×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વિપક્ષી એકતાના જવાબમાં BJP કાલે દિલ્હીમાં યોજશે NDAની બેઠક, આટલા પક્ષો લેશે ભાગ

નવી દિલ્હી, તા.17 જુલાઈ-2023, સોમવાર

ભારતીય જનતા પાર્ટી આવતીકાલે મંગળવારે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઘટક પક્ષોની બેઠક યોજવાની તૈયારીઓ કરી રહ્યું છે. આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાના નેતૃત્વમાં કુલ 38 પક્ષો ભાગ લેશે. ભાજપ દ્વારા આ માહિતી અપાઈ છે. એવો દાવો કરાયો કે, 9 વર્ષમાં NDAનો ગ્રાફ અને સ્કોપ વધ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુડ ગર્વનન્સ પ્રયાસો વધ્યા છે. આવતા વર્ષે એપ્રિલમાં દેશભરમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ છેલ્લા 9 વર્ષથી કેન્દ્રમાં સત્તાથી દૂર છે.

NDA પણ પોતાનો વિસ્તાર વધારવામાં લાગી

આજે બેંગલુરુમાં વિપક્ષી દળોની બેઠક પણ યોજાઈ રહી છે. આ બેઠકનો હેતુ આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષને એક કરવાનો અને છેલ્લા 9 વર્ષથી કેન્દ્રમાં સત્તા પર રહેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને બહાર કરવાનો છે. આ બેઠકમાં કુલ 26 વિપક્ષી દળો સામેલ થવાની સંભાવના છે. આ ક્રમમાં એનડીએ પણ પોતાનો વિસ્તાર વધારવાની કવાયતમાં લાગી ગઈ છે. ભાજપ પંજાબમાં તેના જૂના મિત્ર અકાલી દળને પણ સાથે લાવવાનો પ્રયાસ કરી રહી છે. લાંબા સમય સુધી ભાજપના સાથી રહેલા શિવસેના અને જેડીયુ હાલમાં વિપક્ષી મોરચાનો ભાગ છે.

NDAની બેઠકમાં કુલ 38 પક્ષો ભાગ લેશે : નડ્ડા

ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, NDAની બેઠકમાં કુલ 38 પક્ષો ભાગ લઈ રહ્યા છે. છેલ્લા 9 વર્ષમાં અમારી પહોંચ અને વિસ્તાર વધ્યો છે. નરેન્દ્ર મોદી સરકારની યોજનાઓ અને નીતિઓની સકારાત્મક અસરને કારણે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના પ્રમુખ ઓ.પી.રાજભરે જાહેરાત કરી હતી કે, તેઓ NDAમાં સામેલ થઈ રહ્યા છે.