×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વરસાદના ત્રીજા રાઉન્ડે સૌરાષ્ટ્રને ઘમરોળ્યું, ધોરાજી-સુત્રાપાડા બાદ માંગરોળમાં મેઘરાજાની સટાસટી


રાજ્યમાં હવમાન વિભાગે પાંચ દિવસની ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી જે અંતર્ગત અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે ભારે વરસાદ વરસ્યો હતો. બે દિવસ પહેલા સુત્રાપાડામાં આભ ફાટ્યુ હતું તેમજ ગઈકાલે ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદ ખાબક્યો હતો જેના પગલે નદી નાળાઓ છલકાયા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 201 તાલુકામાં મેઘમહેર થઈ હતી જેમા જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.



માંગરોળમાં સૌથી વધુ વરસાદ

રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને ઘમરોળ્યુ છે ત્યારે ગઈકાલે જૂનાગઢ તેમજ ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસ્યો હતો જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમા જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ નોંધાયો છે, આ સિવાય વલસાડના ઉમરગામમાં 12 ઈંચ,  વાપીમાં 10 ઈંચ, માળીયાહાટીનામાં 8 ઈંચ, જામનગરના જામજોધપુરમાં 8 ઈંચ અને કેશોદમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગઈકાલે અમદાવાદ શહેરમાં મોડી રાત્રે ભારે વરસાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના પગલે વિરાટનગરમાં ઢીંચણસમા પાણી ભરાયા હતા તેમજ રીંગરોડ તરફ જતા મુખ્ય માર્ગ પર પણ પાણી ભરાય ગયા હતા. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો.


વલસાડ જિલ્લામાં શાળા કોલેજોમાં રજા જાહેર

વલસાડ જિલ્લામાં ગઈકાલથી ભારે વરસાદ પડી રહ્યો છે જેના લીધે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. વલસાડ શિક્ષણ વિભાગ દ્વારા આદેશાત્મક પત્ર જારી કરાયો છે જેમાગઈકાલથી પડી રહેલા ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં  આજે શાળા, કોલેજો, આઈ ટી આઈ તથા આંગડવાડી બંધ રહેશે.

હજુ ચાર દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં વરસાદે સટાસટી બોલાવી છે ત્યારે હવામાન વિભાગે હજુ આગામી ચાર દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે જેમા આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે તેમજ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, આ સિવાય 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આવતીકાલે અરવલ્લી, સાબરકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે તેમજ 23મી જુલાઈ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના 33 જળાશયો સંપૂર્ણ છલકાયાં

ગુજરાતના 33 જળાશયો 100 ટકા એટલે કે સંપૂર્ણ છલકાયાં છે. જ્યારે 49 જળાશયોમાં 70 ટકાથી વધુ તેમજ 80 જળાશયોમાં 25 થી 70 ટકા સુધી પાણીનો સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ શક્તિના 64.40 ટકા જેટલા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે, તેમ સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ-ગાંધીનગરના અહેવાલમાં જણાવાયું છે. રાજ્યમાં 100 ટકા એટલે કે સંપૂર્ણ છલકાયા હોય તેવા જળાશયોમાં અમરેલી જિલ્લાના ધાતરવાડી, મુંજિયાસર, વાડિયા, સંક્રોલી, સુરજવાડી, દાહોદ જિલ્લાના ઉમરીયા, ગીર સોમનાથના મચ્છુન્દ્રિ, જામનગરના વઘાડીયા, સપાડા, પૂના, ફૂલઝર-1 અને રૂપારેલ, જૂનાગઢના ઝાનજેશ્રી, ઉબેન, હસનપુર, હિરણ-1, મોટા ગુજેરીયા, મધુવંતી, રાજકોટના વેરિ, લાલપરી, મોજ અને સોદવદર, સુરેન્દ્રનગરના મોર્શલ, વન્સલ તેમજ તાપી જિલ્લાના ડોસવાડા સહિતના જળાશયોનો સમાવેશ થાય છે.

ભારે વરસાદના કારણે STની અંદાજે 264 ટ્રીપ રદ

રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેમા ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસતા અનેક નેશનલ, સ્ટેટ હાઈવે ક્ષતિગ્રસ્ત થયા છે. આ સિવાય અન્ય માર્ગો પર પાણી વળ્યા છે તેમજ આગામી સમયમાં હજુ પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે મુસાફરો મુશ્કેલીમાં ન મુકાય તે માટે ST વિભાગ દ્વારા અંદાજે 264 જેટલી ટ્રીપ રદ્દ કરી નાખી છે.