×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શાહરૂખ ના 'મન્નત' બંગલો માં એનસીબીની તપાસ : અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે દરોડા


- ક્રુઝશિપ રેવ પાર્ટીનો ચકચારજનક કેસ

- અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યાની એનસીબીની ઓફિસમાં સવા બે કલાક પૂછપરછ : આજે ફરીથી હાજર થશે

- આર્યનની બહેન સુહાનાની પણ પૂછપરછ થઇ શકે છે

મુંબઇ : ક્રુઝશિપમાં ડ્રગ્સ પાર્ટીના રેકેટનો પર્દાફાશ કરનારી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ની ટીમ આજે બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનના બાંદરા સ્થિત 'મન્નત' બંગલોમાં પહોંચી  હતી. અભિનેતા શાહરૂખના બંગલોમાં છાપો મારવામાં આવ્યો હોવાની ચર્ચા શરૂ થઇ હતી. 

આ સિવાય અભિનેતા ચંકી પાંડેની પુત્રી નવોદિત અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે રેડ પાડીને એનસીબીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એનસીબીની ઓફિસમાં અંદાજે સવા બે કલાક સુધી અનન્યાની પૂછપરછ કરવામાં આવી હતી. બીજી તરફ આર્યન ખાનની બહેન સુહાના ખાનની પણ કદાચ પૂછપરછ થઇ શકે છે. 

મુંબઇ નજીક સમુદ્રમાં ક્રુઝશિપમાં રેવપાર્ટી પ્રકરણમાં પકડાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન માટે જોરદાર પ્રયત્ન શરૂ છે. ત્યારે એનસીબીના અધિકારીઓએ તેમની  તપાસ વધુ ઝડપી બનાવી દીધી છે. આ કેસમાં દરરોજ નવી માહિતી પ્રકાશમાં આવી રહી છે.

બાંદરામાં શાહરૂખના 'મન્નત' બંગલોમાં આજે એનસીબીની ટીમ ગઇ હતી. જેને લીધે એનસીબીએ મન્નત બંગલામાં રેડ પાડી હોવાની વાત પ્રસરી હતી. જો કે એનસીબીએ જણાવ્યું હતું કે શાહરૂખના નિવાસસ્થાને છાપો મારવામાં આવ્યો નથી. પણ આર્યનના શૈક્ષણિક, આરોગ્યના દસ્તાવેજો અને અન્ય સંબંધિત માહિતી મેળવવા આવ્યા હતા.

એનસીબીના સિનિયર ઓફિસર વી.વી. સિંહના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આર્યનના બીજા મોબાઇલ ફોન તથા ઇલેક્ટ્રોનિક સામગ્રીની માહિતી મેળવવામાં આવી હોવાનું કહેવાય છે.

અભિનેતા ચંકીપાડેની પુત્રી અનન્યા પાંડે અને આર્યન ખાન, તેની બહેન સુહાના ખાન મિત્ર છે. આર્યન અને નવોદિત અભિનેત્રી વચ્ચે નશીલા પદાર્થ સંદર્બે ચેટ થઇ હતી. એનસીબીએ અનન્યા પાંડેના ઘરે સવારે છાપો મારીને સર્ચ ઓપરેશન હાથધર્યું હતું.  તેમણે કલાકો સુધી તપાસ કરી હતી. આ કાર્યવાહી વખતે અમૂક દસ્તાવેજો અને અનન્યાનો ફોન તાબામાં લેવામાં આવ્યો હોવાની ચર્ચા થઇ રહી છે. એનસીબીએ અનન્યાને આજે બપોરે પૂછપરછ માટે હાજર થવા સમન્સ આપ્યા હતા. તેને બપોરે બે વાગ્યે પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. પણ અનન્યા સાથે તેના પિતા ચંકી  પાંડે સાંજે ૪.૦૦ વાગ્યે એનસીબીની ઓફિસમાં પહોંચ્યા હતા.

