×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શરદ પવાર સાથે પ્રશાંત કિશોરે મુલાકાત કરીને ભાજપને હરાવવા આપ્યો આવો મંત્ર

નવી દિલ્હી,તા.13 જૂન 2021,રવિવાર

પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીને ચૂંટણી જીતાડવા માટે પોતાની રણનીતિથી મહત્વનો ભાગ ભજવનાર પ્રશાંત કિશોરે મહારાષ્ટ્રમાં એનસીપી અધ્યક્ષ શરદ પવાર સાથે કરેલી મુલાકાત બાદ રાજકીય મોરચે ગરમાવો છે.

શરદ પવાર અને પ્રશાંત કિશોર વચ્ચે થયેલી વાતચીતમાં પ્રશાંત કિશોરે ભાજપને રાષ્ટ્રિય સ્તરે કેવી રીતે હરાવી શકાય તે માટેનો પ્લાન તૈયાર કર્યો હોવાનુ કહેવાઈ રહ્યુ છે. એનસીપીના પ્રવકતા નવાબ મલિકે કહ્યુ હતુ કે, એનસીપી પ્રશાંત કિશોરની ચૂંટણી માટે મદદ નથી લેવાની પણ ભાજપને રાષ્ટ્રીય સ્તર પર કેવી રીતે રોકી શકાય તેની રણનીતિ ચોક્કસપણે બનાવી છે.

શરદ પવાર સાથે મુલાકાત દરમિયાન પ્રશાંત કિશોરે કહ્યુ હતુ કે, દેશમાં લગભગ 400 બેઠકો એવી છે જ્યાં ભાજપ પ્રાદેશિક પક્ષો સામે નબળુ પડી શકે છે. આ બેઠકો પર પ્રાદેશિક પક્ષો સારો દેખાવ કરી શકે છે. જો તમામ પ્રાદેશિક પક્ષોને એક કરવામાં આવે તો ભાજપને હરાવવુ આસાન છે. કોંગ્રેસ એવી સ્થિતિમાં નથી જે એકલા હાથે ભાજપને પડકારી શકે. આવા સમયે પ્રાદેશિક પક્ષોને ભાજપ સામે ઉભા કરવા જોઈએ.

જોકે પ્રાદેશિક પક્ષોનો સંયુક્ત મોરચો તૈયાર કરતા પહેલા એવો ચહેરો આગળ કરવો જોઈએ જે આ મોરચાનુ નેતૃત્વ કરી શકે. તેમણે કહ્યુ હતુ કે, 2024માં થનારી ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સામે રાહુલ ગાંધીની ટક્કર થઈ તો ભાજપને હરાવવુ મુશ્કેલ બની જશે. ઓછુ ભણેલા ગણેલા લોકોના અને એસસી એસટી આરક્ષિત લોકોના મત વિસ્તારમાં ભાજપ શક્તિશાળી છે. આ બેઠકો પર ભાજપ પૂરી તાકાત લગાવીને ચૂંટણી લડે છે અને કોંગ્રેસ અહીંયા નબળી પડી જાય છે. આવામાં પ્રાદેશિક પક્ષો ભાજપને ટક્કર આપવા માટે સક્ષમ છે.