×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વડોદરાના AFMI ટ્રસ્ટ દ્વારા વિદેશી ફંડનો ધર્માન્તરણ માટે ઉપયોગ,ઉમર ગૌતમ અને સલાઉદ્દીન સામે FIR

વડોદરાઃ યુપીના ચકચારી ધર્માન્તરણ પ્રકરણમાં તેમજ સીએએના વિરોધ પ્રદર્શનમાં વડોદરામાંથી કરોડોનું ફંડિંગ થયું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.યુપી પોલીસે વડોદરાના આફમી ટ્રસ્ટના ટ્રસ્ટી સલાઉદ્દીનની ધરપકડ કર્યા બાદ વડોદરા પોલીસે બેન્ક એકાઉન્ટોની તપાસ કરી આફમી ટ્રસ્ટના ટ્રસ્ટી સલાઉદ્દીન અને ધર્માન્તરણ કૌભાંડના માસ્ટર માઇન્ડ ઉમર ગૌતમ સામે ગુનો નોંધ્યો છે.

યુપી પોલીસે ધર્માન્તરણ પ્રકરણમાં ઉમર ગૌતમની ધરપકડ કરતાં તેની સાથે સંપર્કો તેમજ આર્થિક વ્યવહારોની તપાસ દરમિયાન વડોદરાના ફતેગંજ વિસ્તારમાં રહેતા અને પાણીગેટ વિસ્તારમાં આફમી ચેરિટેબલ ટ્રસ્ટના નામે વિદેશથી ફંડ મેળવતા સલાઉદ્દીન શેખની પણ ધરપકડ કરી હતી.

યુપી પોલીસની તપાસ દરમિયાન વડોદરાના આફમી ટ્રસ્ટમાંથી ધર્માન્તરણ માટે ઉમર ગૌતમને રૃપિયા મળ્યા હોવાની વિગતો ખૂલતાં ગુજરાત એટીએસ અને વડોદરા એસઓજીએ આફમી ટ્રસ્ટના બેન્ક એકાઉન્ટ તેમજ આર્થિક વ્યવહારોની તપાસ કરી હતી.

આ દરમિાયન આફમી ટ્રસ્ટને વર્ષ-૨૦૧૭થી અત્યાર સુધીમાં વિદેશથી ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ(એફસીઆરએ) એકાઉન્ટ હેઠળ કુલ રૃ.૧૯.૦૩ કરોડ ડોનેશન મળ્યું હોવાની અને બાકીના રૃ.૫.૪૫ કરોડ હવાલાથી મળતાં કુલ રૃ.૨૪.૪૮ કરોડનું ડોનેશન મળ્યું હોવાની વિગતો બહાર આવી છે.

આ પૈકી ટ્રસ્ટે કેટલાક વેપારીઓ સાથે સાંઠગાંઠ કરી ચેક આપીને રોકડા લીધા હોવાની વિગતો પોલીસને મળી છે.પ્રાથમિક તપાસમાં આફમી ટ્રસ્ટે ચાર વર્ષમાં મળેલા વિદેશી ફંડમાંથી ધર્માન્તરણ તેમજ જુદા જુદા રાજ્યોમાં મસ્જિદો તેમજ અન્ય પ્રવૃત્તિઓ માટે(ટ્રસ્ટના નિયમો વિરૃધ્ધ) કુલ રૃ.૫.૯૧ કરોડનું ફંડિંગ કર્યું હતું તેમજ દિલ્હીના સીએએના વિરોધ પ્રદર્શન તેમજ તોફાનોમાં પકડાયેલાઓને છોડાવવા માટે રૃ.૫૯.૯૪ લાખનું ફંડિંગ કર્યું હોવાની વિગતો પણ બહાર આવી છે.પોલીસે આ અંગે એસઆઇટી બનાવી તપાસ હાથ ધરી છે.