×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વિપક્ષોની બેઠક પહેલા વિવાદ : વટહુકમ મામલે કેજરીવાલે આંગળી ચિંધતા કોંગ્રેસે પણ આપ્યો જવાબ

નવી દિલ્હી, તા.09 જુલાઈ-2023, રવિવાર

બેંગ્લોરમાં યોજાનાર વિપક્ષોની બેઠકને માત્ર એક અઠવાડિયાનો સમય બાકી છે, ત્યારે આમ આદમી પાર્ટીના વલણને લઈ શંકાના વાદળો ઘેરાયા છે. વાસ્તવમાં બેંગ્લોરની બેઠક માટે આમંત્રણ મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે ફરી વટહુકમ મામલે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. કેજરીવાલે દાવો કર્યો કે, કોંગ્રેસે પટણામાં યોજાયેલી બેઠકમાં સંસદ સત્રના 15 દિવસ પહેલા વટહુકમ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરવાનું વચન આપ્યું હતું.

વિપક્ષી એકતાની બેઠકનો ઉદ્દેશ્ય વટહુકમની ચર્ચા કરવાનો નથી : કોંગ્રેસ

આ નિવેદન બાદ  કોંગ્રેસ સૂત્રોએ દાવો કર્યો છે કે, કેજરીવાલનું વલણ નાદાન જેવું છે અને 15 દિવસની વાત ખોટી છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ વિપક્ષી એકતાની બેઠકનો ઉદ્દેશ્ય દિલ્હીમાં લવાયેલા વટહુકમની ચર્ચા કરવાનો નહીં પણ 2024 માટે રણનીતિ ઘડવાનો છે. કોંગ્રેસે કેજરીવાલના દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે. પટનામાં યોજાયેલી બેઠકમાં જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કલમ 370 પર કેજરીવાલને ઘેર્યા હતા.

પટણાની બેઠકમાં કેજરીવાલ પોતે ઘેરાયા

જ્યારે કેન્દ્ર સરકારે કાશ્મીરને લઈને આ મોટો નિર્ણય લીધો ત્યારે આમ આદમી પાર્ટીએ ઓમર અબ્દુલ્લાનું સમર્થન કર્યું હતું. બેઠકમાં કેજરીવાલે ભાજપ સરકારના તાનાશાહી વલણ પર તમામ વિપક્ષી પાર્ટીઓનું સમર્થન માગ્યું તો ઉમરે તેમને કલમ 370 પરના તેમના નિવેદનની યાદ અપાવી હતી. ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા સત્તાના દુરુપયોગની દલીલ કરતી વખતે કેજરીવાલે પંજાબમાં કોંગ્રેસના કાર્યકરોને કરાતી હેરાનગતિના પ્રશ્નનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં અન્ય વિરોધ પક્ષોના મનમાં સવાલ એ છે કે, જે ઝડપે કેજરીવાલ દિલ્હી વટહુકમ પર બધાનું સમર્થન માંગે છે, શું તેઓ અન્ય પક્ષો માટે પણ આવી પરિપક્વતા બતાવશે ?