×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વાવાઝોડાથી મહારાષ્ટ્રમાં છ લોકો, કર્ણાટકમાં કુલ આઠનો ભોગ લેવાયો


મુંબઈમાં 114 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો, 55 ફ્લાઇટ રદ

મહારાષ્ટ્રમાં ત્રણ નાવિકો લાપતા, મુંબઈમાં 7.76 ઈંચ વરસાદ, રાયગઢ માટે રેડ, રત્નાગિરિ, સિંધુદુર્ગ માટે ઓરેન્જ એલર્ટ

રાયગઢમાં 1886 મકાનોને નુકસાન, પાંચ મકાન ધરાશાયી કર્ણાટકના 7 જિલ્લાના 121 ગામડાઓ પર વાવાઝોડાની અસર

મુંબઈ/બેંગ્લુરૂ : ગુજરાતના દરિયાકાંઠે રાત્રે ત્રાટકેલા ટૌટે વાવાઝોડાએ સોમવારે સવારે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ભારે વિનાશ વેર્યો હતો. મહારાષ્ટ્રના કૌંકણ પ્રદેશમાં વાવાઝોડા સંબંિધત અલગ અલગ ઘટનાઓમાં છ લોકોનાં મોત નીપજ્યાં હતા જ્યારે બે બોટ સમુદ્રમાં ડૂબી ગયા પછી ત્રણ નાવિકો લાપતા થઈ ગયા હતા.

બીજીબાજુ ટૌટે વાવાઝોડાના કારણે કર્ણાટકમાં કુલ આઠ લોકોનાં મોત થયા છે. ટૌટે વાવાઝોડું રવિવારે કર્ણાટકના દરિયાકાંઠેથી પસાર થયું હતું, પરંતુ તેની અસર બીજા દિવસે પણ જોવા મળી હતી. વાવાઝોડાની અસર મધ્ય પ્રદેશમાં પણ જોવા મળી હતી, જ્યાં તીવ્ર પવન ફૂંકાવાની સાથે વરસાદ થયો હતો, પરંતુ જાનમાલનું નુકસાન થયું નથી.

મહારાષ્ટ્રમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે વાવાઝોડાના કારણે રાયગઢ જિલ્લામાં ત્રણ, સિંધુદુર્ગમાં એક નાવિકનાં મોત નીપજ્યાં હતા જ્યારે વૃક્ષો પડવાને કારણે નવી મુંબઈમાં બે અને ઉલ્લાસનગરમાં એકનું મોત નીપજ્યું હતું. સિંધુદુર્ગના આનંદવાડીમાં બે બોટ ડૂબી ગઈ હતી. આ સમયે બોટમાં સાત નાવિકો હતા, જેમાં એકનું મોત નીપજ્યું હતું, ત્રણ લાપતા થઈ ગયા છે જ્યારે ત્રણ સલામત છે.

વાવાઝોડાના કારણે રાયગઢમાં 1886 મકાનોને આંશિક નુકસાન થયું છે જ્યારે પાંચ મકાનો ધરાશાયી થઈ ગયા હતા. રાયગઢના 8,383 લોકોને પહેલાંથી જ સલામત સ્થળે ખસેડાયા હોવાથી મોટી જાનહાની ટળી હતી. વાવાઝોડાના કારણે રાયગઢમાં 23.42 મીમી વરસાદ પડયો હતો. વાવાઝોડાના કારણે પાલઘર જિલ્લામાં 13 મકાનોને આંશિક નુકસાન થયું હતું. થાણેમાં પણ અનેક મકાનોને નુકસાન થયું હતું.

ચક્રાવાતી તોફાનના કારણે મુંબઈમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો, જેને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. મુંબઈમાં પ્રતિ કલાક 114 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. વાવાઝોડાની ચેતવણીને પગલે મુંબઈ એરપોર્ટ મોડી રાત સુધી બંધ કરી દેવાયું હતું. પરિણામે અનેક ફ્લાઈટ્સ રદ કરાઈ હતી અથવા અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ હતી.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે ટૌટે વાવાઝોડાને કારણે મુંબઈમાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડયો હતો. મુંબઈમાં રવિવાર રાતથી જ હવામાનમાં ટૌટેની અસર જોવા મળી હતી. દરમિયાન કર્ણાટકમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કહ્યું કે, દક્ષિણ કન્નડ, ઉડુપી, ઉત્તર કન્નડ સહિત રાજ્યના સાત જિલ્લાના 121 ગામો પર ટૌટે વાવાઝોડાની અસર થઈ હતી. આ વિસ્તારોમાં કુલ આઠ લોકોનાં મોત નીપજ્યાં હતા. ચક્રવાતી વાવાઝોડા ટૌટેના કારણે અનેક વિસ્તારોમાં મકાનોને નુકસાન થયું હતું.

મુંબઇ પાસે સમુદ્રમાં 400 ફસાયા, બચાવ માટે 3 યુદ્ધ જહાજ તૈનાત

ટૌટે વાવાઝોડાની અસર મુંબઇના સમુદ્રી વિસ્તારમાં પણ જોવા મળી હતી. જેને પગલે સમુદ્રમાં બે માલ વાહક નાવમાં ફસાયેલા 400 લોકોને રેસ્ક્યૂ કરવાનું ઓપરેશન શરૂ કરાયું છે. રેસ્ક્યૂ ઓપરેશન માટે ઇન્ડિયન નેવીએ 3 યુદ્ધજહાજોને સમુદ્રમાં મોકલ્યા છે. 

નેવી અિધકારીઓએ જણાવ્યું હતું કે ગેલ કન્સ્ટ્રક્ટરના 137 ઓનબોર્ડ વ્યક્તિઓમાંથી 38 લોકોને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા છે. તેઓ અતી જોખમકારક પરિસિૃથતિમાં ફસાઇ ગયા હતા. જે યુદ્ધ જહાજો મદદ માટે તૈનાત કરવામાં આવ્યા છે તેમાં આઇએનએસ કોલકાતા, આઇએનએસ કોચી અને આઇએનએસ તલવારનો સમાવેશ થાય છે. 

આ યુદ્ધ જહાજોને સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશનનું કામ સોપવામાં આવ્યું છે. આ પહેલા દિવસ દરમિયાન હેલિકોપ્ટરની મદદથી ભારતીય જહાજના ચાર ક્રૂ મેમ્બર્સને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. જોકે તે પહેલા એક બોટ દ્વારા પણ રેસ્ક્યૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જે નિષ્ફળ જતા હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી.