×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વિશ્વ ઈતિહાસની સૌથી મોટી ક્રિપ્ટો ચોરી : અંદાજે 4600 કરોડની ઉઠાંતરી


નવી દિલ્હી,તા.30 માર્ચ 2022,બુધવાર

વિશ્વ અર્થવ્યવસ્થા માટે ક્રિપ્ટોકરન્સી ખૂબ જ નુકશાનકારક બની રહેવાની અનેક ચેતવણીઓ છતા ક્રિપ્ટોનો ક્રેઝ ઓછો નથી થઈ રહ્યો અને હવે ચોરોની નજર પણ આ તરફ મંડાઈ છે. બુધવારે વિશ્વ ઈતિહાસની સૌથી મોટી ક્રિપ્ટો ચોરીના રિપોર્ટ બહાર આવ્યા છે.

પહેલાં ચોર ગમે તે કરી શકતા હતા અને હવે આજકાલના જમાનાના નવા ડિજિટલ ચોર એટલેકે હેકર્સ કંઈપણ કરી શકે છે. ક્રિપ્ટો સાથે જોડાયેલો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેણે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. 

અહેવાલ અનુસાર હેકર્સે 600 મિલિયન ડોલર એટલેકે અંદાજે 4600 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સીની ચોરી કરી છે. હેકર્સે ઓનલાઈન ગેમ એક્સી ઈન્ફિનિટી(Axie Infinity) સાથે જોડાયેલા બ્લોકચેન નેટવર્કની ચોરી કરી હતી, જે અત્યાર સુધીનો સૌથી મોટો ક્રિપ્ટો હુમલો છે. એક્સી ઇન્ફિનિટી અને એક્સી ડીએઓ (Axie DAO) દ્વારા સંચાલિત કોમ્યુટર્સ જેને નોડ્સ તરીકે પણ ઓળખાય છે અને એક સોફ્ટવેર કે જે લોકોને ટોકન્સની આપલે કરવાની મંજૂરી આપે તેવા કહેવાતા બ્રિજ પર સાયબર હુમલો કર્યો હતો. આ બ્રિજને રોનિન બ્રિજ(Ronin Bridge) તરીકે ઓળખવામાં આવે છે. હેકર્સે કુલ 2 ટ્રાન્ઝેક્શનમાં આ રોનિન બ્રિજમાંથી 173,600 ઈથર અને 25.5 મિલિયન યુએસડીએસ ટોકન્સ ચોર્યા હતા. આ હુમલો અથવા કહો કે ચોરી 23 માર્ચે થઈ હતી, પરંતુ તે ગઈકાલે એટલે કે મંગળવારે શોધી શકાઈ હતી.



બ્રિજ સુરક્ષિત નથી-સાબિત થયું

ક્રિપ્ટોકરન્સીની આપ-લે માટેના આ પ્રકારના બ્રિજ સૌથી સુરક્ષિત હોવાનું મનાય છે પરંતુ આ ક્રિપ્ટો ચોરીએ તેની વિશ્વસનીયતા પર સવાલ ઉભા કર્યા છે. આ હુમલાએ સાબિત કર્યું કે આ બ્રિજ સુરક્ષિત નથી. ઘણા કમ્પ્યુટર કોડ્સનું ઓડિટ કરવામાં આવતું નથી, જેનાથી હેકર નબળાઈઓનો દુરૂપયોગ કરી શકે છે. તેમને કોણ અને કેવી રીતે ચલાવે છે તે ઘણીવાર સ્પષ્ટ હોતું નથી. બ્રિજ પર ટ્રાન્ઝેક્શનના ઓર્ડર કરનારાઓ જેને વેલિડેટર કહેવાય છે તેની ઓળખ મુશ્કેલ અને એક રહસ્યમય છે. ક્રિપ્ટો વિશ્વમાં હજારો બ્રિજ છે, જ્યાં કરોડો ડોલરની કિંમતની ક્રિપ્ટોનું આદાન-પ્રદાન(વ્યવહાર) થાય છે.

રોન 22% ગગડ્યો :

આ સૌથી મોટા હેકિંગનો પર્દાફાશ થયા બાદ રોનિન બ્લોકચેન પર વપરાતા ટોકન રોન(Ron)ની કિંમત લગભગ 22% ઘટી ગઈ છે. CoinMarketCap મુજબ AXS, Axie Infinityમાં વપરાતું ટોકન લગભગ 8.5% ઘટ્યું છે.

આ ચોરી થયેલ 600 મિલિયન ડોલર એટલેકે અંદાજે 4600 કરોડની ક્રિપ્ટોકરન્સી કેમની પરત મળશે અને ક્યારે પરત મળશે તે સૌથી મોટો સવાલ છે. તેની શોધવા માટે જ્યાં આ કોઈન ટ્રાન્સફર કરાયા છે જે એક્સચેન્જોના વ્યવહારો પર નજર રાખવી જરૂરી બની ગયું છે.