×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વ્લાદિમીર પુટિનની મોટી જાહેરાત, આ મિત્ર દેશમાં તહેનાત કરશે પરમાણુ હથિયારો, અમેરિકા-યુક્રેન ચિંતિત

image : Twitter


રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. અત્યારે તેનો અંત દેખાતો નથી. આ દરમિયાન રશિયા તરફથી ઘણી વખત પરમાણુ હુમલાની ચેતવણી પણ આપવામાં આવી છે. હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને આ અંગે મોટું પગલું ભર્યું છે. તેમણે જાહેરાત કરી છે કે રશિયાના પરમાણુ હથિયારો હવે યુક્રેનને અડીને આવેલા બેલારુસમાં તહેનાત કરવામાં આવશે.

યુરોપ અંગે શું કહ્યું... 

યુરોપનો ઉલ્લેખ કરતાં રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે અમેરિકાએ યુરોપમાં ઘણી જગ્યાએ પોતાના પરમાણુ શસ્ત્રો રાખ્યા છે તેની સરખામણીમાં આ પગલું પરમાણુ નિઃશસ્ત્રીકરણ કરારનું ઉલ્લંઘન નથી. જો કે, તેમણે એમ પણ કહ્યું કે રશિયા આ હથિયારનું નિયંત્રણ બેલારુસને નહીં આપે. પુતિને રશિયન સરકારી ટેલિવિઝનને કહ્યું કે બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેન્કો લાંબા સમયથી કહી રહ્યા છે કે રશિયાએ તેના પરમાણુ હથિયારો બેલારુસમાં પણ રાખવા જોઈએ. તેમણે કહ્યું, 'આમાં કંઈ અજુગતું નથી. અમેરિકા દાયકાઓથી આવું કરી રહ્યું છે. તે તેના સહયોગીઓની જમીન પર વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હથિયારો તહેનાત કરી રહ્યું છે.

પુતિને બીજું શું કહ્યું?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે આ વર્ષે 1 જુલાઈ સુધીમાં રશિયા બેલારુસમાં વ્યૂહાત્મક હથિયારોના સંગ્રહ માટે બનાવવામાં આવી રહેલા સ્ટોરેજ યુનિટનું કામ પૂર્ણ કરશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રશિયાએ બેલારુસને પરમાણુ મિસાઈલ લોન્ચ કરવા માટે જરૂરી કેટલીક ઈસ્કંદર મિસાઈલ સિસ્ટમ મોકલી છે. 1990 ના દાયકાના મધ્ય પછી આ પ્રથમ વખત છે જ્યારે રશિયા તેના પરમાણુ હથિયારોને તેના દેશની બહાર મિત્ર દેશમાં તહેનાત કરી રહ્યું છે. 1991 માં સોવિયેત યુનિયનના વિઘટન પછી રશિયન શસ્ત્રો ચાર નવા સ્વતંત્ર દેશો - રશિયા, યુક્રેન, બેલારુસ અને કઝાકિસ્તાનમાં રખાયા હતા. આ તમામ શસ્ત્રોને રશિયા લાવવાનું કામ વર્ષ 1996 સુધીમાં પૂર્ણ થઈ ગયું હતું.

અમેરિકા અને યુક્રેને શું કહ્યું?

પુતિન દ્વારા બેલારુસમાં પરમાણુ હથિયારો તૈનાત કરવાની જાહેરાત બાદ અમેરિકાનું નિવેદન પણ સામે આવ્યું છે. અમેરિકાએ કહ્યું છે કે તેને ખાતરી છે કે રશિયા પરમાણુ હથિયારોના ઉપયોગ પર વિચાર કરી રહ્યું નથી. યુએસ ડિફેન્સ મિનિસ્ટ્રીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, "અમે અમારા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હથિયારો અંગે અમારી વ્યૂહરચના બદલવી ન જોઈએ તેનું કોઈ કારણ અમને દેખાતું નથી." મંત્રાલયે વધુમાં કહ્યું કે, 'અમે નાટો સૈન્ય જોડાણમાં સામેલ દેશોના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છીએ.'

18 દેશોએ યુક્રેનને મદદ કરી

આ અઠવાડિયાની શરૂઆતમાં જ 18 દેશોએ યુક્રેન તરફ મદદનો હાથ વધાર્યો છે. આ દેશોએ આવતા વર્ષે યુક્રેનને ઓછામાં ઓછા 10 લાખ આર્ટિલરી શેલ સપ્લાય કરવાની ખાતરી આપી છે. આ માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ હાલમાં જ એક જાપાની અખબારને ઈન્ટરવ્યુ આપ્યો છે. તેમણે કહ્યું છે કે જ્યાં સુધી મિત્ર દેશો તરફથી વિસ્ફોટકો નહીં આવે ત્યાં સુધી યુક્રેન દેશના પૂર્વ ભાગમાં રશિયા સામે જવાબી કાર્યવાહી નહીં કરે.