×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વાવાઝોડુ વધુ વિકરાળ બનીને સૌરાષ્ટ્ર-કચ્છ તરફ ધસ્યું,દરિયો ગાંડોતૂર,તીવ્ર પવન ફૂંકાવો શરુ થયો


દરિયામાંથી પ્રચંડ બળ મળતા વાવાઝોડાની તીવ્રતા પૂર્વાનુમાન કરતા પણ વધીને ૧૯૫ કિ.મી.એ પહોંચી

 દ્વારકા,વેરાવળ,પોરબંદર,જાફરાબાદ સહિત દરિયામાં  ૨૦થી ૩૦ ફૂટ ઉંચા મોજા ઉછળ્યા, કોસ્ટ ગાર્ડનું હવાઈ નિરીક્ષણ સાથે પેટ્રોલીંગ ઃ કચ્છના જખૌથી  દ્વારકા પટ્ટી પર વધુ ખતરો

રાજકોટ : મધ્ય-પૂર્વ અરબી સમુદ્રમા સર્જાયેલ 'બિપોરજોય'વાવાઝોડુ દરિયામાં ખૂબ અનુકૂળ હવામાન મળતા સતત પ્રચંડ શક્તિશાળી અને મહા વિનાશક રૃપ ધર્યું છે.ગઈકાલે પોરબંદરથી ૭૩૦ કિ.મી. દૂર હતું તે આજે સાંજે ૫૭૦ કિ.મી.ના અંતરે આવી પહોચ્યું હતું, એટલે કે એક દિવસમાં ૧૬૦ કિ.મી.ગુજરાતની નજીક આવી પહોંચ્યું હતું.તે સાથે વાવાઝોડામાં પવનની ચક્રાકાર ગતિ પૂર્વાનુમાન કરતા પણ વધુ ભયાનક સ્તરે પહોંચીને આજે ૧૬૫-૧૭૫થી વધીને કલાકના ૧૯૫ કિ.મી.ની ભયાનક ઝડપે પહોંચતા વાવાઝોડુ  'વેરી સિવિયર'માંથી આજે 'એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ 'માં ફેરવાયું હતું.

આવતીકાલ તા.૧૧ને રવિવારે વાવાઝોડુ આ અતિશય (એક્સટ્રીમલી) તાકાત જાળવીને સૌરાષ્ટ્રથી આશરે ૪૦૦-૪૫૦ કિ.મી.ના અંતરે આવી પહોંચે તેવી શક્યતા છે અને વાવાઝોડુ તા.૧૫ સુધી સિવિયર સાયક્લોન બની રહેશે.આજે સૌરાષ્ટ્ર-કચ્છ પર ખતરો વધતા સૌરાષ્ટ્રના ફાયરબ્રિગેડ તથા બચાવ ટૂકડીઓ સ્ટેન્ડ ટુ રખાયા છે, એન.ડી.આર.એફ.ની ટીમ પોરબંદર મોકલાઈ છે, રેસ્ક્યુ વાહનો,સાધનોને સજ્જ કરી દેવાયા છે. રાજ્ય સરકારે કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સથી સમીક્ષા કરી હતી.

મૌસમ વિભાગ દ્વારા જારી માહિતી અનુસાર વાવાઝોડુ તેની ચક્રાકાર ગતિ સતત વધારતું રહે છે પરંતુ, આગળ વધવાની ઝડપ અગાઉ કલાકના ૫ કિ.મી.,ગઈકાલે ૧૩  કિ.મી.અને આજે ૩ કિ.મી. એમ સતત બદલાતી રહે છે અને સૌથી મહત્વની બાબત એ છે કે તેની દિશા તે સતત બદલતું રહે છે. મૌસમ વિભાગના વૈજ્ઞાાનિકના રિપોર્ટ મૂજબ વાવાઝોડા અંગે પૂર્વાનુમાન કરતા વિવિધ મોડેલોના છેલ્લા નિર્દેશ મૂજબ તે ઉત્તર તરફ અને ક્રમશઃ થોડુ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધીને સૌરાષ્ટ્ર-કચ્છ અને પાકિસ્તાનના કાંઠા ભણી આવી રહ્યું છે. તા.૧૫ સુધી પ્રચંડ તાકાત જાળવીને વાવાઝોડુ પાકિસ્તાનથી સૌરાષ્ટ્ર વચ્ચેના ૬૪ ડીગ્રી પૂર્વથી ૬૯ ડિગ્રી પૂર્વ વચ્ચેના રેખાંશ પર કોઈ જગ્યાએ લેન્ડફોલ કરશે. કઈ જગ્યા તે હજુ નિશ્ચિત થયું નથી.

