×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વિશ્વમાં કોરોનાના કેસો વધતા ભારત સરકાર એલર્ટ : માસ્ક પહેરવાની સલાહ


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨૧

ચીન સહિતના વિશ્વના દેશોમાં કોરોનાના કેસો વધતા ભારત સરકારે દેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી. સમીક્ષા કર્યા પછી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવા અને વેક્સિન લેવાની સલાહ આપી છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર એરપોર્ટ પર ચીન સહિતના આંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટે રેન્ડમ સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાને જણાવ્યું છે કે કોરોના હજુ સમાપ્ત થયો નથી. મેં તમામ વિભાગોને એલર્ટ રહેવાના નિર્દેશ આપ્યા છે. અમે કોઇ પણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ.

નિષ્ણાતો અને વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન વિશ્વના દેશોમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. હાલમાં દેશમાં ફક્ત ૨૭ થી ૨૮ ટકા લોકોએ જ કોરોનાનો પ્રિકોશન (બુસ્ટર ડોઝ) લીધો છે.

નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડો. વી કે પૌલના જણાવ્યા અનુસાર જે લોકોએ બુૂસ્ટર ડોઝ લીધા નથી તેમણે બુસ્ટર ડોઝ લેવા જોઇએ અને ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવો જોઇએ.

સરકાર આગામી સપ્તાહમાં ફરી એક વખત સમીક્ષા બેઠક યોજશે. ચીનમાં વધી રહેલા કેસો પાછળ ઓમિક્રોનનો નવો અને ઝડપથી ફેલોતો બીએફ-૭ સ્ટ્રેન વેરિઅન્ટ  જવાબદાર છે.

આ દરમિયાન સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતમાં આ જ વેરિઅન્ટના કેસ સામે આવ્યા છે. આ વેરિઅન્ટનો પ્રથમ કેસ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા ઓક્ટોબરમાં શોધી કાઢવામાં આવ્યો હતો. અત્યાર સુધીમા ગુજરાતમાં આ વેરિઅન્ટના બે કેસ અને ઓડિશામાં એક કેસ મળી આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ વેરિએન્ટ ચીન ઉપરાંત અમેરિકા તથા બ્રિટન, બેલ્જિયમ, જર્મની, ફ્રાન્સ અને ડેનમાર્ક સહિતના યુરોપના દેશોમાં પણ જોવા મળ્યો છે.

બીજી તરફ દેશમાં કોરોનાના નવા ૧૩૧ કેસો નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૪૬,૭૬,૩૩૦ થઇ ગઇ છે. દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૩૪૦૮ થઇ ગઇ છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી આંકડામાં જણાવવામાં આવ્યું છે.

છેલ્લા ૨૪ કલાકમાં વધુ ત્રણ લોકોનાં મોત નોંધવામાં આવતા કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૫,૩૦,૬૮૦ થઇ ગયો છે. જો કે ત્રણમાંથી બે મોત કેરળમાં અગાઉના નોંધવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસોમાં ૮૨નો ઘટાડો થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર દેશમાં રાષ્ટ્રવ્યાપી વેક્સિનેશન અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના વેક્સિનના કુલ ૨૨૦.૦૧ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.