×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વર્લ્ડ બેન્કની ચેતવણી – વ્યાજદરમાં વૃદ્ધિ વૈશ્વિક અર્થતંત્રમાં ‘મંદીની સુનામીֹ’ નોંતરશે

મુંબઇ, તા. 16  સપ્ટેમ્બર 2022,શુક્રવાર

મહામારીના કમરતોડ ફટકાથી માંડ માંડ બેઠાં થઇ રહેલા વૈશ્વિક અર્થતંત્ર પર હવે વર્ષ 2023માં આર્થિક મંદીની સુનામી આવશે તેવી વર્લ્ડ બેન્કે ચેતવણી આપી છે. આ આર્થિક મંદી પાછળ મોંઘવારીને ડામવા માટે દુનિયાભરના દેશોની મધ્યસ્થ બેન્ક દ્વારા વ્યાજદરમાં આક્રમ વૃદ્ધિ જવાબદાર છે. આ મંદી છેલ્લા પાંચ વર્ષની સૌથી ભયંકર મંદી હશે.

વર્લ્ડ બેન્કે જણાવ્યુ કે, મહામારી બાદ બેફામ ગતિએ વધી રહેલી મોંઘવારીને ડમવા માટે અમેરિકા, ઇંગ્લેન્ડ, ભારત અને યુરોપિયન ઝોન સહિત દુનિયાભરની મધ્યસ્થ બેન્કો વ્યાજદરમાં આક્રમક વધારો કરી રહી છે અને તેની સીધી પ્રતિકુળ અસર આર્થિક વિકાસદર પર થઇ રહી છે.

દુનિયાના ત્રણ સૌથી મોટા અર્થતંત્રોના વિકાસદરમાં ઝડપી ઘટાડો આવ્યો છે, જેમાં અમેરિકા, ચીન અને યુરોપિયન યુનિયન સામેલ છે. વર્લ્ડ બેન્કે તેના એક રિપોર્ટમાં જણાવ્યુ કે, વ્યાજદરમાં વૃદ્ધિથી વૈશ્વિક અર્થંતંત્રને માર પડી રહ્યો છે અને આગામી વર્ષે તે મંદીમાં પરિણમી કરી શકે છે. આ સંસ્થાએ જણાવ્યુ કે, વર્ષ 1970ની મંદી બાદથી પછી થયેલી રિકવરી બાદ ગ્લોબલ ઇકોનોમીમાં સૌથી ઝડપી ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લે આવેલી વૈશ્વિક આર્થિક મંદી બાદ પહેલીવાર કન્ઝ્યુમર કોન્ફિડન્સમાં ઝડપી ઘટાડો નોંધાયો છે. 

વર્લ્ડ બેન્કના પ્રમુખ ડેવિડ માલપાસે જણાવ્યુ કે, વૈશ્વિક વૃદ્ધિદર ઘટી રહ્યો છે અને તેમાં વધુ ઘટાડો આવ્યો તો ઘણા દેશો મંદીની ખીણમાં ગરકાવ થઇ જશે. ગંભીર ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યુ કે, વૈશ્વિક આર્થિક કટોકટીનો માહોલ ચાલુ રહેવાની શક્યતા છે અને તેની વિકાસશીલ દેશો પર ભયંકર અસર  જોવા મળશે. 

વર્લ્ડ બેન્કના સ્ટડી રિપોર્ટમાં જણાવાયુ છે કે, દુનિયાભરમાં એક સાથે વ્યાજદર વધારવામાં આવી રહ્યા છે અને પોલિસી લેવલે નિર્ણયો લેવાઇ રહ્યા છે. માત્ર મોંઘવારી દરને કોરોના પૂર્વેના સ્તરે લાવવી જ પુરતી નથી.

વર્લ્ડ બેન્કે તેની રિપોર્ટમાં મધ્યસ્થ બેન્કોને મોંઘવારી દરને નીચે લાવવા માટે વ્યાજદરમાં બે ટકાની વૃદ્ધિ કરવા સૂચન કર્યુ છે. વ્યાજદરમાં આ વધારો ચાલુ વર્ષના સરેરાશ બે ટકા ઉપરાંતનો હશે, પરંતુ તેની અસર વૈશ્વિક વિકાસદર પણ પર થશે.  

ફાઇનાન્સિયલ માર્કેટ પહેલાથી દબાણ હેઠળ છે. જેના પરિણામે વર્ષ 2023માં ગ્લોબલ જીડીપી ગ્રોથ ઘટીને 0.5 ટકા થશે અથવા વ્યક્તિદીઠ તેમાં 0.4 ટકાનો ઘટાડો આવી શકે છે. જ્યારે ટેકનિકલ ધોરણે મંદીની પૃષ્ટિ થઇ જશે. નીતિ ઘડવૈયાઓએ પોતાનું ધ્યાન વપરાશ ઘટાડવાના બદલે ઉત્પાદન વધારવા પર કેન્દ્રિત કરવાની સાથે સાથે તેમણે વધારાના મૂડીરોકાણ અને ઉત્પાદકતા વધારા પણ પગલાં લેવા જોઇએ તેવુ સૂચન કર્યુ છે.