એકંદરે, વાવાઝોડાની દિશાના આજના પૂર્વાનુમાન મૂજબ ગુજરાતમાં ખાસ કરીને કચ્છ ઉપર સર્વાધિક ખતરો ઉપરાંત સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર વગેરે દરિયાકાંઠાના વિસ્તારો ઉપર વિશેષ ખતરો જણાય છે. જ્યારે દક્ષિણ ગુજરાત તરફ આવવાની બહુ અસર થવાની શક્યતા ઓછી છે. આજની આગાહી મૂજબ તે ચોવીસ કલાક દરમિયાન ગુજરાત-સૌરાષ્ટ્ર તરફ આગળ વધવાની અને ત્યારબાદ ઉત્તર-પશ્ચિમ કે ઉત્તર તરફ ટર્ન લે તેવું અનુમાન છે. પરંતુ, જો દિશા બદલીને ઉત્તર-પૂર્વ તરફ આગળ વધે તો ગુજરાતની ખાસ કરીને સૌરાષ્ટ્રની ધરતી પર ટકરાય તેવી ભીતિ છે.

સૌરાષ્ટ્રમાં આજે ભયાનક વાવાઝોડાની તીવ્ર અસર વર્તાઈ હતી. પોરબંદરમાં ભેખડ સાથે અથડાઈને દરિયાઈ મોજા ૨૦થી ૩૦ ફૂટ ઉંચા ઉછળ્યા હતા જે એટલા પ્રચંડ હતા કે દરિયાના પાણી પોરબંદર ચોપાટીથી સ્મશાન તરફ જતા રસ્તા ઉપર ફરી વળ્યા હતા! જ્યારે દ્વારકામાં પણ ૨૦-૨૫ ફૂટ ઉંચા મોજા ઉછળતા નજરે પડયા હતા અને દરિયો ગાંડોતૂર બન્યો હતો. વેરાવળ, પ્રભાસપાટણના દરિયો પણ તોફાની બન્યો હતો. જાફરાબાદના દરિયામાં વાવાઝોડાની તીવ્ર અસર વર્તાઈ હતી અને પીપાવાવ,શિયાળબેટ સહિત કોસ્ટેલ બેટમાં કોસ્ટ ગાર્ડે હવાઈ નિરીક્ષણ કર્યું હતું. જામનગરમાં કલાકના ૭૦ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવને લોકોને વાવાઝોડાનો અનુભવ કરાવી દીધો હતો અને ૧૬ વૃક્ષો ધસી પડયા હતા.

અરબી સમુદ્રમાં વાવાઝોડાની  અતિ ગંભીર સ્થિતિને ધ્યાને લઈને ભારતીય તટરક્ષક દળ દ્વારા માછીમારા વગેરેની સુરક્ષા માટે આઉટરીચ શરુ કરી દેવાયું છે. અને દરિયામાં બોટીંગ કે માછલી પકડવા સહિતની કામગીરી માટે કોઈ જાય નહીં તે સુનિશ્ચિત કરાઈ રહ્યું છે.

એકંદરે ગુજરાત, ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ માટે આવતીકાલ રવિવાર અને સોમવારનો દિવસ વિનાશક વાવાઝોડાની દિશા અને દશા માટે ખૂબ નિર્ણાયક બની રહેશે જેના પગલે મૌસમ વિભાગ આ વાવાઝોડાની દિશા પર સતત નજર રાખી રહ્યું છે.