×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શેર બજારમાં પૈસા ડૂબ્યા તો તણાવમાં આવી 900 ડિગ્રી સેલ્સિયસ ઉકળતી ભઠ્ઠીમાં કૂદીને આપી દીધો જીવ


- શેર માર્કેટમાં આશરે 6 લાખ રૂપિયાના નુકસાન અને લોન ચુકવવામાં પડી રહેલી મુશ્કેલી બાદ કરી આત્મહત્યા

નવી દિલ્હી, તા. 1 એપ્રિલ, 2021, ગુરૂવાર

ચીનની ફેક્ટરીમાં કામ કરતા એક કર્મચારીએ હતાશામાં આવીને એક ખૂબ જ ચોંકાવનારૂ પગલું ભર્યુ હતું. તે વ્યક્તિને શેર માર્કેટમાં આશરે 6 લાખ રૂપિયાનું નુકસાન થયુ હતું. ત્યાર બાદ તે ભારે તણાવગ્રસ્ત રહેવા લાગ્યો હતો અને આખરે તેણે સ્ટીલની ગરમ ભઠ્ઠીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. જાણવા મળ્યા મુજબ તે સમયે ભઠ્ઠીનું તાપમાન આશરે 900 ડિગ્રી સેલ્સિયસ જેટલું હતું. 

વાંગ નામની તે વ્યક્તિ ચીનની પ્રખ્યાત સ્ટીલ ઉત્પાદક કંપની બૂગૈંગ ગ્રુપમાં છેલ્લા એક દશકા કરતા પણ વધારે સમયથી કામ કરી રહી હતી. કંપનીએ 31 માર્ચના રોજ વાંગને લઈ નિવેદન બહાર પાડ્યું હતું અને 34 વર્ષીય વાંગ કંપનીની સ્ટીલ પાઈપ બ્રાંચમાં નાઈટ ડ્યુટી બાદ અચાનક ગાયબ થયો હોવાનું જાહેર કર્યું હતું. 

ત્યાર બાદ કંપનીએ વાંગની શોધખોળ આરંભી હતી અને સીસીટીવી ફુટેજના આધારે તેના વિશેની જાણકારી મેળવી હતી. સીસીટીવી ફુટેજ પ્રમાણે કંપનીની એક ભઠ્ઠીમાં સ્ટીલ પીગાળવાનું કામ ચાલુ હતું તે સમયે વાંગે પહેલા તે ભઠ્ઠીને જોઈ હતી. બાદમાં પોતાના હેલ્મેટ, મોજા ઉતારીને થોડી રાહ જોઈ હતી અને આખરે ભઠ્ઠીમાં કૂદીને પોતાનો જીવ આપી દીધો હતો.

વાંગ સાથે કામ કરતા લોકોના કહેવા પ્રમાણે તે એક શરમાળ પ્રકૃત્તિનો વ્યક્તિ હતો અને સિંગલ હતો. છેલ્લા કેટલાક વર્ષથી તે સ્ટોક માર્કેટમાં પૈસા લગાવી રહ્યો હતો. છેલ્લા 3 મહિનાથી ચીનનું માર્કેટ સૌથી લઘુત્તમ સ્તરે પહોંચ્યુ હતું. આ કારણે વાંગને શેર માર્કેટમાં 6 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. 

કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમાણે વાંગે ઘણા વધારે રૂપિયા ગુમાવ્યા હોય તેવી આશંકા છે અને તેને પોતાની લોન ચુકવવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. આ કારણે જ તેણે આત્મહત્યાનો આવો ખતરનાક રસ્તો અપનાવ્યો હતો અને પોલીસે પ્રારંભિક તપાસ બાદ કેસને આત્મહત્યાનો કેસ ઠેરવ્યો છે.