×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વિવાદના અંત માટે રામદેવની પહેલ, કહ્યું- સારા ડૉક્ટર્સ છે તે ધરતી પર દેવદૂત અને વરદાન છે


- બાબા રામદેવે બધાને વેક્સિન લેવા વિનંતી કરી અને પોતે ટૂંક સમયમાં જ વેક્સિન લેશે તેમ પણ જણાવ્યું

નવી દિલ્હી, તા. 10 જૂન, 2021, ગુરૂવાર

યોગ ગુરૂ બાબા રામદેવ એલોપથી મુદ્દેના નિવેદનને લઈ સતત વિવાદમાં ફસાયેલા છે અને ડૉક્ટર્સ તેમના આ નિવેદનને લઈ ભારે નારાજ છે. ત્યારે હવે બાબા રામદેવે આ વિવાદના અંત માટે પહેલ કરી છે. બાબા રામદેવે કહ્યું કે, તેમને કોઈ પણ સંગઠન સામે દુશ્મની ન હોઈ શકે. સર્જરી અને ઈમરજન્સી માટે એલોપથી શ્રેષ્ઠ છે તેમાં કોઈ બેમત નથી. 

સાથે જ તેમણે હવે સરકારે કોરોનાના નિયમોના પાલન સાથે ચાર ધામયાત્રાની મંજૂરી આપી દેવી જોઈએ તેમ પણ કહ્યું હતું. બાબા રામદેવે બુધવારે ઉત્તરાખંડના શિક્ષણ મંત્રી અરવિંદ પાંડેય સાથે યોગાગ્રામ સુધી જનારા રસ્તાના લોકાર્પણ બાદ મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, જે સારા ડૉક્ટર્સ છે તે ધરતી પર દેવદૂત અને વરદાન છે પરંતુ જે ડૉક્ટર થઈને ખોટું કરે છે તે ઈન્ડિવિજ્યુઅલની ભૂલ છે, એલોપથીની નહીં. દવાઓના અનેક ગણા વધુ ભાવ લેવામાં આવતા હોવાથી જ જનઔષધિ કેન્દ્ર ખોલવા પડ્યા. 

બાબા રામદેવે કહ્યું કે, દવાના નામે કોઈનું શોષણ ન થાય, બધા બિનજરૂરી દવાઓ અને ઓપરેશનથી બચે. સર્જરી અને ઈમરજન્સી માટે એલોપથી શ્રેષ્ઠ છે તેમાં કોઈ બેમત નથી પરંતુ જિનેટિક અને ઈનક્યુરેબલ બીમારીઓનો ઉપચાર યોગ અને આયુર્વેદ જ છે. બસ આટલી જ વાત છે અને બીજો કોઈ વિવાદ નથી. 

તેમના કહેવા પ્રમાણે કોરોનાની લહેરો તો આવતી રહેશે. વડાપ્રધાન મોદીએ 21 જૂનથી બધાને વેક્સિન આપવાની જાહેરાત કરી છે. ડબલ ડોઝ લો. યોગ અને આયુર્વેદની વધુ ડબલ શક્તિ મેળવી લેશો તો એવું સુરક્ષા કવચ તૈયાર થશે કે અમારો સંકલ્પ છે કે, હિંદુસ્તાનમાં કોરોનાથી એક પણ મોત નહીં થાય. સાથે જ તેમણે પોતે ટૂંક સમયમાં જ કોરોનાની રસી લેશે તેવી જાહેરાત પણ કરી હતી.