એનસીબીની તપાસમાં સંપૂર્ણ સહકાર્ય આપીશું એમ તેમણે કહ્યું હતું. અભિનેત્રી અનન્યાની સાંજે ૬.૧૫ વાગ્યા સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ કેસ સંબંધિત જરૂરી માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વ્હોટસ એપ ચેટના આધારે કદાચ આર્યનની બહેન સુહાનાની પણ પૂછપરછ થઇ શકે છે એમ કહેવાય છે.

સાક્ષીદાર અને શંકાસ્પદ વ્યક્તિને પૂછપરછ બોલાવવામાં આવે તો એનો અર્થ એમ નથી કે તેઓ આરોપી છે, એમ એનસીબીના અધિકારીએ કહ્યું હતું.

કોરોનાને લીધે અગાઉ જેલમાં કેદીને તેના સંબંધીને મળવા માટે પરવાનગી નહોતી. પણ હાલમાં પરિસ્થિતિમાં સુધારો થતા નિયમો હળવા કરવામાં આવ્યા છે. હવે કેદીના સંબંધીને પરવાનગી આપવામાં આવી છે. આર્થર રોડ જેલમાં આર્યનને રાખવામાં આવ્યો છે. પિતા શાહરૂખ તેને મળવા આર્થરરોડ જેલમાં આવ્યો હતો. તેની સાથે સિક્યુરિટી ગાર્ડ હતા. માતા ગૌરીખાન આવી ન હોતી. પિતા- પુત્રની મુલાકાત અતિશય ભાવનાત્મક હોવાનું જાણવા મળ્યું છે. પિતાને જોઇને આર્યન રડવા લાગ્યો હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી છે.

શાહરૂખે જમવા બાબતે આર્યનને પૂછપરછ કરી હતી. ત્યારે જેલનું જમવાનું પસંદ ન હોવાનું આર્યને કહ્યંર હતું. ઘરનું જમવાનું આર્યનને આપી સકાય કે નહી? એમ શાહરૂખે જેલના અધિકારીને પૂછયું હતું. તેને કોર્ટની પરવાનગી લેવા માટે જણાવવામાં આવ્યું હતું.

વિશેષ એનડીપીએસ કોર્ટે આર્યનની જયુડિશિયલ કસ્ટડી 30 ઓક્ટોબર સુધી વધારી

મુંબઈમાં ક્રુઝ ડ્રગ્સ  પાર્ટીના મામલામાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ ધરપકડ કરેલા આર્યન ખાન અને અન્ય સાત આરોપીની જયુડિશિયલ કસ્ટડી ૩૦ ઓક્ટોબર સુધી વધારવામાં આવી છે. આમ આર્યનને વધુ સમય આર્થર રોડ જેલમાં રહેવું પડશે. હાઈકોર્ટમાં ૨૬ ઓક્ટોબરના મંગળવારે આર્યનની જામીન અરજી પર સુનાવણી કરવામાં આવશે.

ક્રુઝશિપ રેવ પાર્ટીમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન, તેના મિત્ર અરબાઝ મર્ચન્ટ તેમજ મુનમુન ધામેચા સહિત આઠ આરોપીને એનસીબીની કસ્ટડી  બાદ જયુડિશિયલ કસ્ટડી આપી હતી. કોર્ટે આજે આ તમામ આરોપીની અદાલતી કસ્ટડી ૩૦ ઓક્ટોબર સુધી વધારી છે.

વિશેષ એનડીપીએસ કોર્ટે ગઈકાલે આર્યન અને અન્ય આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ આર્યનની જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આવતીકાલે કે સોમવારે આ અરજી પર સુનાવણીની માગણી કરવામાં આવી હતી. પણ ૨૬ ઓક્ટોબરના સુનાવણી કરવાનું જજે કહ્યું હતું. આર્યન સાથે મુનમુન ધામેચાની જામીન અરજીની પણ મંગળવારે સુનાવણી કરાશે.

આર્યન સાથે નવોદિત એક અભિનેત્રીએ નશીલા પદાર્થ સંદર્ભે કરેલી ચેટ એનસીબીને મળી હતી. આંતરરાષ્ટ્રીય ડ્રગ પેડલર સાથે આર્યનનો સંબંધ હોવાનો દાવો એનસીબીએ કર્યો હતો.