×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વાઘમ્બરી મઠની ગાદી કોની થશે, કોણ બનશે મહંત? 5 ઓક્ટોબરે પંચ પરમેશ્વર કરશે જાહેરાત


- 2005માં બલવીર ગિરિને મહંત નરેન્દ્ર ગિરિએ દીક્ષા આપી હતી અને બલવીર ગિરિએ સંન્યાસ ધારણ કરી લીધો હતો

નવી દિલ્હી, તા. 29 સપ્ટેમ્બર, 2021, બુધવાર

અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિના મૃત્યુ બાદ મઠની ગાદી પર કોણ બિરાજમાન થશે તેનો નિર્ણય લેવાઈ ચુક્યો છે. જાણવા મળ્યા મુજબ બલવીર ગિરિ મઠ વાઘમ્બરી ગાદીના ઉત્તરાધિકારી બનશે. જોકે તેની સત્તાવાર જાહેરાત 5 ઓક્ટોબરના રોજ સોડસી ભોજના દિવસે કરવામાં આવશે. મહંત નરેન્દ્ર ગિરિના રૂમમાંથી જે સ્યુસાઈડ નોટ મળી હતી તેમાં બલવીર ગિરિનું નામ લખેલું હતું. નોટમાં બલવીરને જ ગાદીના મહંત બનાવવા માટે લખ્યું હતું. 

નિરંજની અખાડાના પદાધિકારીઓના કહેવા પ્રમાણે 2 દિવસ બાદ સંતોની એક બેઠક યોજાશે. બેઠકમાં મહોર લાગ્યા બાદ આગામી 5 ઓક્ટોબરે સોડસી ભોજના દિવસે પંચપરમેશ્વરની બેઠક બાદ સંપૂર્ણ વિધિ વિધાનથી બલવીર ગિરિનો પટ્ટાભિષેક કરીને તેમને મઠ વાઘમ્બરી ગાદીના મહંત બનાવી દેવામાં આવશે. 

સોડસી શું હોય

સાધુ સંતોમાં સોડસી ભોજ હોય છે, મતલબ કે 16મા દિવસનું ભોજન. આ ભોજનમાં મૃતક સાધુની 16 ગમતી વસ્તુઓનું દાન પણ કરવામાં આવે છે. સામાન્ય લોકોમાં 13 દિવસ બાદ તેરમાના સંસ્કાર કરવામાં આવે છે પરંતુ સાધુઓમાં સોડસી મનાવવામાં આવે છે. તેમાં જે સંતનું મૃત્યુ થયું હોય તેમને ગમતી 16 વસ્તુઓનું 16 લોકોને દાન કરવામાં આવે છે અને એક ભોજ કરાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, તેનાથી મૃતક આત્માને 16 સંસ્કારોમાંથી મુક્તિ મળી જાય છે. 

બલવીર ગિરિ કોણ છે

આના પહેલા બલવીર ગિરિનું નામ ચર્ચામાં નહોતું પરંતુ અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ અને મઠ વાઘમ્બરી ગાદીના મહંત નરેન્દ્ર ગિરિએ પોતાની 12 પાનાની સ્યુસાઈડ નોટમાં બલવીર ગિરિના નામનો ઉલ્લેખ કરીને તેમને મઠના મહંત ઉત્તરાધિકારી બનાવવા લખ્યું હતું.

35 વર્ષીય બલવીર ગિરિ ઉત્તરાખંડના નિવાસી છે. 2005માં બલવીર ગિરિને મહંત નરેન્દ્ર ગિરિએ દીક્ષા આપી હતી અને બલવીર ગિરિએ સંન્યાસ ધારણ કરી લીધો હતો. બલવીર ગિરિ હરિદ્વારમાં બિલ્કેશ્વર મહાદેવની દેખરેખની વ્યવસ્થા જોતા હતા. મહંત નરેન્દ્ર ગિરિએ આનંદ ગિરિથી નારાજ થઈને પોતાની બદલેલી વસીયતમાં બલવીર ગિરિને મઠના ઉત્તરાધિકારી ઘોષિત કર્યા હતા. હવે 5 ઓક્ટોબરના રોજ બલવીર ગિરિ મહંતની ખુરશી પર બિરાજમાન થઈ જશે.