભક્તોની ભીડ ઉમટી હતી અને તેમના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરાયા હતા. હવે આ સમગ્ર મામલાને લઈને એરપોર્ટ પ્રશાસન પર સવાલો ઉઠી રહ્યા છે, તો બીજી તરફ રાજકારણ પણ શરૂ થઈ ગયું છે.

સંત પાસે પ્લેન ક્યાંથી આવ્યું : JDU

બાબા બાગેશ્વરીના ભક્તો એરપોર્ટના રન-વે પર પહોંચવા મામલે મહાગઠબંધને ભાજપને ઘેરવાનું શરૂ કરી દીધું છે. જનતા દળ યુનાઈટેડે (JDU) જણાવ્યું કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આ મામલે તપાસ કરાવવી જોઈએ. JDUના મુખ્ય પ્રવક્તા અને MLC નીરજ કુમારે પણ કહ્યું કે, ભાજપને જણાવવું જોઈએ કે સનાતન સંત પાસે ચાર્ટર્ડ પ્લેન ક્યાંથી આવી રહ્યું છે... JDUના પ્રવક્તાએ જણાવ્યું કે, આ મામલે સામાન્ય લોકોની સુરક્ષા સાથે રમત ન રમી શકાય અને એરપોર્ટના નિયમોનો ભંગ કરવો યોગ્ય બાબત નથી.

અફઘાનિસ્તાન જેવો નજારો : RJD

આ મામલે RJDએ પણ કડક પ્રતિક્રિયા આપી છે. RJDના પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ જણાવ્યું કે, અફઘાનિસ્તાન જેવો નજારો પટના એરપોર્ટ પર જોવા મળ્યો... પટના એરપોર્ટ પર જે કંઈપણ થયું, તે મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ઉડ્ડયન મંત્રાલયે જવાબ આપવો જોઈએ. દોષિત સામે કાર્યવાહી થવી જોઈએ. આરજેડીના પ્રવક્તાએ જણાવ્યું કે, દેશના બંધારણની મજાક ઉડાવાઈ રહી છે.

બાબા બાગેશ્વરીને ભાજપનું સમર્થન

આ સમગ્ર મામલે ભાજપ બાબાની સાથે ઉભેલી જોવા મળી રહી છે. બાબા બાગેશ્વરની મુલાકાતની સફળતા બાદ ભાજપ ઉત્સાહિત છે. ભાજપના ધારાસભ્ય હરિ ભૂષણ ઠાકુર બચૌલે જણાવ્યું કે, બાબાના કાર્યક્રમની સફળતાને કારણે મહાગઠબંધનમાં બેચેની જોવા મળી રહી છે. જે લોકો પહેલા વિરોધ કરી રહ્યા હતા, તેઓ હવે બાબાના કાર્યક્રમની સફળતા બાદ બહાનું શોધી રહ્યા છે. ભાજપના ધારાસભ્યએ કહ્યું કે, ભક્તોની ભીડને નિયંત્રિત કરવી મુશ્કેલ છે અને જો ભક્તો રન-વે સુધી પહોંચ્યા છે તો અગાઉ પણ નેતાઓ સાથે આવું થતું રહ્યું છે.