×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વિશ્વમાં રોડ અકસ્માતનો ભોગ બનનારામાં ભારતીયો 10 ટકા


રોડ અકસ્માતોમા મૃત્યુ બાબતે ભારત પ્રથમ, દરરોજ 415 લોકોના મોત

નવી દિલ્હી, તા. 13 ફેબ્રુઆરી, 2021, શનિવાર

ભારતમાં દર વર્ષે રોડ અકસ્માતમાં અનેક લોકો મૃત્યુ પામે છે. આ અંગેના વિશ્વ બેંકના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વમાં રોડ અકસ્માતો, ક્રેશ વગેરેમાં ભોગ બનનારાઓમાં ભારતીયોની સંખ્યા 10 ટકા છે. વિશ્વ બેંકના આ રિપોર્ટમાં સાથે એમ પણ જણાવવામાં આવ્યું છે કે અમીરોની સરખામણીએ ઓછી આવક વાળો પરિવાર તેમજ મહિલાઓએ રોડ ક્રેશને કારણે વધુ ભોગવવું પડી રહ્યું છે.  

વિશ્વ બેંકના રિપોર્ટ અનુસાર વિશ્વમાં જેટલા પણ વાહનો છે તેના એક ટકા ભારતમાં છે, જોકે તેની સામે રોડ અકસ્માતોના પીડિતોની દરેક દેશોની સંખ્યામાં ભારત 10 ટકા સંખ્યા ધરાવે છે. ભારત સરકાર અને આમ જનતાએ આ અંગે ચિંતિત રહેવાની અને તેના પર ધ્યાન આપવાની જરૂર હોવાની સલાહ પણ વિશ્વ બેંકે આપી હતી. 

વિશ્વ બેંકના દક્ષિણ એશિયાના વાઇસ પ્રેસિડેંટ હાર્ટવિંગ સ્ચેફરે કહ્યંુ હતું કે હાલમાં ભારત સરકારે રોડ અકસ્માતોને અટકાવવા માટે મહત્વપૂર્ણ પગલા પણ લીધા છે. દુ:ખદ બાબત એ છે કે જે લોકો ગરીબ છે તેઓએ રોડ અકસ્માતોમાં વધુ ભોગવવું પડી રહ્યું છે. જોકે તેટલી અસર જે લોકો અમીર છે તેમને આિર્થક રીતે નથી થતી.

ગત વર્ષે ભારતમાં મોટર વહીકલ કાયદામાં સુધારા કરાયા હતા અને રોડ અકસ્માતો અટકાવવા માટે કેટલાક નિયમોને વધુ કડક બનાવવામા આવ્યા હતા. જેમાં દંડની રકમ વધારી દેવાઇ હતી સાથે અકસ્માતમાં સજાનું પ્રમાણ પણ વધી ગયું છે. જે રાજ્યોમાં રોડ કે ક્રેશ અકસ્માતોનું પ્રમાણ ઘટયું છે તેમાં તમિલનાડુમાં 25 ટકાનો ઘટાડો થયો છે.

સાથે વિશ્વ બેંકે એવી પણ સલાહ આપી છે કે રોડ અકસ્માતોને અટકાવવા માટે એક ચોક્કસ માળખા પર કામ કરવાની વધુ જરૂર છે. વાહનોની નિયમિત ચકાસણી ન કરવામાં આવી રહી હોવાનું પણ રોડ અકસ્માતોનું એક કારણ માનવામાં આવે છે. જો હાઇવે પર ઇમર્જન્સી સ્વાસ્થ્ય સેવાઓનું પ્રમાણ વધારી દેવામાં આવે તો પણ મદદરૂપ થઇ શકે છે.