×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શૈક્ષણિક સંસ્થાનોની 'NIRF રેન્કિંગ 2023' જાહેર, IIT મદ્રાસ ઓવરઓલ નંબર 1, IISc બેસ્ટ યુનિવર્સિટી

image : Twitter


કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા દર વર્ષની જેમ 2023 માટે પણ દેશભરની સંસ્થાઓનું રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રાલય દ્વારા આજે એટલે કે 5 જૂન, 2023 ના રોજ બહાર પાડવામાં આવેલ NIRF રેન્કિંગ 2023 અનુસાર ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) મદ્રાસ દેશની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાન બની છે. IIT મદ્રાસે ઓવરઓલ કેટેગરીમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે, જે તેણે સતત પાંચમા વર્ષે જાળવી રાખ્યો હતો. ત્યારબાદ બેંગ્લુરુમાં આવેલી ભારતીય વિજ્ઞાન સંસ્થા (IISc) બીજા સ્થાને છે. બીજી તરફ, યુનિવર્સિટી કેટેગરીમાં IISc બેંગ્લુરુ પ્રથમ ક્રમે રહી છે.

એન્જિનિયરિંગમાં કોણ ટોચે રહ્યું? 

IIT મદ્રાસે ફરી એકવાર શિક્ષણ મંત્રાલયના NIRF રેન્કિંગ 2023ની એન્જિનિયરિંગ શ્રેણીમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે. IIT મદ્રાસનો ક્રમ સતત આઠમા વર્ષે જળવાઈ રહ્યો છે. તેના પછી IIT દિલ્હી બીજા સ્થાને અને IIT બોમ્બે ત્રીજા સ્થાને રહી છે.  તેવી જ રીતે ભારતની ટોચની કોલેજોની વાત કરીએ તો દિલ્હી યુનિવર્સિટીનું મિરાન્ડા હાઉસ આ કેટેગરીમાં દેશમાં સર્વશ્રેષ્ઠ કોલેજ છે. તેના પછી DUની હિન્દુ કોલેજ બીજા સ્થાને છે, જ્યારે બેંગ્લુરુની પ્રેસિડેન્સી કોલેજ ત્રીજા સ્થાને રહી છે.

સંશોધન અને ઈનોવેશનમાં કોણ ટોચે રહ્યું? 

સોમવારે જાહેર કરાયેલ NIRF રેન્કિંગ 2023 અનુસાર ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બેંગ્લુરુએ સંશોધન માટે શ્રેષ્ઠ સંસ્થાઓની કેટેગરીમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જો કે, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) કાનપુર ઈનોવેશન કેટેગરીમાં દેશમાં પ્રથમ ક્રમે રહી છે.  દેશની ટોચની મેનેજમેન્ટ કોલેજોની વાત કરીએ તો, NIRF રેન્કિંગ 2023 અનુસાર, ગુજરાતમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIM અમદાવાદ) પ્રથમ સ્થાને છે. તે પછી બીજા સ્થાને IIM બેંગ્લુરુ જ્યારે ત્રીજા સ્થાને IIM કોઝિકોડ છે.

ફાર્મસી અને લૉ કેટેગરીમાં કોણ ટોપ પર રહ્યું? 

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (NIPER), હૈદરાબાદ એ NIRF રેન્કિંગ 2023ની ફાર્મસી કેટેગરીમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેના પછી દિલ્હી સ્થિત જામિયા હમદર્દ બીજા સ્થાને અને BITS પિલાની ત્રીજા સ્થાને રહી છે.  લૉની કેટેગરી વિશે વાત કરીએ તો નેશનલ લો યુનિવર્સિટી (NLU) બેંગ્લોરને NIRF રેન્કિંગ 2023 માં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. તેના પછી NLU દિલ્હી અને યુનિવર્સિટી ઓફ લો હૈદરાબાદ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહી છે.