×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વિશ્વ પર ટૂંકમાં કોરોનાના સૌથી ઘાતક હુમલાનું જોખમ


કોરોનાના સૌથી વધુ કેસ છે તેવા દેશોમાં રસીકરણ નહીં વધારાય તો કરોડો લોકો સંક્રમિત થશે

બ્રિટનના બી.1.1.7  વેરિઅન્ટ કરતાં ભારતમાં સૌથી પહેલાં જોવા મળેલા બી.1.617.2ની સંક્રમણ ફેલાવવાની શક્તિ અનેકગણી વધારે

વિશ્વના નેતાઓ તાત્કાલિક પગલાં નહીં ભરે તો કોરોના મહામારીનો અંત ભયાનક રીતે આવશે  

ન્યૂયોર્ક : જો વિશ્વના નેતાઓ દ્વારા તાત્કાલિક પગલા ભરવામાં નહીં આવે તો કોરોના મહામારીનો અંત ભયાનક રીતે હાર્ડ ઇમ્યુનિટી આવશે. નિષ્ણાતોનું માનવું છે કે હાલમાં વિશ્વમાં કોરોનાના એકથી વધારે  ટ્રાન્સમિસિબલ વેરાઇન્ટ્સ જોવા મળી રહ્યાં છે અને તેઓ લાખો લોકોને ઇન્ફેક્ટેડ કરી રહ્યાં છે. 

નવા પુરાવાઓમાં જાણવા મળ્યું છે કે ભારતમાં પ્રથમ વખત જોવા મળેલ બી.1.617.2 વેરિએન્ટ બ્રિટનમાં પ્રથમ વખત દેખાયેલા બી.1.1.7 વેરિઅન્ટ કરતા અનેકગણું વધારે ટ્રાન્સમિસિબલ છે. ઉલ્લેખનીય છે કે બી.1.617.2થી વેરિએન્ટે અનેક લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. 

બી.1.1.7 કરતા બી. 1.617.2ની સંક્રમણ ફેલાવવાની શક્તિ અનેકગણી વધારે છે. અગાઉ બ્રિટિશ પબ્લિક હેલ્થ એજન્સીએ પણ આવો જ એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. 

લંડન સ્કૂલ ઓફ હાઇજિન એન્ડ ટ્રોપિકલ મેડિસિનમાં કાર્યરત એપિડેમિઓલોજિસ્ટ એડમ કુચારસ્કીના જણાવ્યા અનુસાર બ્રિટનમાં જે ઝડપથી સંક્રમણ ફેલાયુ હતું તેના પરથી લાગે છે કે આ વેરિઅન્ટની સંક્રમણ ફેલાવવાની શક્તિ અનેકગણી વધારે છે. ભારત અને નેપાળ તેના તાજા ઉદાહરણ છે. આ બંને દેશોમાં આ વેરિઅન્ટ દ્વારા ફેલાયેલા સંક્રમણની ઝડપ ખૂબ જ વધારે હતી. 

ખૂબ જ વધારે સંક્રમણ ફેલાવવાની શક્તિ ધરાવતા આ વેરિઅન્ટ સમગ્ર વિશ્વના લોકો માટે ખૂબ જ ઘાતક પુરવાર થઇ શકે તેમ છે. ઓછી ઇમ્યુનિટી ધરાવતા લોકો તેનો ઝડપથી શિકાર બની શકે છે. 

સંક્રમણ વધારે ફેલાવવાની શક્તિ એક ભયાનક બાબત છે. જો કે કોઇ વાઇરસ સરેરાશ ત્રણ વ્યકિત અને અન્ય કોઇ વાઇરસ સરેરાશ ચાર વ્યકિતને સંક્રમિત કરવાની શક્તિ ધરાવે છે તો બીજો વાઇરસ અનેક ગણું વધારે ઘાતક પુરવાર થાય છે કારણકે જો આ બાબત લાંબા સમય સુધી ચાલે તો ચાર વ્યકિતને સંક્રમિત કરનાર વાઇરસ વધારે પ્રમાણમાં નુકસાન પહોંચાડી શકે છે. 

નિષ્ણાતોએ વધુમાં જણાવ્યું છે કે જો બી.1.617.2ની સંક્રમણ ફેલાવવાની શક્તિ અંદાજ જેટલી ઘાતક ન પણ હોય તો પણ સમગ્ર વિશ્વમાં હાલમાં ઇમરજન્સી જેવી સ્થિતિ છે. 

ભારતમાં જે રીતે આવશ્યક મેડિકલ સેવાઓની અછતને કારણે કોરોના દર્દીઓના મોત થયા તેવી જ સ્થિતિ હાલમાં નેપાળથી લઇને ફિલિપાઇન્સ તથા દક્ષિણ આફ્રિકાથી લઇને નાઇજિરિયામાં જોવા મળી રહી છે. અહીંયા પણ મેડિકલ ઓક્સિજનની અછત ઉભી થઇ છે. 

