×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વિધાનસભા બહાર કોંગ્રેસના ધરણાં, શૈલેષ પરમારે કહ્યું કિરણ પટેલની ચર્ચાથી દૂર ભાગે છે સરકાર



ગાંધીનગર, 28 માર્ચ 2023 મંગળવાર

સુરતમાં માનહાની કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા થતાં તેમનું સાંસદ પદ દૂર કરવામાં આવતાં ગઈ કાલે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ કાળા કપડાં પહેરીને વિરોધ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં અદાણી મોદી ભાઈ ભાઈના નારા લગાવ્યા હતાં. આજે બીજા દિવસે પણ વિધાનસભાના પ્રવેશ દ્વાર પાસે જ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યોએ આક્ષેપ કર્યો હતો કે, વિધાનસભામાં કિરણ પટેલ મુદ્દે ચર્ચા થાય નહીં તે માટે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સત્રાંત સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. કોંગ્રેસના ધારાસભ્યોએ અલગ અલગ પ્લેકાર્ડ સાથે સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા હતાં.

કયા કારણે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા પડ્યા
કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ કહ્યું હતું કે, ભાજપની ડબલ એન્જિન સરકારમાં મહાઠગ કિરણ પટેલ વહિવટદાર હોવાનું સમગ્ર દુનિયાએ જોયું છે અને આ મુદ્દાને લીધે ગુજરાત અને સરકારની છબી ખરડાઈ છે. કોંગ્રેસ દ્વારા આજે ગૃહમાં કિરણ પટેલ મુદ્દે ચર્ચા કરવા માટે સભા તાકિદની નોટીસ આપી હતી. આ મુદ્દે મુખ્યમંત્રી જવાબ આપે એવી માગણી કરવાના હતા. શું સરકાર ચર્ચામાંથી ભાગવા માંગે છે? આ કિસ્સામાં સરકાર શું છૂપાવવા માંગે છે? કોંગ્રેસને આખા સત્ર દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગત રોજ કરવામાં આવેલો વિરોધ એ માત્ર વિરોધ ન હતો. બીજી તરફ મહાઠગ કિરણ પટેલનો મુદ્દો ચર્ચામાં ન આવે અને આખીયે આ ઘટનામાં પીએમઓની ભાગીદારી ખૂલ્લી ના પડે તે માટે કોંગ્રેસ પક્ષને સત્ર દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.



કાળા કપડાં પહેરી પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન
સત્ર શરૂ થતાં જ કોંગ્રેસના ધારાસભ્યો કાળા કપડાં પહેરીને વિરોધ કરી રહ્યાં હતાં. રાહુલ ગાંધી મુદ્દે પ્લે કાર્ડ લઈને ધારાસભ્યોએ સુત્રોચ્ચાર કર્યો હતો. ગૃહમાં હોબાળો થતાં જ અધ્યક્ષે કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા હતાં. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં રાહુલ ગાંધીને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. બીજી તરફ અદાણી મુદ્દે વિપક્ષી દળના સાંસદોએ કાળા કપડાં પહેરી પોસ્ટર સાથે સંસદ ભવનમાં વિરોધ કર્યો હતો. જેના કારણે સંસદની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી.