×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શારદા ચિટફંડ કૌભાંડમાં મમતા બેનર્જી સામે CBI તપાસ કેમ નહીં? ભાજપના નેતાએ PM મોદીને પત્ર લખ્યો

કોલકાતા, તા.06 માર્ચ-2023, સોમવાર

પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યું છે. તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, CBI ઉચ્ચ હોદ્દા પરના લોકો અને દાયકા જૂના શારદા ચિટ ફંડ કૌભાંડમાં સંડોવાયેલા લોકો સામે પગલાં લઈ રહી નથી. પત્રમાં તેમણે આરોપ લગાવ્યો છે કે, મુખ્યમંત્રી મમતા બેનર્જીને કરોડોના કૌભાંડમાં સૌથી વધુ લાભ થયો છે, જોકે CBI તેમના હોદ્દાના કારણે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ખચકાટ અનુભવી રહી છે. આ મામલે વળતો પ્રહાર કરતા તૃણમૂલ કોંગ્રેસે આરોપ લગાવ્યો કે શુભેન્દુ અધિકારી ભાજપમાં જોડાયા, તે પહેલા મમતા બેનર્જીની કેબિનેટમાં મંત્રી હતા. શારદાના વડા સુદિપ્ત સેને પોતે જ શારદા કૌભાંડના મુખ્ય લાભાર્થીઓ તરીકે શુભેન્દુનું નામ આપ્યું હતું.

CBI ઉચ્ચ હોદ્દા પર બેઠેલા વ્યક્તિ પર સકંજો કસે તેવી અપેક્ષા હતી : શુભેન્દુ અધિકારી

શુભેન્દુ અધિકારીએ પત્રમાં આરોપ લગાવ્યો કે, શારદા ચીટફંડ મોટું કૌભાંડ હોવાથી CBIને તપાસની જવાબદારી સોંપાઈ હતી. સત્તામાં ઉચ્ચ હોદ્દા પરના લોકોની સુરક્ષાના કારણે કૌભાંડ દ્વારા કથિત રીતે પ્રજાના હજારો કરોડો રૂપિયાની ઉચાપત કરાઈ હતી. આવી સ્થિતિમાં CBI ઉચ્ચ હોદ્દા પર બેઠેલા વ્યક્તિ પર સકંજો કસે તેવી અપેક્ષા હતી. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, જ્યારે UPA-2 સરકારમાં મમતા બેનર્જી રેલવે મંત્રી હતા, ત્યારથી શારદા સાથે તેમનો સંબંધ છે. તેથી જ CBI ખચકાઈ રહી છે? અથવા તેમના ઉચ્ચ હોદ્દાના કારણે તેમને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં અસમર્થ બનાવ્યા છે? શું સીબીઆઈને તપાસ સોંપવાનું આ પ્રાથમિક કારણ ન હતું? આ મામલે TMCના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું કે, શુભેન્દુ અધિકારી પોતાના ભ્રષ્ટાચારને ધોવા ભાજપમાં જોડાયા છે. તેમણે કહ્યું કે શુભેન્દુએ કાચના ઘરમાં રહી પત્થર ન ફેંકવો જોઈએ. શારદાના વડા સુદિપ્ત સેને તેમને મુખ્ય લાભાર્થીઓ તરીકે તેમનું નામ આપ્યું. તેઓ પોતાના ભ્રષ્ટાચારના દાગ ધોવા માટે ભાજપના વોશિંગ મશીનમાં પ્રવેશ્યા. 

એપ્રિલ-2013થી શારદા ચિટ ફંડની તપાસ કરી રહ્યું છે ED

ઉલ્લેખનિય છે કે, વર્ષ 2021માં શારદા ચિટ ફંડ મની લોન્ડરિંગ કેસમાં ટીએમસીના પ્રવક્તા કુનાલ ઘોષ, સાંસદ સતાબ્દી રોય અને દેબજાની મુખર્જીની ૩ કરોડ રૂપિયાની મિલકતો ટાંચમાં લેવામાં આવી હતી. તૃણમુલ કોંગ્રેસના પૂર્વ રાજ્યસભા સાંસદ તથા શારદા મીડિયા ગ્રૂપના સીઇઓ કુનાલ ઘોષ, તૃણમુલના લોકસભા સાંસદ તથા શારદાના બ્રાન્ડ એમ્બેસેડેર  સતાબ્દી રોય તથા શારદા ગુ્રપ ઓફ કંપનીના ડાયરેક્ટર દેબજાની મુખર્જી સાથે સંકળાયેલી મિલકતો ટાંચમાં લેવામાં આવી હતી. આ કેસમાં 2021 સુધીમાં કુલ 600 કરોડ રૂપિયાની મિલકતો ટાંચમાં લેવામાં આવી છે. ઇડી એપ્રિલ, 2013થી શારદા ચિટ ફંડની તપાસ કરી રહ્યું છે. 

શું છે શારદા ચીટ ફંડ કૌભાંડ

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2008માં શારદા કંપની શરૂ કરવામાં આવી હતી. ખોટા વાયદા કરી શારદા કંપનીએ લાખો રોકાણકારો પાસે રોકાણ કરાવ્યું હતું અને ત્યારબાદ પૈસા પાછા આપવાની ના પાડી દીધી હતી. 2013માં આ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ તપાસ માટે SITની રચના કરાઈ હતી, જેના ચીફ રાજીવ કુમારને બનાવવામાં આવ્યાં હતાં. વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટના આદેશ પર આ મામલાની તપાસ CBIને સોંપાઈ હતી. CBIનું કહેવું છે કે રાજીવ કુમારે અનેક મહત્વના પુરાવા પોલીસને આપ્યા નથી. CBIની ટીમ આ મામલે પૂછપરછ માટે તેમના ઘરે પહોંચી હતી.