×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વિપક્ષનો ચહેરો કોણઃ શિવસેનાએ ફગાવી દીધી મમતા બેનર્જીની દાવેદારી, રાહુલને ગણાવ્યો મજબૂત વિકલ્પ


- તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા રાજકીય દળ રમત બગાડવાનું અને ફક્ત ભાજપની મદદ કરવાનું કામ કરે છેઃ શિવસેના

નવી દિલ્હી, તા. 10 ઓક્ટોબર, 2021, રવિવાર

2024ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને કઈ રીતે પડકાર આપવામાં આવે, કોને મોદી વિરૂદ્ધનો ચહેરો બનાવવામાં આવે તેને લઈ વિપક્ષ હજુ સુધી એકમત નથી થઈ શક્યું. એક તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાની જાતને મોદીનો વિકલ્પ સાબિત કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે તો બીજી બાજુ શિવસેનાએ રાહુલ ગાંધીને સમર્થન આપ્યું છે. દિલ્હીમાં સત્તાધીશ આમ આદમી પાર્ટીએ પણ મમતા બેનર્જીને સમર્થન આપવા માટેનો સંકેત આપી દીધો છે. 

જોકે મહારાષ્ટ્રમાં સત્તાધારી શિવસેનાએ મમતા બેનર્જીની દાવેદારીને ફગાવી દઈને તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા રાજકીય દળ રમત બગાડવાનું અને ફક્ત ભાજપની મદદ કરવાનું કામ કરે છે તેમ કહ્યું હતું. શિવસેનાએ પોતાના મુખપત્ર 'સામના'ની એક કોલમ રોકટોકમાં આવી ટિપ્પણી કરી હતી. 

આ ઉપરાંત કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની તુલના ફરી એક વખત પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સાથે કરી હતી. તેમણે લખ્યું હતું કે, લખીમપુર હિંસાના મુદ્દાને ઢાંકવાના પ્રયત્નોને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા અને તેમના કામકાજમાં ઈંદિરા ગાંધીની ઝલક જોવા મળે છે. વધુમાં લખ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી એક માત્ર એવા નેતા છે જે દિલ્હીમાં વર્તમાન સરકાર (ભાજપ)નો મજબૂત વિકલ્પ સાબિત થઈ શકે છે. શિવસેના હાલ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) સાથે મળીને મહા વિકાસ અઘાડી (એમવીએ) સરકારની આગેવાની કરી રહ્યું છે.