×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વાયુ પ્રદૂષણઃ કયા ઉદ્યોગ, વાહન અને પાવર પ્લાન્ટ્સ બંધ રહી શકે- સુપ્રીમ કોર્ટનો સવાલ


- દિલ્હી અને પૂર્વીય રાજ્યોમાં પ્રદૂષણ પાછળ પરાળી સળગાવવામાં આવે છે તે મહત્વનું કારણ નથી કારણ કે, પ્રદૂષણમાં તેનું માત્ર 10 ટકા યોગદાન

નવી દિલ્હી, તા. 15 નવેમ્બર, 2021, સોમવાર

રાજધાની દિલ્હી અને એનસીઆરમાં વ્યાપેલા વાયુ પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે સોમવારે ફરી એક વખત કેન્દ્ર સરકાર અને દિલ્હીની કેજરીવાલ સરકાર પર ફટકાર વરસાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે જવાબ માગ્યો હતો કે, બંને સરકારો એ ઉદ્યોગો, પાવર પ્લાન્ટ્સની જાણકારી આપે જેને વાયુ પ્રદૂષણ રોકવા માટે થોડા સમય માટે બંધ રાખી શકાય. કોર્ટે વાહનોની અવર-જવર રોકવા માટે પણ વિચારણા કરવા કહ્યું છે. 

હકીકતે, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, દિલ્હી અને પૂર્વીય રાજ્યોમાં પ્રદૂષણ પાછળ પરાળી સળગાવવામાં આવે છે તે મહત્વનું કારણ નથી કારણ કે, પ્રદૂષણમાં તેનું માત્ર 10 ટકા યોગદાન છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે વાયુ પ્રદૂષણ માટે પરિવહન, ઉદ્યોગો અને ટ્રાફિક વ્યવસ્થાને મુખ્ય કારણ ગણાવી દીધા. 

આ સાથે જ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સવાલ કર્યો હતો કે, શું તે ઉદ્યોગોને રોકવા સિવાય વાહનો પર લગામ કસી શકે છે? સર્વોચ્ય ન્યાયાલયે એવા પાવર પ્લાન્ટ્સની પણ જાણકારી માગી છે જેને રોકી શકાય છે. બેંચે જવાબ દાખલ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને મંગળવાર સાંજ સુધીનો સમય આપ્યો છે. 

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો છે કે, તે મંગળવાર સુધીમાં નિર્માણ કાર્યો અને બિનજરૂરી પરિવહન સેવા રોકવા માટે ઈમરજન્સી બેઠક બોલાવે. કોર્ટે પંજાબ, યુપી, હરિયાણાના મુખ્ય સચિવોને મંગળવારની ઈમરજન્સી મીટિંગમાં સામેલ થવા નિર્દેશ આપ્યો છે. આ સાથે જ કેન્દ્ર અને રાજ્યને કહેવામાં આવ્યું છે કે, તે દિલ્હી-એનસીઆરમાં કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ લાગુ કરવા અંગે વિચારણા કરે. 

વધુમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને ફટકાર લગાવતા કહ્યું કે, જે રીતે પ્રદૂષણ પર ઈમરજન્સી બેઠક થઈ તે રીતે કોઈ બેઠકની આશા ન રાખી શકાય. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે, આપણે તેના માટે (બનાવાયેલી કમિટીઓ માટે) એજન્ડા સેટ કરવો પડે છે.