×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વાહનચાલકો માટે રાહતના સમાચાર, CNGની કિંમતમાં થયો રૂ. 3.84નો ઘટાડો


- અદાણી CNGની કિંમત 87.38 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી જે નવા ઘટાડા બાદ 83.90 રૂપિયા થઈ છે

અમદાવાદ, તા. 18 ઓગષ્ટ 2022, ગુરૂવાર

શાકભાજી, અનાજ, કઠોળ અને અન્ય ચીજોમાં અસહ્ય મોંઘવારીના મારથી સામાન્ય માનવીનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે. વાહન માટે ઈંધણ તરીકે પેટ્રોલ–ડીઝલ અને ઘરેલું ગેસ અને પાઈપ ગેસના ભાવમાં પણ જંગી વધારો જોવા મળી રહ્યો છે. મોંઘી આયાતનું બહાનું ધરી કંપનીઓએ સતત ભાવ વધાર્યા છે ત્યારે CNGની કિંમતોમાં પ્રતિ કિલોએ 3.84 રૂપિયાનો ઘટાડો જાહેર કરવામાં આવતા વાહનચાલકોને રાહત મળી છે. 

અદાણી ગેસ દ્વારા અમદાવાદમાં સીએનજીની કિંમતોમાં 3.84 રૂપિયાનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. અગાઉ અદાણી CNGની કિંમત 87.38 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. જ્યારે નવા ઘટાડા સાથેની કિંમત 83.90 રૂપિયા છે. 

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી તમામ ચીજ-વસ્તુઓની આભને આંબી રહી હતી જેના કારણે વાહનચાલકો પેટ્રોલ-ડીઝલ છોડીને સીએનજી તરફ વળ્યા હતા. જોકે સીએનજીની કિંમતો પણ 90 રૂપિયા સુધી પહોંચતા વાહનચાલકોની હાલત કફોડી બની હતી. 

ભારત સરકારના પેટ્રોલીયમ મંત્રાલયે તા. 12 ઓગસ્ટના રોજ આદેશ આપીને સ્થાનિક ઉત્પાદન ઉદ્યોગોને બદલે ઘરેલું વપરાશ માટે પાઈપ્ડ ગેસ (પીએનજી) અને વાહનોના વપરાશ માટે સીએનજી માટે વિતરકોને ફાળવવા હુકમ કર્યો હતો. આ હુકમ થતાની સાથે જ મુંબઈ અને રત્નાગીરી વિસ્તારમાં ગેસનું વેચાણ કરતી મહાનગર ગેસ લીમીટેડે ભાવ રૂ. 6 ઘટાડી રૂ. 80 પ્રતિ કિલો કરવાની જાહેરાત કરી હતી. વૈશ્વિક બજારમાં ગેસના ભાવમાં 70 ટકા વધારા બાદ ગ્રાહકો ઉપર વધી પડેલા બોજના કારણે કેન્દ્ર સરકારને આ પગલું ભરવા ફરજ પડી હતી.