×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શેઠની શિખામણ ઝાંપા સુધી: જાહેર મેળાવડા નહીં યોજવાના CMના આદેશ છતા પાટિલે લોકો ભેગા કરી ફોટોસેશન કરાવ્યો

સુરત, તા. 14 એપ્રિલ 2021, બુધવાર

કરોના વાયરસના કારણે સુરતની હાલત ભયાવહ અને કફોડી બની છે. રાજ્યના લોકોની સ્થિતિ અત્યારે દયનીય છે. આ બધા વચ્ચે હાઇકોર્ટની ટકોર બાદ સરકારે વિવિધ નિયમો બનાવ્યા છે, જેથી કોરોના પર કાબૂ મેળવી શકાય. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, ભીડ એકઠી ના કરવી વગેરે અનેક નિયમો લાગુ છે, પરંતુ આ નિયમો માત્ર અને માત્ર સામાન્ય લોકો માટે જ છે. નેતાઓને આમાંથી એક પણ નિયમ લાગુ પડતો નથી. જો આવું ના હોત તો ચાની લારી-પાનના ગલ્લા બંધ કરાવતા તંત્રને ભાજપના પક્ષ પ્રમુખ સી આર પાટીલના કાર્યક્રમો એકઠી થયેલી ભીડ ના દેખાય? 

કોરોનાના કપરા કાળ વચ્ચે પણ સતત રેલીઓ અને મેળાવડા યોજનાર સીઆર પાટીલ કોરોનાના વિકરાળ સ્વરુપ બાદ પણ સુધરવાનું નામ નથી લેતા. સુરતમાં પરિસ્થિતિ વણસતા 5 હજાર રેમડેસિવીર ઈન્જેક્શનોની વ્યવસ્થા કરનાર સીઆર પાટીલ પોતે જાણે જ છે કે સુરતમાં સ્થિતિ બગડેલી છે. છતાં પણ કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવી તેમની માનસિકતા બતાવે છે. 


કોરોના વાયરસના કારણે આખું સુરત અત્યારે ઓક્સિજન પર હોય તેવી સ્થિતિ છે, તેવામાં સીઆર પાટીલે આજે આંબેડકર જયંતિની ઉજવણી કરી અને ભીડ પણ એકઠી કરી. કોર્ટના આદેશને ભૂલીને સુરતના રાજકારણીઓએ આજે બાબા સાહેબ આંબેડકર જયંતીમાં ભેગા થયા હતા. ફોટોશૂટ કરાવીને ભાજપના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યાં છે. રિંગ રોડ માન દરવાજા પાસે ડો.બાબા સાહેબ આંબેડકરના પૂતળાને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે હરખપદૂડા થઈને ભાજપના નેતાઓ પહોંચી ગયા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલા સહિત અન્ય ભાજપના હોદ્દેદારો અને કોર્પોરેટરો પહોંચ્યાં હતાં.

ત્યારે સવાલ એ થાય છે કે કોરોનાના આવા સ્વરુપ વચ્ચે આ ઉજવણીની શું જરુર હતી? જો આ ઉજવણી ના કરી હોત તો ના ચાલત? અધુરામાં પુરુ સુરત શહેરના મેયર કે જેમના શિરે સુરતના નાગરિકોની જવાબદારી છે, તેઓ પણ આવા કાર્યક્રમોની અંદર હાજર હતા. જો તેઓ પોતે જ નિયમોના આવા ધજાગરા કરે તો લોકોને શું કહેવું?

સરકારની ગાઇડ લાઇન તો માત્ર આંબેડકરની પ્રતિમાની આસપાસના નાની ચાની રેકડી ચલાવનાર, શાકભાજી વેચનાર, પાથરણા પાથરીને નાનો મોટો વેપાર કરનાર, રોજ કમાઈને રોજ ખાનારા લોકો માટે છે નેતાઓ માટે જાણે કોઈ જ નીતિ નિયમો લાગુ પડતા નથી. સી.આર.પાટીલ પ્રદેશ અધ્યક્ષ બન્યા ત્યારથી અત્યાર સુધીમાં સૌથી વધુ કાર્યક્રમો અને જ્યાં મેળાવડામાં હાજર રહેનાર નેતાઓ પૈકીના એક છે. જાણે કે ભાજપનો ખેસ એ વાતનું લાયસન્સ છે કે તેમને કોઇ નીતિ નિયમો લાગુ પડતા નથી.


સરકાર અને કોર્ટે જાહેરમાં ઉજવણી કે ભેગા થવા પર પ્રતિબંધ મૂક્યો છે. જો સામાન્ય માણસ આ પ્રતિબંધનો ભંગ કરે તો તેની સામે દંડની સાથે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવે છે, પરંતુ આ નિયમનો આજે જાહેરમાં ભાજપના નેતાઓએ ભંગ કર્યો છે. ભાજપના નેતાઓ સાથે અન્ય પક્ષના નેતા પણ બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલી અર્પણ કરવા માટે આવ્યા હતા.