×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વાવાઝોડાને પગલે રાજ્યમાં બે દિવસ રસીકરણ કાર્યક્રમ બંધ, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ

અમદાવાદ, તા. 16 મે 2021, રવિવાર

રાજ્યમાં ત્યારે તૌકતે વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. આગામી બે દિવસ અતિ મહત્વના છે. અરબ સાગરમાં સર્જાયેલું આ ચક્રવાતી તોફાન તૌકતે 18 તારીખે સૌરાષ્ટ્રના દરિયાકિનારે અથડાઇ તેવી શક્યતા છે. આ વાવઝોડાની અસર અત્યારથી દેખાઇ રહી છે. ત્યારે રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન વાવાઝોડાની તૈયારીમાં લાગ્યા છે. જે અંગે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. 

સીએમ રૂપાણીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન તેમજ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. તૌકતે વાવાઝોડું 18 મેની સવારે મહુવા-પોરબંદર વચ્ચે પસાર થવાની સંભાવના છે. અત્યારની સ્થિતિ પ્રમાણે કચ્છ અને દ્વારકા પર ઓછી અસર થશે જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લા અને અમદાવાદ, આણંદ, ભરૂચ અને ખેડાને પ્રાથમિકતા આપવા સૂચના અપાઇ છે.


તો તકેદારીના ભાગરુપે આ બેઠકમાં અન્ય એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી બે દિવસ રાજ્યમાં વાવાઝોડાની સંભાવનાન કારણે કોરના રસીકરણ બંધ રહેશે. રાજ્યના તમામ રસીકરણ કેન્દ્રો પર વેક્સિનેશન કાર્યક્રમ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. બેઠક બાદ વિજય રૂપાણીએ જણાવ્યું કે બેઠકમાં વાવાઝોડાને કારણે થનારા સંભવિત નુકસાનને કેવી રીતે ઘટાડી શકાય તેના પર ચર્ચા હાથ ધરવામાં આવી. વાવાઝોડાને કારણે એક પણ વ્યક્તિનું મોત ન થાય તેવો સરકારનો નિર્ધાર છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં દરિયાકાંઠાના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો પૈકી 10 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે કે રાત્રિ સુધીમાં કુલ દોઢ લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. મુખ્યપ્રધાને કહ્યું કે રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની 44 ટીમ તૈયાર છે. બીજી તરફ તમામ જિલ્લાઓના વહીવટી તંત્રને સ્ટેન્ડ ટુ રહેવાના આદેશો કરવામાં આવ્યા છે.