આ સમસ્યાનો એક જ ઉકેલ છે તે એ છે કે વેક્સિનેશનની ઝડપ વધારવામાં આવે. વેક્સિન ઉત્પાદક દેશોના અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવવાની જરૂર છે. આ દેશોએ શક્ય તેટલા વધુ પ્રમાણમાં વેક્સિનનું ઉત્પાદન કરવું જોઇએ. ચીન અને રશિયાની વેક્સિન પણ અસરકારક પુરવાર થઇ છે. 

નિષ્ણાતોના જણાવ્યા મુજબ વેક્સિનનો જથ્થો સૌથી પહેલા એવા દેશોને પહોંચાડવાની જરૂર છે જ્યાં કોરોના સંક્રમણ સૌથી વધારે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં વિકસિત દેશો કે જ્યાં સંક્રમણ ઘટી ગયું છે તેમની પાસે વેક્સિનનો સૌથી મોટો જથ્થો છે. જ્યારે વિકાસશીલ દેશો કે જ્યાં સંક્રમણ વધારે છે ત્યાં વેક્સિનની અછત જોવા મળી રહીછે. 

ઈંગ્લેન્ડમાં કોરોનાના નવા કેસમાં ઝડપભેર વધારો: ત્રીજા મોજાંનો ભય

કોરોનાના નવા વેરિએન્ટના કેસ 75 ટકાથી વધુ

લંડન : ઇંગ્લેન્ડમાં કોરોનાના ત્રીજા મોજાંનો ભય માથે તોળાઇ રહ્યો છે. શુક્રવારે અહીં નવા 4182 કેસ નોંધાયા. છેલ્લા બે માસનો આ સૈાથી મોટો નવો કેસ - આંક છે. આ પરિસ્થિતિમાં અહીં લોકડાઉન હટાવવાની યોજના હવામાં ઝૂલતી રહી જઇ શકે છે.

ઇંગ્લેન્ડમાં અત્યાર સુધી 44 લાખથી વધુ લોકો કોરોનાની જાળમાં ફસાઇ ચૂક્યા છે, જ્યારે 1 લાખ, 27 હજારથી વધુ દર્દીઓના મોત થયા છે. દરમિયાન, ઇંગ્લેન્ડમાં કોરોનાની એક વધુ રસીની મંજૂરી આપવામાં આવી છે. હવે અહીં જોસ્સીએન્ડ જોન્સનના સિંગલ ડોઝની રસી પણ મૂકવામાં આવશે. 

કોરોનાના ઝડપભેર વધી રહેલા કેસે સરકારની ચિંતા વધારી દીધી છે. ગત 1 એપ્રિલ પછી કોરોનાના મહત્તમ નવા કેસ જોવા મળ્યા છે. ગયા સપ્તાહ કરતાં આ સપ્તાહે કોરોનાના 24 ટકા વધુ નવા દર્દીઓ નોંધાયા છે. દર્દીનો આંક વધતા દેશના વૈજ્ઞાાનિકોની ચિંતા વધી ગઇ છે. એમને ત્રીજા મોજાંનો ભય જણાઇ રહ્યો છે. 

જાન્યુઆરીના દ્વિતીય સપ્તાહમાં અહીં રોજ 70,000 નવા કોરોનાના કેસ નોંધાઇ રહ્યા હતા. એમની સરખામણીમાં 4000 નો આંકડો ખાસ્સો નાનો છે, પરંતુ દર્દીના વધતા આંકે સરકારની ઊંધ ઉડાવી દીધી છે.

સરકાર આગામી 21 જુનથી કેટલાય પ્રતિબંધો હટાવવા માગતી હતી, પરંતુ હવે એમ કરવામાં ભય તોળાઇ રહ્યો છે. દેશના પબ અને બારને હજી ગયા અઠવાડિયે જ ઇન્ડોર સર્વિસ શરૂ કરવાની પરવાનગી અપાઇ છે. લોકો કોવિશિલ્ડના બે ડોઝ પછી કોવેક્સિન પણ લઇ રહ્યા છે, જેના પગલે તબીબી વર્તુળોમાં ચિંતા ફેલાઇ છે. 

ઇંગ્લેન્ડમાં કોરોનામાં નવા વેરિએન્ટના કેસ 75 ટકાથી વધુ હોવાનું કહેવાય છે. પરિણામે ચેપનું પ્રમાણ ઘણું વધી ગયું છે. વૈજ્ઞાાનિકો કોરોના વાયરસના બી-617 વેરિઅંન્ટના ફેલાવાના મુદ્દે સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે.

તાજા અહેવાલ મુજબ ચેપના નવા કેસોમાંથી અર્ધાથી વધુ અને લગભગ 75 ટકા કેસ આ નવા વેરિઅંટના લીધે છે. શુક્રવાર સુધીના આંકડા પર નજર નાખીએ તો ઇંગ્લેન્ડમાં 58 ટકા પ્રજાજનોને રસીનો પ્રથમ ડોઝ મળી ગયો છે, જ્યારે અન્ય 35 ટકા લોકોને બંને ડોઝ મળ્યા છે. દેશના અધિકારીઓએ કોરોના વિરોધી એક વધુ રસીકરણને શુક્રવારે મંજૂરી આપી દીધી છે.