×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શરદ પવારની પ્રેસ કોન્ફરન્સ : બળવાખોરો વિરુદ્ધ કોર્ટમાં જવાની ચેતવણી, ભાજપ-કોંગ્રેસને પણ આપ્યો જવાબ

મુંબઈ, તા.16 ઓગસ્ટ-2023, બુધવાર

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી વડા શરદ પવારની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. છત્રપતિ સંભાજી નગરમાં NCP વડા શરદ પવારે કહ્યું કે, હું આખા મહારાષ્ટ્ર્માં છેલ્લા 8-10 દિવસથી પક્ષના કાર્યકર્તાઓને મળી રહ્યો છું. 2 દિવસ પહેલા સોલાપુરના સાંગોલા વિસ્તારમાં વિવિધ જગ્યાઓ પર ઓછામાં ઓછા 1000 લોકોએ મારી કાર રોકી... પક્ષના કાર્યકર્તાઓ પુણે, સતારા અને અન્ય સ્થળોએ મને મળવા આવ્યા... હું આવતીકાલે બીડ જવાનો છું.

શરદ પવારે ભાજપ કર્યા આકરા પ્રહાર

તેમણે કહ્યું કે, INDIAની આગામી બેઠક મુંબઈમાં યોજાશે. ભાજપ અને તેના સાથી પક્ષો વિપરીત કામ કરી રહ્યા છે. ભાજપ સામે લડવા માટે સફળ રણનીતિ બનાવીશું... પવારે એમ પણ કહ્યું કે, વિભાજન દિવસ ઉજવવાનો નિર્ણય ખોટો હતો. ભાજપ લોકો વચ્ચે તિરાડ ઉભી કરવા માંગે છે અને લોકોને ધર્મ, સમાજના આધારે વિભાજીત કરી રહી છે.

વડાપ્રધાને મણિપુર પર વધુ બોલવું જોઈતું હતું : શરદ પવાર

તેમણે વધુમાં કહ્યું કે, ભાજપ સરકારોને અસ્થિર કરી રહી છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સરકારોને અસ્થિત કરવામાં આવી.. મણિપુર હિંસા અંગે તેમણે કહ્યું કે, મણિપુર સંવેદનશીલ રાજ્ય છે અને ત્યાં વધુ સાવધાની રાખવાની જરૂર છે. ત્યાંની મહિલાઓ પર થતા અત્યાચારો ભયાનક છે. વડાપ્રધાને મણિપુર પર વધુ બોલવું જોઈતું હતું.

શરદ પવારે કોંગ્રેસ નેતાઓએ કરેલા આક્ષેપોને રદીયો આપ્યો

તાજેતરમાં જ કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે દાવો કર્યો હતો કે, ભાજપ દ્વારા શરદ પવાર અથવા સુપ્રિયા સુલેમાંથી કોઈ એકને કેબિનેટ મંત્રી પદની ઓફર મળી છે. આ ઓફર માટે જ અજિત અને શરદ વચ્ચે ગુપ્ત બેઠક યોજાઈ હતી. જોકે શરદ પવારે આ બાબતનો ઉલ્લેખ કરી કોંગ્રેસના બંને નેતાઓના આરોપોને રદીયો આપી દીધો છે. પવારે કહ્યું કે, અજિત સાથે યોજાયેલી બેઠકમાં કોઈ રાજકીય ચર્ચા થઈ નથી, તેમને કોઈ ઓફર અપાઈ નથી.

શરદ પવારની કોર્ટમાં જવાની ચેતવણી

રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના નેતાએ વધુમાં જણાવ્યું કે, બળવાખોર જુથને મારી તસવીર ન લગાવવા કહ્યું હતું, જોકે તેમણે મારી વાત માની નથી, તેથી આ મામલે હું કોર્ટમાં જઈશ...

અજિત સાથેની બેઠક અંગે શરદ પવારે કરી હતી સ્પષ્ટ

આ અગાઉ અજિત-શરદ પવારની સિક્રેટ મુલાકાતને લઈ રાજકારણ ગરમાયું હતું અને ત્યારબાદ આ બાબતે સ્પષ્ટતા કરી શરદ પવારે કહ્યું હતું કે, હું તમને એક હકીકત જણાવવા માંગુ છું કે, તે મારો ભત્રીજો છે. ભત્રીજાને મળવામાં શું ખોટું છે ? જો પરિવારનો કોઈ વરિષ્ઠ વ્યક્તિ પરિવારના અન્ય કોઈ સભ્યને મળવા માંગે છે, તો તેમાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ. ઉપરાંત તેમણે કહ્યું હતું કે, કેટલાક શુભચિંતકો મને મનાવવા પ્રયાસો કરી રહ્યા છે, જોકે હું ભાજપ સાથે ક્યારેય નહીં જાઉં. 

અજિત-શરદ પવારની મુલાકાત બાદ રાજકારણ ગરમાયું

ઉલ્લેખનિય છે કે, શનિવારે પુણેમાં શરદ પવાર અને અજિત પવાર વચ્ચે એક બિઝનેસમેનના આવાસ પર મુલાકાત યોજાઈ હતી. સૂત્રો મુજબ શરદ પવાર શનિવારે બપોરે 1 વાગે કોરેગાંવ પાર્ક વિસ્તારમાં બિઝનેસમેનને ત્યાં પહોંચ્યા હતા અને સાંજે 5 વાગ્યે તેઓ પરત ફર્યા હતા. ત્યારબાદ 2 કલાક બાદ સાંજે પોણા સાત વાગે અજિત પવાર પણ પરિસરમાંથી બહાર નિકળતા જોવા મળ્યા. આ બંનેની મુલાકાત બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ગરમાયું હતું. જોકે આ બાબતે શરદ પવારે સ્પષ્ટતા કરતા કહ્યું કે, તે મારો ભત્રીજો છે. ભત્રીજાને મળવામાં શું ખોટું છે ? જો પરિવારનો કોઈ વરિષ્ઠ વ્યક્તિ પરિવારના અન્ય કોઈ સભ્યને મળવા માંગે છે, તો તેમાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ.