×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વિજય દિવસઃ જ્યારે ભારતીય શૂરવીરોએ PAK ઘૂસણખોરોને ખદેડીને કારગિલની ચોટીઓ પર લહેરાવ્યો હતો તિરંગો


- મે 1999 સુધી ભારતને પાકિસ્તાની ઘૂસણખોરોની આ હરકત અંગે ખબર જ નહોતી પડી

નવી દિલ્હી, તા. 26 જુલાઈ, 2021, સોમવાર

આજથી 22 વર્ષ પહેલા કારગિલની પહાડીઓ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. પાકિસ્તાની સૈનિકોએ કારગિલની ઉંચી પહાડીઓ પર ઘૂસણખોરી કરીને પોતાનું ઠેકાણુ બનાવી લીધું હતું અને તે રીતે આ યુદ્ધની શરૂઆત થઈ હતી. ભારતીય સેનાને આ અંગે કોઈ અંદેશો પણ નહોતો આવ્યો, પરંતુ જ્યારે ભારતીય જવાનોને ખબર પડી તો તેમણે પાકિસ્તાની સેનાના જવાનોને ખદેડી દીધા હતા અને કારગિલની ચોટીઓ પર તિરંગો લહેરાવી દીધો હતો. 

કારગિલ યુદ્ધની શરૂઆત મે મહિનામાં થઈ હતી અને તેના માટે ભારતીય સેનાએ ઓપરેશન વિજય ચલાવ્યું હતું. 26 જુલાઈ, 1999ના રોજ તે સમયના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ યુદ્ધમાં ભારતના વિજયની જાહેરાત કરી હતી. ત્યારથી દર વર્ષે 26 જુલાઈને વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 

ઘણા સમય પહેલાથી શરૂ થઈ હતી તૈયારી

ભારતને મે મહિનામાં પાકિસ્તાનની આ હરકતની જાણ થઈ હતી પરંતુ દુશ્મને તો અનેક મહિના પહેલાથી તેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. નવેમ્બર 1998માં પાકિસ્તાની સેનાના એક બ્રિગેડિયરને કારગિલ સેક્ટરની રેકી કરવા મોકલવામાં આવ્યો હતો. તેના રિપોર્ટના આધારે જ સમગ્ર પ્લાનને અંજામ આપવામાં આવ્યો હતો.

જાન્યુઆરી 1999માં પાકિસ્તાનના સ્કર્દૂ અને ગિલગિટ ખાતે તૈનાત ફ્રન્ટિયર ડિવિઝનના જવાનોની રજા રદ્દ કરી દેવામાં આવી હતી. પાકિસ્તાનનો તે હિસ્સો પણ ઉંચી પહાડીઓવાળો હતો. ઠંડી દરમિયાન તે લોકો પણ પોતાની ચોકીઓ છોડીને રજા માણવા ઘરે જતા રહેતા હતા. 

શરૂઆતમાં 200 જવાનોને સિવિલ ડ્રેસમાં ભારતીય સરહદમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે ખબર પડી કે ત્યાં ભારતીય સેનાનો કોઈ જવાન નથી તો વધુ જવાનોને બોલાવવામાં આવ્યા. ઠંડીના અંત સુધીમાં તો 200થી 300 વર્ગ કિમી ક્ષેત્ર પર પાકિસ્તાને કબજો મેળવી લીધો હતો. 

આ રીતે પડી ભારતને ખબર...

મે 1999 સુધી ભારતને પાકિસ્તાની ઘૂસણખોરોની આ હરકત અંગે ખબર જ નહોતી પડી. ત્યાર બાદ એક દિવસ પશુપાલકો જ્યારે ત્યાં સુધી પહોંચ્યા તો તેમને કેટલાક હથિયારબંદ લોકોએ ભારતીય ચોકીઓ પર કબજો જમાવ્યો હોવાની જાણ થઈ હતી. તેમણે પાછા આવીને ભારતીય સેનાને આ અંગે જાણ કરી હતી. 

8 મે, 1999ના રોજ આ યુદ્ધની શરૂઆત થઈ હતી. ભારતીય જવાનોએ પણ ઉંચાઈ પર પહોંચવાનું શરૂ કરી દીધું હતું અને પછી ઓપરેશન વિજયની શરૂઆત થઈ હતી. આ યુદ્ધમાં ભારતીય સેનાની સાથે સાથે વાયુસેનાએ પણ મોરચો સંભાળ્યો હતો. ભારતીય સેના માટે એક મુશ્કેલી એ હતી કે તેઓ નીચે હતા અને ઘૂસણખોરો ઉંચાઈ પર હતા, જોકે તેમ છતાં ભારતીય સેના તેમને ખદેડીને આગળ વધી હતી. આખરે 26 જુલાઈ, 1999ના રોજ કારગિલમાં ભારતીય તિરંગો લહેરાવી દીધો હતો. 

આપણા 562 જવાનો શહીદ થયા હતા..

કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનના 600 કરતા વધારે સૈનિકો માર્યા ગયા હતા અને 1,500 કરતા વધારે સૈનિકો ઘાયલ પણ થયા હતા. આ તરફ ભારતીય સેનાના 562 જવાનો શહીદ થયા હતા અને 1,363 જવાનો ઘાયલ થયા હતા. વિશ્વના ઈતિહાસમાં કારગિલ યુદ્ધ વિશ્વના સૌથી ઉંચા ક્ષેત્રોમાં લડવામાં આવેલા યુદ્ધની ઘટનાઓમાં સામેલ છે. 2 મહિના કરતા વધારે સમય સુધી ચાલેલા આ યુદ્ધમાં ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને મારીને ભગાવી હતી. આખરે 26 જુલાઈના રોજ અંતિમ ચોટી પર પણ વિજય મળ્યો હતો અને તે દિવસ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.