×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વડોદરા : અલકાપુરી ગરનાળામાં ભીષણ આગ, શહેરના પૂર્વ અને પશ્ચિમને જોડતો વાહન વ્યવહાર ખોરવાયો

વડોદરા, તા. 28 એપ્રિલ 2021, બુધવાર

વડોદરાના રેલ્વે સ્ટેશન પાસે આવેલા અલકાપુરી ગરનાળામાં આજે બપોરે લાગેલી ભીષણ આગના પગલે વાહન વ્યવહાર ખોરવાયો હતો. વડોદરાના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા માર્ગોમાં અલ્કાપુરી ગરનાળુ મુખ્ય છે. શહેરનો મોટાભાગનો વાહન વ્યવહાર આ નાળા મારફતે થતો હોય છે. આ નાળામાં આવવાના અને જવાના બંને બાજુએ જાહેરાત માટે ના લાઇટિંગ વાળા બોર્ડો લગાવવામાં આવ્યા છે. જ્યારે ગરનાળાની ઉપર મોટા હોર્ડિંગ્સ મુકવામાં આવ્યા છે.

આજે નમતી બપોરે અચાનક ગરનાળામાં આગ લાગતા રાહદારીઓ, વાહનચાલકો તેમજ ગરનાળાની આસપાસ હાજર રહેતા લોકોમાં નાસભાગ મચી હતી. આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે.

આગ એટલી ભીષણ હતી કે આખું ગરનાળું આગની ભઠ્ઠીમાં ફેરવાઈ ગયું હતું તેમજ તેના ધુમાડા આખા શહેરમાંથી જોઈ શકાય તેમ હતા. લોકોના ટોળા દૂર દૂર સુધી જામ્યા હતા અને પોલીસ પણ દોડી આવી હતી પરંતુ અડધો કલાક સુધી ફાયર બ્રિગેડ નહીં આવતા આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું.

આ ગરનાળામાંથી શહેર વિસ્તારને ગેસનો પુરવઠો પુરી પડતી મેઇન લાઇન પણ પસાર થતી હોવાથી બનાવની ગંભીરતા ખૂબ જ વધી ગઈ હતી. પરંતુ ગેસ વિભાગના અધિકારીઓએ સમયસૂચકતા દાખવી ગેસ પુરવઠો રોકી દેતા બીજી હોનારત ટળી હતી. ફાયર બ્રિગેડ આવી જતા એક કલાકની જહેમત બાદ આગ કાબુમાં લેવાઇ હતી. આ વખતે ટ્રેન નો વ્યવહાર પણ બંધ હોવાથી રેલવેના વાહન વ્યવહારને પણ કોઈ અસર થઈ નહોતી.