×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વડાપ્રધાને મંત્રીઓને કહ્યું- 'વેક્સિનેશન માટેની લાઈનમાં ઉભા રહીને જુઓ શું મુશ્કેલી આવી રહી છે'


- વડાપ્રધાને 75મા સ્વતંત્રતા દિવસને કેવી રીતે યાદગાર બનાવી શકાય તેને લઈ સારા સૂચનો પણ માગ્યા હતા

નવી દિલ્હી, તા. 01 જુલાઈ, 2021, ગુરૂવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બુધવારે મંત્રી પરિષદની બેઠક યોજાઈ હતી. વર્ચ્યુઅલ રીતે યોજાયેલી આ બેઠકમાં કોરોના મહામારીની ત્રીજી લહેરની આશંકાઓ ઉપરાંત અનેક મુદ્દે ચર્ચા થઈ હતી. જાણવા મળ્યા મુજબ વડાપ્રધાને બેઠકમાં કોવિડ-19 મુદ્દે સ્વાસ્થ્ય મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, માર્ગ અને પરિવહન મંત્રાલય તથા દૂર સંચાર મંત્રાલયનો રિવ્યુ લીધો હતો. 

વડાપ્રધાને મંત્રીઓને કહ્યું કે, તમે તમારા લોકસભા ક્ષેત્રમાં જાઓ તો કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની સાથે સાથે માસ્ક પહેરો અને લોકોને પણ માસ્ક પહેરવા માટે જાગૃત્ત કરો. એવું ન સમજશો કે કોવિડનો અંત આવી ગયો છે. આપડે એવી રીતે કામ કરવું જોઈએ કે કોવિડની ત્રીજી લહેર ન આવે. 

વેક્સિનેશનના કામમાં લાગી જાઓ

વડાપ્રધાને કહ્યું કે, તમે બધા વેક્સિનેશનના કામમાં લાગી જાઓ. વેક્સિન લેનારા લોકોની લાઈનમાં ઉભા રહીને જુઓ કે લોકોને શું મુશ્કેલી પડી રહી છે. સરકારની ગરીબ કલ્યાણ યોજનાઓનો ફાયદો જમીની સ્તરે જનતાને કેવી રીતે મળે તેના પર કામ કરો.

વડાપ્રધાને મંત્રીઓને કહ્યું કે, જે પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે અથવા તો આધારશીલા રાખવામાં આવી છે તેનું ઉદ્ઘાટન પણ તમે જ કરો. તમામ પરિયોજનાઓનું મોનિટરીંગ સુનિશ્ચિત કરો જેથી તેને પૂર્ણ થવામાં મોડું ન થાય. તે સિવાય વડાપ્રધાને 75મા સ્વતંત્રતા દિવસને કેવી રીતે યાદગાર બનાવી શકાય તેને લઈ સારા સૂચનો પણ માગ્યા હતા.