×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વારાણસીઃ સાંજે 5 વાગ્યા બાદ પોલીસ સ્ટેશન ન જાય મહિલાઓ, BJP નેતા બેબી રાની મૌર્યની 'સલાહ'


- આટલેથી જ ન અટકતાં તેમણે ઉત્તર પ્રદેશમાં ખેડૂતોને ખાતર ન મળવાની વાત એક ઉદાહરણ આપીને કહી નાખી હતી

નવી દિલ્હી, તા. 23 ઓક્ટોબર, 2021, શનિવાર

ઉત્તર પ્રદેશમાં આગામી 2022ની વિધાનસભા ચૂંટણીના અનુસંધાને યોગી સરકાર પ્રદેશને અપરાધમુક્ત કરવાની છબિ બનાવવામાં કાર્યરત છે. ત્યારે બીજી બાજુ તેમની જ પાર્ટીના દિગ્ગજ નેતા જાહેર મંચ પરથી મહિલાઓની સુરક્ષા અંગેના સવાલ પર યુવતીઓને સાંજે બહાર ન નીકળવાની સલાહ આપી રહ્યા છે. હકીકતે ઉત્તરાખંડના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બેબી રાની મૌર્યએ વારાણસી ખાતે એક કાર્યક્રમ દરમિયાન મહિલાઓને સાંજે 5:00 વાગ્યા બાદ પોલીસ સ્ટેશન ન જશો તેમ કહ્યું હતું. 

બેબી રાની મૌર્યએ વારાણસીના બજરડીહા ખાતે ભાજપના વાલ્મિકી મહોત્સવ અંતર્ગત મલિન બસ્તીમાં મહિલાઓને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે મહિલાઓને સાંજે 5:00 વાગ્યા બાદ પોલીસ સ્ટેશન ન જવાની સલાહ આપી હતી. એટલું જ નહીં, ખેડૂતોને ખાતર ન મળવાની વાત પર પણ તેમણે પોતાની લાચારી વ્યક્ત કરી હતી. 

બેબી રાની મૌર્યએ કહ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં મહિલા અધિકારી અને સબ ઈન્સ્પેક્ટર જરૂર બેસે છે પરંતુ હું એક વાત જરૂર કહીશ કે, 5:00 વાગ્યા બાદ અને અંધારૂ થયા બાદ પોલીસ સ્ટેશન કદી ન જતા. પછી બીજા દિવસે સવારે જવું અથવા તો બહું જરૂરી હોય તો સાથે પોતાના ભાઈ, પતિ કે પિતાને લઈને જ જવું. 

આટલેથી જ ન અટકતાં તેમણે ઉત્તર પ્રદેશમાં ખેડૂતોને ખાતર ન મળવાની વાત એક ઉદાહરણ આપીને કહી નાખી હતી. તેમણે કહ્યું કે, અધિકારી બધાને ગુમરાહ કરી રહ્યા છે. મને તાજેતરમાં જ આગ્રા ખાતેથી એક ભાઈનો ફોન આવ્યો હતો. તેમને ખાતર નહોતું મળી રહ્યું. મેં કહ્યું તો તેમને ખાતર મળી ગયું. પરંતુ આજે અધિકારીએ ના પાડી દીધી કે હું નહીં આપું. નીચલા સ્તરે આ પ્રકારની બદમાશી થાય છે. તમારે લોકોએ તે ધ્યાનમાં લેવાની જરૂર છે. જો કોઈ પણ અધિકારી બદમાશી કરી રહ્યો હોય તો ડીએમને તેની ફરિયાદ કરો. વડાપ્રધાન અને મુખ્યમંત્રીને લખીને આપો.