×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શિક્ષક ભરતી કૌભાંડ : પાર્થ ચેટર્જીની મંત્રીપદ, પક્ષમાંથી હકાલપટ્ટી


કોલકાતા, તા.૨૮

પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડમાં કેબિનેટ મંત્રી પાર્થ ચેટર્જી અને તેની સાથી અર્પિતા મુખર્જીની ઈડી દ્વારા ધરપકડ પછી અંતે ગુરુવારે મમતા સરકાર એક્શનમાં આવી હતી. મમતા સરકારે અંતે પાર્થ ચેટર્જીની ઉદ્યોગ મંત્રીપદેથી અને તૃણમૂલ કોંગ્રેસના સભ્યપદેથી પણ હકાલપટ્ટી કરાઈ છે. પાર્થ ચેટર્જીને હટાવવાની પુષ્ટી કરતાં મમતા બેનરજીએ કહ્યું હતું કે તેમનો પક્ષ કડક કાર્યવાહી કરે છે. તેની પાછળ અનેક કારણ છે, પરંતુ હું તેની વિગતોમાં જવા માગતી નથી. પાર્થ ચેટર્જી શિક્ષણ મંત્રી હતા ત્યારે ભરતી કૌભાંડ થયું હતું.

બંગાળના મુખ્ય સચિવે જાહેર કરેલા આદેશ મુજબ પાર્થ ચેટર્જીને ઉદ્યોગમંત્રી પદેથી હટાવવાની સાથે અન્ય બધા જ પદો પરથી હટાવી દેવાયા છે, તેમાં માહિતી અને પ્રસારણ વિભાગ, સંસદીય બાબતો સંબંધિત વિભાગ વગેરેનો સમાવેશ થાય છે. વધુમાં તેમને તૃણમૂલ કોંગ્રેસમાંથી પણ બધા પદો પરથી હટાવી દેવાયા છે, જેમાં મહાસચિવ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની સાથે અન્ય ત્રણ પદોનો સમાવેશ થાય છે. તૃણમૂલ નેતા અભિષેક બેનરજીએ જણાવ્યું કે, તેમને તપાસ પૂરી થાય ત્યાં સુધી પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે. તેઓ નિર્દોષ સાબિત થશે તો પક્ષમાં તેમને પાછા લેવામાં આવશે. 

પાર્થ ચેટર્જીને કેબિનેટ મંત્રી તરીકે હટાવ્યા પછી મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે આ સંપૂર્ણ બાબત એક મોટા કાવતરાંનો ભાગ છે, જેના અંગે હાલ વધુ કશું કહી શકાય તેમ નથી. મમતાએ એમ પણ કહ્યું કે આ બધા રૂપિયા એક છોકરી (અર્પિતા)ના ઘરેથી જપ્ત થયા છે.

પાર્થ ચેટર્જી સામે લેવાયેલા પગલાં અંગે મમતાએ કહ્યું કે, અમે તેમને મંત્રીપદેથી તેમજ પક્ષમાંથી પણ હટાવી દીધા છે, કારણ કે તૃણમૂલ કોંગ્રેસ ભ્રષ્ટાચાર મુદ્દે સખત વલણ અપનાવે છે. તેને બદલી શકાય નહીં. આ એક મોટી ગેમ છે. તેના અંગે હાલ વધુ વાત કરી શકાય તેમ નથી. પાર્થ ચેટરજીની હકાલપટ્ટીના થોડાક સમય પહેલા પશ્ચિમ બંગાળ કેબિનેટની બેઠક મળી હતી.  પાર્થ ચેટર્જીની સાથી અર્પિતા મુખર્જીના ઘરેથી ઈડીના દરોડા વખતે અંદાજે રૂ. ૨૦ કરોડની રોકડ પકડાયા પછી પાર્થ ચેટર્જીની ધરપકડ કરાઈ હતી. ત્યાર પછી અર્પિતાના બીજા ઘરે પણ ઈડીએ દરોડો પાડતાં વધુ રૂ. ૨૦ કરોડની રોકડ મળી હતી. 

ઈડીને ડાયમંડ સિટીના ફ્લેટમાં પહેલા દરોડામાં કુલ રૂ. ૨૧.૯૦ કરોડની રોકડ મળી હતી. બુધવારે બેલઘોરિયા ખાતે બીજા ઘરે પાડેલા દરોડામાં રૂ. ૨૭.૯૦ કરોડની રોકડ અને રૂ. ૪ કરોડથી વધુનું ૬ કિલો સોનું મળ્યું હતું, જેમાં અડધો-અડધો કિલોના સોનાના ૬ પાટલા, ૩ કિલોના સોનાના બિસ્કિટ, સોનાની પેનનો સમાવેશ થાય છે. ઉપરાંત ઈડીને અર્પિતાના ઘરમાંથી કિંમતી ઘડિયાળો અને પેઈન્ટિંગ પણ મળી આવ્યા હતા. ઈડીને બેલઘોરિયા ખાતેના ઘરમાં ડ્રોઈંગરૂમ અને બેડરૂમ ઉપરાંત ટોઈલેટમાંથી પણ જંગી રોકડ મળી આવી હતી. ટોઈલેટમાં રોકડ છૂપાવવા વોશરૂમના બેસિન નીચે લોકર બનાવાયું હતું. આ રોકડ ગણવામાં ઈડીએ આખી રાત પસાર કરવી પડી. નોટો ગણવા ઈડીએ મશીનો મગાવ્યા હતા. ત્યારે છેક સવારે ૪.૦૦ વાગ્યે ગણતરી પૂરી થઈ હતી. તે સમયે આ રકમ ૨૭.૯૦ કરોડે પહોંચી હતી. આ નાણાં એક ટ્રકમાં ૨૦ બોક્સમાં મૂકીને લઈ જવાયા હતા.

વધુમાં ઈડીએ ગુરુવારે પણ અર્પિતાના વધુ બે ઘરો પર દરોડા પાડયા હતા, જે મોડી રાત સુધી ચાલ્યા હતા અને ત્યાંથી પણ રૂ. ૧૫ કરોડથી વધુની રોકડ અને અન્ય કિંમતી વસ્તુઓ જપ્ત કરાઈ હતી. આ સિવાય ઈડીએ ગુરુવારે પણ અર્પિતાના વધુ બે ઘરો પર દરોડા પાડયા હતા. આમ, ઈડીએ અર્પિતાના ચાર ઘર પરથી દરોડામાં કુલ રૂ. ૬૫ કરોડથી વધુની રોકડ જપ્ત કરી હતી. ઈડીનું માનવું છે કે આ એ જ રૂપિયા છે, જે શિક્ષક ભરતી કૌભાંડમાં લાંચ તરીકે લેવામાં આવ્યા હતા.