×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વડોદરા સહિત અન્ય જિલ્લામાં કરા સાથે ધોધમાર વરસાદ, વીજળી પડતા ખેડૂતનું ઘટના સ્થળે મોત


રાજ્યમાં આવનારા પાંચ દિવસ હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજે બપોરે અચાનક વડોદરા શહેરમાં વાતાવરણે જોરદાર પલટો લીધો છે. બપોર પછી ગાજ વીજ સાથે અલગ અલગ વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. શહેરમાં અનેક જગ્યાએ કરા પણ પડ્યાં હતાં.ગોત્રી, ગોરવા સહિત અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદ સાથે કરા પડ્યાં હતાં. તો રાજ્યના બીજા કેટલાક છુટાછવાયા વિસ્તારોમાં મેઘરાજાની મહેર જોવા મળી હતી.

વીજળી પડતા ખેડૂતનું ઘટના સ્થળે મોત નીપજ્યું 

વડોદરા પાદરાના લતીપુરા સિમ વિસ્તારમાં ખેડૂત પર વીજળી પડતા જીવ ગુમાવ્યો. ખેતરમાં મરચા વીણતા એકાએક વીજળી પડતા ખેડૂતનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. ઠાકોરભાઈ પ્રભાતભાઈ પઢીયાર નામના ખેડૂતનું વીજળી પડતા મોત થયું છે. ખેડૂતની આજુબાજુ રહેલી એક મહિલાને પણ વીજળીનો ઝાટકો લાગ્યો જોકે તેનો બચાવ થઇ ગયો હતો. ઝાડ સાથે અથડાઇને વીજળી ખેડૂત પર પડતા ખેડૂતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું.

તાપીમાં પડ્યા બરફના કરા 

તાપીમાં પણ  મલંગદેવ અને ઓટા વિસ્તારમાં બરફનાં કરા પડ્યા હતા.  સોનગઢ તાલુકાના દક્ષિણમાં આવેલ મલંગદેવ અને ઓટા ગામમાં બરફનાં કરાની વર્ષાથી વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો.

સુરતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ 

સુરત જિલ્લામાં પણ મેઘરાજાની મહેર જોવા મળી છે. સુરતના ઉમરપાડા તાલુકાના વાતવરણમાં આવ્યો પલટો જોવા મળ્યો છે. આ વિસ્તારમાં ધોધમાર કમોસમી વરસાદની સાથે કરા પડ્યા હતા. ઉમરપાડા તાલુકાના ખોટા રામપૂરા સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.

કમોસમી વરસાદથી ધરતી પુત્રની મુશ્કેલીમાં વધારો 

કમોસમી વરસાદની સીધી અસર ધરતી પુત્ર પર થઇ શકે છે. ભારે પવન સાથે વરસાદ થતાં ખેડૂતોના ખેતરમાં ઉભા પાક ચણા,મકાઈ, તુવેર સહિત વિવિધ શાકભાજી ને વધું નુકશાન થવાના સમાચાર મળી રહ્યા છે. શાકભાજી સહિતના અનેક પાકોને નુકશાન થયાના અહેવાલો છે.