×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વેક્સિન ન લગાવનારા લાખો લોકોને લોકડાઉનમાં બંધ રાખશે ઓસ્ટ્રિયા, યુરોપ ફરી બની રહ્યું છે મહામારીનું કેન્દ્ર


- કોરોના વાયરસ મહામારીના આશરે 2 વર્ષ બાદ પણ યુરોપના પશ્ચિમી ક્ષેત્રમાં સંક્રમણના કેસ વધી રહ્યા છે

નવી દિલ્હી, તા. 13 નવેમ્બર, 2021, શનિવાર

યુરોપમાં કોરોના વાયરસ મહામારીનો કહેર વધી રહ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)એ તો એ હદે કહી દીધું કે, યુરોપ હવે ફરી એક વખત મહામારીનું કેન્દ્ર બની ગયું છે. પશ્ચિમી યુરોપ હાલ કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત છે અને ત્યાં સંક્રમિતોની સંખ્યા વધી રહી હોવાના કારણે લોકડાઉન જેવા પગલાં ભરવા પડી રહ્યા છે. આ બધા વચ્ચે ઓસ્ટ્રિયાએ વેક્સિન ન લેનારા લોકો વિરૂદ્ધ આકરા પગલાં ભરવાનો નિર્ણય લીધો છે અને તેમને લોકડાઉનમાં ઘરોમાં રાખવા સાથે સંકળાયેલી જાહેરાત કરી દીધી છે. 

ઓસ્ટ્રિયાના ચાન્સેલર એલેક્ઝેન્ડર શાલેનબર્ગે શુક્રવારે જાહેરાત કરી હતી કે, અપર ઓસ્ટ્રિયા અને સાલ્જબર્ગમાં વેક્સિનનો ડોઝ ન લેનારા લોકો સોમવારથી ખાસ કારણોસર જેમ કે, જરૂરિયાતની વસ્તુ ખરીદવા, ડોક્ટરને મળવા કે નોકરી માટે જ ઘરની બહાર નીકળી શકશે. શાલેનબર્ગે જણાવ્યું કે, તેઓ દેશભરમાં આ પ્રકારના પગલાં લાગુ કરવા અંગે વિચારણા કરી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ ઓસ્ટ્રિયાની સાથે પાડોશી જર્મનીમાં પણ સંક્રમણની ઝડપ વધી ગઈ છે. 

યુરોપમાં મહામારી ખતરનાક સ્તરે

કોરોના વાયરસ મહામારીના આશરે 2 વર્ષ બાદ પણ યુરોપના પશ્ચિમી ક્ષેત્રમાં સંક્રમણના કેસ વધી રહ્યા છે. આ ખૂબ જ ચોંકાવનારી વાત છે કારણ કે, આ ક્ષેત્રમાં વેક્સિનેશનનો દર ઉંચો છે અને સ્વાસ્થ્ય દેખભાળ પ્રણાલીઓ પણ સારી છે. તેમ છતાં કોરોના પાછો ફરતા હવે લોકડાઉન લગાવવાની સ્થિતિ સર્જાઈ છે. 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું કે, યુરોપમાં ગત સપ્તાહે કોરોના વાયરસના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યામાં 10 ટકા સુધીનો વધારો થયો. એજન્સીએ ગત સપ્તાહે સત્તાવાર ઘોષણામાં જણાવ્યું કે, યુરોપ ફરી મહામારીનું કેન્દ્ર બનવા તરફ જઈ રહ્યું છે.