×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વેક્સિન અને ગ્લોબલ ટેન્ડર સહિતની અફવાઓને લઇને સરકારે કર્યો મોટો ખુલાસો, કહ્યું સત્યને…


નવી દિલ્હી, તા. 27 મે 2021, ગુરૂવાર

ભારતમાં કોરોના વિરોધી રસીકરણ કાર્યક્રમને લઇને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અફવાઓ ચાલી રહી છે અને તથ્યોને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે. ભારત સરકારે આ અફવાઓને અર્ધસત્ય, તોડી મરોડીને રજૂ કરવામાં આવેલા નિવેદનોને સત્યથી અલગ હોવાનું જણાવ્યું છે.

આ અફવાઓ પર પૂર્ણવિરામ મુકવા માટે નીતિઆયોગ અને નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સિનેશન એડમિનિસ્ટ્રેશન ફોર કોવિડ-19ના ચેરમેન ડૉ. વિનોદ પૉલે વેક્સિનેશન સાથે સંકળાયેલા અનેક તથ્ય રજૂ કર્યા હતા.


અફવા નં-1: વિદેશથી વેક્સિન ખરીદવા કેન્દ્ર પૂરતા પગલા નથી ભરતું
તથ્યઃ- કેન્દ્ર સરકાર 2020ના જૂન, જુલાઈ મહિનાથી જ આંતરરાષ્ટ્રીય વેક્સિન નિર્માતાઓ સાથે વાત કરી રહી છે અને અનેક તબક્કાની વાત થઈ છે. તેમાં ફાઈઝર, જોનસન એન્ડ જોનસન તથા મોડર્નાનો સમાવેશ થાય છે. સરકારે તેમને અનેક સહાય પણ કરી. પરંતુ આપણે એ સમજવું જોઈએ કે વેક્સિનની ખરીદી અન્ય વસ્તુની ખરીદી જેટલી સરળ નથી. વેક્સિન સીમિત માત્રામાં ઉપલબ્ધ છે તથા વેક્સિન ઉત્પાદક કંપનીઓની શરતો છે અને તેમની તેમના દેશ પ્રત્યેની પ્રાથમિકતા પણ હોય છે. પરંતુ તેમ છતા વાતચીત ચાલી રહી છે.


અફવા નં-2: કેન્દ્રએ વિશ્વમાં ઉપલબ્ધ વેક્સિનને ભારતમાં મંજૂરી ન આપી
તથ્યઃ-
ભારત સરકારે સક્રિય વલણ અપનાવીને એપ્રિલમાં જ તે વેક્સિનની ભારતમાં સરળતાથી એન્ટ્રીની મંજૂરી આપી દીધેલી છે. આ રસીઓને USFDA, EMA, બ્રિટનની MHRA, જાપાનની PMDA અને WHO દ્વારા ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ચુકી છે. તેમને ભારતમાં બ્રીજિંગ ટ્રાયલની જરૂર નહીં પડે. ભારતમાં હાલ વેક્સિન એપ્રુવલની કોઈ જ અરજી પેન્ડિંગ નથી.


અફવા નં-3: કેન્દ્ર રાજ્યોને પૂરતા પ્રમાણમાં વેક્સિન નથી આપી રહ્યું
તથ્યઃ-
કેન્દ્ર નક્કી કરવામાં આવેલા દિશાનિર્દેશો પ્રમાણે રાજ્યોને પૂરતા પ્રમાણમાં વેક્સિન આપી રહ્યું છે. એટલે સુધી કે રાજ્યોને વેક્સિનની ઉપલબ્ધતા અંગે અગાઉથી જાણ કરવામાં આવી રહી છે. નોન-જીઓઆઈ ચેનલમાં રાજ્યોને 25 ટકા વેક્સિન મળી રહી છે અને ખાનગી હોસ્પિટલોને 25 ટકા આપવામાં આવી રહી છે. પરંતુ અનેક રાજ્યો આ 25 ટકા જ નથી લગાવી શકતા. આપણા કેટલાક નેતાઓ તથ્યોની પૂરી જાણકારી વગર જ ટીવી પર આવે છે અને ભય સર્જે છે પરંતુ આ સમય રાજકારણ ખેલવા માટેનો નથી.


અફવા નં-4: બાળકોના વેક્સિનેશન માટે કેન્દ્ર કોઈ પગલા નથી ભરી રહ્યું
તથ્યઃ-
હાલ વિશ્વનો કોઈ દેશ બાળકોને વેક્સિન નથી આપી શકી રહ્યો. એટલે સુધી કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ બાળકો માટે કોઈ વેક્સિનની ભલામણ નથી કરી. હાલ બાળકોની વેક્સિનની સુરક્ષાને લઈ અભ્યાસ ચાલી રહ્યા છે અને તેના પરિણામ ઉત્સાહવર્ધક છે. ભારતમાં પણ બાળકોની વેક્સિનને લઈ ટ્રાયલ ચાલી રહી છે.