×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાનનો હાઈવોલ્ટેજ મુકાબલો


સરહદે જવાનોની શહાદત- કાશ્મીરમાં આતંકીઓ બેફામ બનતાં તંગદિલી વચ્ચે

દેશભરના ચાહકોને સાંજના 7.30નો બેતાબીથી ઇંતેજાર  દુબઈ સ્ટેડિયમમાં બંને ટીમ પ્રતિષ્ઠા દાવ પર હોય તેમ ઉતરશે

કેપ્ટન કોહલી, હેડ કોચ રવિ શાસ્ત્રી અને 'મેન્ટર' ધોનીની રણનીતિ પર નજર

ભૂતકાળના નબળા રેકોર્ડના ભાર હેઠળ પાકિસ્તાનનો આઝમ કેપ્ટન્સી કરશે

ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારત પાકિસ્તાન સામે તમામ મેચ જીત્યું છે

દુબઈ : કાશ્મીર સરહદે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ અને પરપ્રાંતિય શ્રમિકોની હત્યા અને દેશના કેટલાક નેતાઓ અને નાગરિકોના વિરોધ તેમજ નારાજગી વચ્ચે આજે ટી-20 વર્લ્ડ કપની સૌથી રોમાંચક અને મેગા મુકાબલા સમાન મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. વિશ્વમાં જયાં જયાં ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો વસતા હશે ત્યાં અત્યારથી જ તેઓના દિલની ધડકન વધવાની શરૂ થઈ ચૂકી છે. ભારતીય સમય પ્રમાણે સાંજે 7.30થી મેચનો પ્રારંભ થશે.

ભારત અને પાકિસ્તાનના મોટી સંખ્યાવાળા નાગરિકો યુએઇમાં વસતા હોઈ દુબઈ બંને દેશ વચ્ચેની ટક્કરનું સૌથી શ્રેષ્ઠ યજમાન પૂરવાર થશે. 25,000 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં કોરોનાના નિયંત્રણ નિયમ પ્રમાણે 70 ટકા પ્રેક્ષકોને જ પ્રવેશ આપવાનું નક્કી થયું હોઇ 18,500 નસીબદાર પ્રેક્ષકો મેચ માણશે. આ મહિનાના પ્રારંભે ઓનલાઇન ટિકીટ વેચવા માટે મુકાઈ હતી અને ગણતરીના સમયમાં જ તમામ ટિકીટ વેચાઇ ગઈ હતી. ચાહકો રૂ. 50000 જેટલી રકમ આપીને ટિકીટ માટે તૈયાર થયા છે.

જે રીતે વન ડેના વર્લ્ડ કપમાં અને ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારતને એક પણ મેચમાં હજુ સુધી હરાવ્યું નથી તે જોતા પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ વિશેષ દબાણ હેઠળ ઉતરશે.ભારતની વર્તમાન ટીમ આ વખતે વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે સૌથી ફેવરિટ મનાય છે. કેપ્ટન કોહલીની ટીમ પાકિસ્તાન કરતા તો તમામ પાસાઓ અને વિભાગમાં વધુ મજબૂત છે.

ભારતનો પરાજય થાય તો તેને મોટા અપસેટ તરીકે જોવાશે. ભારતીય ક્રિકેટરોને એક ફાયદો એ પણ છે કે તેઓ આઇપીએલ કે જે યુએઇમાં જ સંપન્ન થઇ તેમાં પણ જોરદાર ફોર્મ સાથે વર્તમાન વિશ્વના ટોચના ખેલાડીઓ સામે રમી ચૂકયા છે. યુએઇમાં જ મહિનાથી વધુ સમયથી હોઈ અહીંની કંડિશન, હવામાન તેમજ પીચથી પરિચિત બનવાની તક તેઓને મળી છે.

પાકિસ્તાનને એ રીતે ફાયદો છે કે પાકિસ્તાનમાં છેલ્લા દાયકાથી સલામતીના કારણોસર જૂજ શ્રેણી રમાઇ છે ત્યારે યુએઇ જ તેઓના આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું હોમ ગ્રાઉન્ડ પાકિસ્તાન ક્રિકેટ રાખ્યુ છે. પાકિસ્તાન આ કારણે વિશેષ આત્મવિશ્વાસ અને પ્રતિભા બહાર લાવી શકશે.

પાકિસ્તાનને તેના મોટી સંખ્યાના સમર્થકો પણ સ્ટેડિયમમાં મળશે. જેથી ટીમનો જૂસ્સો વધશે. પાકિસ્તાન પર એવી રીતે દબાણ રહેશે કે ભારતની ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીની સાથે આ વખતે ટીમ મેન્ટર તરીકે ભારતીય ક્રિકેટ બોર્ડે ધોનીને પણ ટીમ મેનેજમેન્ટમાં સામેલ કર્યો છે.

આમ તો રેકોર્ડ અને અનુભવ તેમજ કલાસની રીતે કોહલી વર્તમાન ક્રિકેટનો શ્રેષ્ઠ બેટસમેન છે પણ ક્રિકેટ વિવેચકોનો એક વર્ગ એવું માને છે કે કોહલી, સ્ટીવ સ્મિથ, જો રૂટ, વિલિયમસનની હરોળમાં જ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને મૂકવો જોઈએ. છેલ્લા દોઢ વર્ષમાં આઝમનો રેકોર્ડ વધુ સારો છે.

કોહલી ઉપરાંત રાહુલ, રોહિત શર્મા, સૂર્યકુમાર, હાર્દિક પંડયા, પંત, જાડેજા જરૂર પડે તો ઇશાન કિશન છે. જાડેજા જેવો ઓલરાઉન્ડ પણ છે. બૂમરાહ, શમી, ભૂવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર જેવા બોલરો છે. અનુભવી અશ્વિનને પણ ઉતારી શકાય.

પાકિસ્તાન પાસે આઝમ ઉપરાંત ફખર ઝમાન, આસિફ અલી, હૈદરઅલી, મોહમ્મદ હાફિઝ, મલિક, મકસૂદ અને રિઝવન છે. ઓલરાઉન્ડર તરીકે ઇમાદ વાસિમ પણ ઉપયોગી છે. પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી, હસન અલી રઉફ ટ્રમ્પ કાર્ડ છે. વાઇસ કેપ્ટન શદાબ ખાન ઓલરાઉન્ડર ઉપરાંત લેગ બ્રેક બોલર પણ છે.

પાકિસ્તાનની ટીમ જો ભારતની સામેના ભૂતકાળના રેકોર્ડ અને વર્તમાન ધરખમ ખેલાડીઓની આભામાં આવ્યા વગર રમશે તો તેઓ પાસે પણ જે ખેલાડીઓ છે તેઓ મેચ વીનર ક્ષમતા ધરાવનારા છે. પાકિસ્તાનને સૌથી મોટી ખોટ એ નડશે કે છેલ્લા કેટલાક અરસાથી તેઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક ઉચ્ચ દરજ્જાની ટીમ સામે રમ્યા નથી. તેઓનો રેકોર્ડ પણ સાતત્યસભર નથી રહ્યો.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ, કોચિંગ સ્ટાફ અને ટીમના રાજકારણને લીધે પણ ટીમ સ્થિર નથી બની શકી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હેડ કોચ તરીકે સકલીન મુસ્તાકને કરારબધ્ધ કર્યો છે. ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ ક્રિકેટર મેથ્યુ હેડન બેટિંગ કોચ અને સાઉથ આફ્રિકાનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ફિલાન્ડર બોલિંગ કોચ રહેશે. ટીવીના દર્શકોનો રેકોર્ડ પણ સર્જાશે.