×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સંજય રાઉતના ‘ચોર મંડળ’ નિવેદન પર હંગામો : 2 દિવસમાં તપાસ બાદ 8મી માર્ચે કરાશે નિર્ણય

મુંબઈ, તા.1 માર્ચ-2023, વાર

શિવસેના નેતા સંજય રાઉતે વિધાનસભાના મંડળને કથિત રીતે ‘ચોરમંડળ’ કહેતા મહારાષ્ટ્ર વિધાનસભામાં હંગામો થયો છે. સત્તાધારી પક્ષ ઉપરાંત વિપક્ષી દળોના સભ્યોએ પણ સંજય રાઉતની આ ટીપ્પણીની નિંદા કરી છે. વિધાનસભામાં નીચલા ગૃહની શરૂ થયેલી કાર્યવાહી દરમિયાન ભાજપના નેતા આશીષ સેલારે સંજય રાઉતની ટીપ્પણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે કહ્યું કે, તેઓ બે દિવસમાં ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતના નિવેદનની તપાસ કરશે અને આવતા બુધવારે એટલે કે 8 માર્ચે માનવાધિકાર ઉલ્લંઘન કેસ પર નિર્ણય લેશે. હંગામાને કારણે ગૃહની બેઠક દિવસભર માટે સ્થગિત કરી દેવામાં આવી છે.

ધારાસભ્યોને ચોર કહેતા તે રાજ્યનું અપમાન : ભાજપ નેતા

ભાજપના નેતા આશીષ સેલારે કહ્યું કે, ધારાસભ્યોને ચોર કહેવામાં આવે છે, તે રાજ્યનું અપમાન છે. બીજી તરફ ભાજપના એક અન્ય ધારાસભ્ય અતુલ ભાતખલ્કરે કહ્યું કે, તેમણે રાઉત વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ આપી છે. તેમણે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને આ નોટિસ સ્વિકારવા વિનંતી કરી છે.

રાઉતની ટિપ્પણી અસ્વિકાર્ય : NCP-કોંગ્રેસ

વિપક્ષના નેતા અજિત પવાર અને કોંગ્રેસ વિધાયક દળના નેતા બાળાસાહેબ થોરાટે પણ કહ્યું કે, આવી ટિપ્પણી અસ્વીકાર્ય છે. પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસ શિવસેના (UBT)ના સાથી છે. થોરાટે જણાવ્યું કે, તેમણે (સંજય રાઉતે) શું કહ્યું તે સ્પષ્ટ કરવાની જરૂર છે. ઉપરાંત ગૃહમાં કેવા શબ્દોનો ઉપયોગ થાય છે. દરેક વ્યક્તિએ આ બાબતે સાવધાન રહેવું જોઈએ. અમને તો રાષ્ટ્રવિરોધી પણ કહેવામાં આવ્યા છે. 

હોબાળાના કારણે ગૃહની કાર્યવાહી ત્રણ વખત સ્થગિત

એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેનાના ધારાસભ્ય ભારપૂર્વક કહી રહ્યા હતા કે નોટિસ સ્વીકારવી જોઈએ. હોબાળાના કારણે નીચલા ગૃહની કાર્યવાહી ત્રણ વખત સ્થગિત કરવામાં આવી હતી. પહેલા અધ્યક્ષ નાર્વેકર દ્વારા 10 મિનિટ માટે, ત્યારબાદ અધિકારી અધ્યક્ષ યોગેશ દ્વારા 20 મિનિટ અને 30 મિનિટ માટે સ્થગિત કરવામાં આવી હતી. અગાઉ કોલ્હાપુરમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન સંજય રાઉત દ્વારા કથિર રીતે વિધાનમંડળને ચોરમંડળ કહેવામાં આવ્યું હતું, ત્યારબાદ આ મામલે મહારાષ્ટ્રમાં રાજકારણમાં વિવાદ શરૂ થઈ ગયો હતો.