×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શેરબજારમાં ગાબડું : રોકાણકારોની સંપત્તિમાં 3.72 લાખ કરોડનું ધોવાણ


અમદાવાદ, તા. 22 ફેબ્રૂઆરી, 2021, સોમવાર

મહારાષ્ટ્રમાં પુન: લૉકડાઉન અમલી બનવા સહિતના અન્ય અહેવાલો પાછળ શેરબજારમાં ચોમેરથી ગભરાટભરી વેચવાલીનું દબાણ આવતા 2021માં પ્રથમ પ્રચંડ કડાકો બોલી જતાં રોકાણકારોની સંપત્તિમાંથી આજે રૂા. 3.72 લાખ કરોડનું ધોવાણ થઈ જવા પામ્યું હતું.

વેચવાલીના એકધારા દબાણના પગલે સેન્સેક્સે આજે મહત્ત્વની એવી 50,000ની સપાટી ગુમાવી દીધી હતી. મહારાષ્ટ્રમાં કોરોના ફરીથી વકરતા ચોક્કસ સ્થળોએ પુન: લૉકડાઉન અમલી બનાવાયું છે.

આ ઉપરાંત જરૂર પડે વધુ આકરા પગલા ભરવા વિવિથ રાજ્યોના સરકારી તંત્રએ નિર્દેશ આપતાં બજારનું મોરલ ખરડાઈ જવા પામ્યું હતું. આ ઉપરાંત વૈશ્વિક પ્રતિકૂળ અહેવાલો, ભારત તેમજ અમેરિકી બોન્ડની ઉપજમાં વધારો તેમજ ક્રૂડ ઓઇલના ભાવ વધતા બજારની ચિંતામાં વધારો થયો હતો.

દેશના વિવિધ રાજ્યોમાં ફરી લૉકડાઉન અમલી બનવાના સંકેતે આજે વિદેશી રોકાણકારો સહિત ચોમેરથી આવેલા વેચવાલીના દબાણ પાછળ શેરોની જાતેજાતમાં ગાબડા પડયા હતા.

મુંબઈ શેરબજારમાં આજે કામકાજનો પ્રારંભ મક્કમ ટોને થયા બાદ છેતરામણી તેજીમાં સેન્સેક્સ ઇન્ટ્રા ડે વધીને 50986 પહોંચ્યા બાદ ચોમેરની વેચવાલીએ ઉંચા માથે પટકાઈ 49617ના તળિયે ઉતરી આવ્યા બાદ કામકાજના અંતે 1145.44 પોઇન્ટ તૂટી 49744.32ની સપાટીએ બંધ રહ્યો હતો.

એનએસઇ ખાતે પણ પ્રારંભમાં નવી લેવાલીએ નિફ્ટી 15010ને સ્પર્શ્યા બાદ ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે 14635 સુધી ખાબકી કામકાજના અંતે 306.05 પોઇન્ટના કડાકા સાથે 14675.70ની સપાટીએ નરમ રહ્યો હતો.

સેન્સેક્સમાં બોલેલા કડાકાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં રૂા. 3.72 લાખ કરોડનું ધોવાણ થતાં તે રૂા. 200.26 લાખ કરોડ રહ્યું હતું. સેન્સેક્સમાં છેલ્લા પાંચ સત્રમાં નોંધાયેલ સતત પીછેહઠના પગલે પાંચ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં રૂા. પાંચ લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું હતું.

છેલ્લા પાંચ દિવસમાં ેબઉ આગેવાન ઇન્ડેક્સ 4 ટકાથી વધુ તૂટયા છે. વિદેશી રોકાણકારોએ આજે રૂા. 893 કરોડની વેચવાલી હાથ ધરી હતી. વેચવાલીના ભારે દબાણે બીએસઇ ખાતે 2006 શેરો નેગેટીવ બંધ રહ્યા હતા. જ્યારે 286 શેરોમાં મંદીની સર્કિટ અમલી બની હતી.

ગત એપ્રિલ બાદ લૉકડાઉનની ભીતિએ શેરબજારમાં મોટો કડાકો

ગત એપ્રિલ માસ દરમિયાન લૉકડાઉનના અમલ વેળા સેન્સેક્સમાં 1302 પોઇન્ટનો કડાકો બોલી ગયા બાદ આજે દેશના પાંચ રાજ્યોમાં કોરોનાએ માથું ઉંચકતા લૉકડાઉન અમલી બનવાની ભીતિએ સેન્સેક્સમાં 1145 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો.

સેન્સેક્સમાં એક વર્ષમાં નોંધાયેલા પ્રચંડ કડાકા

સમય

કડાકો

 

(પોઇન્ટમાં)

23 માર્ચ-'20

3935

12 માર્ચ-'20

2919

16 માર્ચ-'20

2713

4 મે- '20

2002

9 માર્ચ- '20

1941

18 માર્ચ-20

1709