×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વાવાઝોડું ૧૬૫ કિમીની ઝડપે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું

અમદાવાદ, સોમવાર

અરબી સમુદ્રમાં સર્જાયેલું 'ટૌટે' વાવાઝોડું સોમવારે મોડી રાત્રે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. પોરબંદર અને  મહુવા (દીવના પૂર્વ ભાગમાં) ૧૫૫થી ૧૬૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્રાટકેલા આ વાવાઝોડાની અસરને પગલે આસપાસના વિસ્તારોમાં ભારે અસર જોવા મળી હતી. વાવાઝોડાના લેન્ડફોલ થવાની પ્રક્રિયા ચાર કલાક સુધી ચાલી હતી. ૧૭ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહેલા આ વાવાઝોડાથી વિશેષ કરીને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર જિલ્લામાં સૌથી વધુ અસર થઇ છે. વાવાઝોડાને પગલે વેરાવળ-જાફરાબાદ બંદર પર ૧૦ નંબરનું સિગ્નલ લગાવાયું હતું. વાવાઝોડા અને ત્યારબાદના ભારે વરસાદની જ્યાં સૌથી વધુ અસર થવાની છે તેવા ૧૭ જિલ્લામાંથી ૧ લાખથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સંભવિત અસરગ્રસ્ત જિલ્લામાં એનડીઆરએફની ૪૪ ટીમો તૈનાત કરી દેવાઇ છે.  આ ઉપરાંત એરફોર્સને પણ સ્ટેન્ડ બાયમાં રાખી દેવામાં આવી છે. 

વાવાઝોડાને લીધે ગીર સોમનાથની આસપાસ ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાક જ્યારે પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, જામનગર, રાજકોટ, વલસાડમાં ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. ટૌટે વાવાઝોડના આગમનના ૧૨ કલાક અગાઉ જ ગુજરાતના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો થવાનું શરૃ થઇ ગયું હતું. ૨૧ જિલ્લાના ૮૪ તાલુકામાં ઝાપટા પડયા હતા જ્યારે ૬ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. 'ટૌટે' વાવાઝોડું ત્રાટકતાં દરિયાકાંઠાની આસપાસના વિસ્તારોમાં ૧૫૦થી ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. વાવાઝોડાને પગલે દરિયો ગાંડોતૂર થયો હતો અને દરિયામાં ૩ મીટર ઊંચા ઓછા મોજા ઉછળ્યા હતા. વલસાડ જિલ્લાના દરિયા કિનારા પર પણ તોફાની માહોલ જોવા મળ્યો હતો. દરિયામાં રાત્રે પણ કરંટ હતો અને દરિયા કિનારા આસપાસના વિસ્તારોમાં આવેલા કાચા મકાનોની છત ઉડી હતી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ દરમિયાન રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આવતીકાલે જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, બોટાદ, દીવ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, ભરૃચ, સુરત, અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, પોરબંદર, મોરબી, જામનગરનો સમાવેશ થાય છે.

કોરોનાના કેર વચ્ચે ટૌટે વાવાઝોડાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગુજરાતમાં મે મહિનામાં વાવાઝોડું ત્રાટક્યું હોય તેવું છેલ્લા ૨૧ વર્ષમાં પ્રથમવાર બન્યું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વાવાઝોડું હવે ૧૯ મેથી ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને તેની અસર ઓછી થવાનું શરૃ થઇ જશે. વાવાઝોડાને લીધે બુધવારે પણ વરસાદનું જોર રહે તેની સંભાવના છે. જામનગર સહિત ગુજરાતભરના અનેક સાગર કિનારા વિસ્તારમાં સંભવિત વાવાઝોડાની અસર જોવા મળી રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા અપાયેલી ચેતવણીના અનુસંધાને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રોઝીબંદર, બેડીબંદર, સિક્કાબંદર, સચાણાબંદર, જોડીયાબંદર, નવાબંદર, સલાયાબંદર, લાંબાબંદર, ઓખાબંદર, વગેરે તમામ સ્થળો પર ઘણા લાંબા સમય પછી ૮ નંબરના ભયસૂચક સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે.માંગરોળ બંદર પર આજે સવારે ૧૦ નંબરનું ભય સુચક સિગ્નલ લગાવવામાં આવ્યું હતું. આ ૧૦ નંબરનું સિગ્નલ અંદાજે પાંચ દાયકા બાદ આજે લગાવવામાં આવ્યું છે. અગાઉ વાયુ વાવાઝોડા વખતે ૮ નંબરનું ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું હતુ.

પવનની તીવ્રતા ૬૦ થી ૧૦૦ કિલોમીટર સુધીની હોય તેવા સંજોગોમાં ૮ નંબરના ભયસૂચક સિગ્નલો લગાવવામાં આવતા હોય છે.માલ - મિલકતને મોટુ નુકશાન થવાની ભીતી સેવાઈ રહી છે ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર - ગુજરાતમાં લાખો હેકટરમાં લહેરાતા ઉનાળુ પાકને મોટુ નુકશાન થવાની સંભાવના છે. ખાસ કરીને મગ, તલ, મગફળી અને બાજરીનાં પાકનો ભારે પવનથી સોથ વળી જવાની દહેશત છે. કૃષિ વિભાગે ખેડૂતોને વાવાઝોડાનાં ખતરાથી સાવચેત કર્યા છે.

ટૌટે વાવાઝોડું આ રીતે ગુજરાત સુધી પહોંચ્યું...

સવારે ૧૦ :૩૦ઃ: દીવના દક્ષિણ-દક્ષિણપૂર્વ દરિયાકાંઠાથી ૨૨૦ કિલોમીટર દૂર. ૧૫ કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી આગળ વધ્યું.

સવારે ૧૧ઃ૩૦ : દક્ષિણપૂર્વ દીવથી ૧૮૦ કિલોમીટર દૂર.

બપોરે ૧ઃ૩૦: ૧૩ કિલોમીટર પ્રતિ કલાકની ગતિ. દક્ષિણપૂર્વ દીવથી ૧૫૪ કિલોમીટર દૂર.

બપોરે ૨ઃ૨૦ ઃ ૧૫ કિલોમીટર પ્રતિ કલાકની ગતિ. દક્ષિણપૂર્વ દીવથી ૧૩૦ કિલોમીટર દૂર.

બપોરે ૩ઃ૩૦: પ્રતિ કલાકની ૧૫ કિ.મી.ની ગતિ. દક્ષિણપૂર્વ દીવથી ૧૧૦ કિલોમીટરના અંતરે.

સાંજે ૫ઃ૩૦ : દક્ષિણપૂર્વ દીવથી ૮૦ કિલોમીટર દૂર.

સાંજે ૬ઃ૩૦: ૧૭ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ. દક્ષિણપૂર્વ દીવથી ૭૦ કિલોમીટર દૂર.