×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શું સ્પોર્ટસ પણ બની શકે છે બંધારણીય અધિકાર? સુપ્રીમ કોર્ટમાં ચાલે છે કેસ


- બંધારણની કલમ 21 (જીવન અને સ્વતંત્રતાની રક્ષા) અંતર્ગત શારીરિક સાક્ષરતાને મૌલિક અધિકારનો દરજ્જો મળવો જોઈએ

- તમામ શિક્ષણ બોર્ડને દરેક શાળામાં પ્રતિદિન 90 મિનિટનો સમય રમત માટે સુનિશ્ચિત કરવા કહેવું જોઈએ

નવી દિલ્હી, તા. 21 માર્ચ 2022, સોમવાર

ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, શારીરિક સાક્ષરતાને એક મૌલિક અધિકાર તરીકેનો દરજ્જો અપાવો જોઈએ. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) અને કાઉન્સિલ ઓફ ઈન્ડિયન સ્કુલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CISCE) સહિતના તમામ શિક્ષણ બોર્ડને દરેક શાળામાં પ્રતિદિન 90 મિનિટનો સમય રમત માટે સુનિશ્ચિત કરવા કહેવું જોઈએ. 

વરિષ્ઠ અધિવક્તા ગોપાલ શંકરનારાયણને આ રિપોર્ટ રજૂ કર્યો હતો. તેઓ રમત-ગમતને મૌલિક અધિકાર બનાવવા અને દેશમાં રમત-ગમતના શિક્ષણને પ્રોત્સાહન આપવા સંબંધી એક જનહિતની અરજી થયેલી તેમાં એમિક્સ ક્યુરી છે. રમત-ગમત સંશોધક કનિષ્ક પાંડેએ વર્ષ 2018માં આ અરજી દાખલ કરી હતી જેના પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ પાઠવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, રમત-ગમતને નર્સરીથી માસ્ટર લેવલ સુધીના અભ્યાસમાં સામેલ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે શંકરનારાયણનને આ મામલે એમિક્સ ક્યુરી નિયુક્ત કરીને કેસના ઉકેલ માટે સૂચન આપવા કહ્યું હતું. 

એમિક્સ ક્યુરીના બૃહદ રિપોર્ટમાં બંધારણીય સિદ્ધાંતો અને રમત-ગમતના વિભિન્ન પાસાઓને આવરી લેવાયા છે અને આ મામલે લાગુ કરી શકવા યોગ્ય અનેક સૂચનો પણ આપવામાં આવ્યા છે. આવા જ એક સૂચનમાં કહેવામાં આવ્યું છે કે, બંધારણની કલમ 21 (જીવન અને સ્વતંત્રતાની રક્ષા) અંતર્ગત શારીરિક સાક્ષરતાને મૌલિક અધિકારનો દરજ્જો મળવો જોઈએ. કેન્દ્રને રાષ્ટ્રીય શારીરિક શિક્ષા મિશન બનાવવા કહેવામાં આવી શકે છે જેથી આ અધિકારને લાગુ કરી શકાય. આ સાથે જ તેની જવાબદારી પણ નક્કી કરવામાં આવે જેમાં અભ્યાસક્રમનું નિર્ધારણ, તેના પાલનનું મોનિટરીંગ, સમીક્ષા અને ફરિયાદોના ઉકેલનો સમાવેશ થાય. 

રિપોર્ટ પ્રમાણે લાંબા ગાળાના સૂચનોના અમલમાં સમય લાગી શકે છે માટે કોર્ટ શાળાઓને દરરોજ 1.5 કલાકનો સમય રમત-ગમતની ગતિવિધિઓ માટે નિર્ધારિત કરવા કહી શકે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, શૈક્ષણિક સત્ર 2022થી બિન-રહેણાંક શાળાઓને નિર્ધારિત સમય બાદ પોતાના રમતના મેદાન અને સુવિધાઓ નિશુલ્કરૂપે પાડોશના બાળકોને પ્રયોગ માટે આપવાનો આદેશ અપાવો જોઈએ. શંકરનારાયણને આ પ્રસ્તુતીકરણમાં અનેક ખેલ નિષ્ણાંતોની મદદ પણ લીધી છે જેમાં ભારતના મહાન બેડમિન્ટન ખેલાડી પુલ્લેલા ગોપીચંદનો પણ સમાવેશ થાય છે.