×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લોજપામાં ભંગાણઃ ચિરાગ પાસવાનને ચૂંટણીમાં NDAથી અલગ થવાનું પડ્યું ભારે, બાગી ચાચા બન્યા સંસદીય દળના નેતા


- લોજપામાં સર્જાયેલા આ ભંગાણ માટે ભાજપા અને જદયૂ વચ્ચે ચિરાગને લઈને જે તકરાર ચાલી રહી છે તે જવાબદાર 

નવી દિલ્હી, તા. 14 જૂન, 2021, સોમવાર

દિવંગત દિગ્ગજ નેતા રામવિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (લોજપા)માં ભારે મોટું ભંગાણ સર્જાયું છે. લોજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનને હવે બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન એનડીએથી અલગ થવાનું ખૂબ જ ભારે પડી રહ્યું છે. પાર્ટીના પાંચેય સાંસદોએ રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનને તમામ પદો પરથી દૂર કરી દીધા છે. આ સાથે જ ચિરાગના કાકા પશુપતિ કુમાર પારસને પોતાના નેતા તરીકે પસંદ કરી લીધા છે. 

પશુપતિ કુમાર પારસને રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપરાંત સંસદીય દળના નેતા તરીકેની જવાબદારી પણ સોંપવામાં આવી છે. ચિરાગ પાસવાન બિહારના રાજકારણમાં સાવ એકલા પડી ગયા છે. લોજપામાં સર્જાયેલા આ ભંગાણ માટે ભાજપા અને જદયૂ વચ્ચે ચિરાગને લઈને જે તકરાર ચાલી રહી છે તેને જવાબદાર માનવામાં આવે છે. 

લોજપા સાંસદ પશુપતિ કુમાર પારસ, ચૌધરી મહબૂબ અલી કૈસર, વીણા સિંહ, ચંદન સિંહ અને પ્રિન્સરાજ તથા ચિરાગ પાસવાનના રસ્તા ફંટાઈ ગયા છે. રવિવારે મોડી સાંજ સુધી ચાલેલી લોજપા સાંસદોની બેઠકમાં આ નિર્ણય પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. બાદમાં પાંચેય સાંસદોએ પોતાના આ નિર્ણય અંગે લોકસભાના અધ્યક્ષ ઓમ બિડલાને જાણ કરી હતી. સાંસદોએ તેમને આ અંગે સત્તાવાર પત્ર પણ સોંપી દીધો છે અને સોમવારે ચૂંટણી પંચને તેનાથી માહિતગાર કરવામાં આવશે. 

21 વર્ષ બાદ પરિવારમાં તિરાડ

28 નવેમ્બર, 2000ના રોજ લોજપાની રચના થઈ હતી. રામવિલાસ પાસવાનના અવસાન બાદ ચિરાગને પુત્ર તરીકે ફાયદો મળ્યો હતો. વિધાનસભા ચૂંટણી દરમિયાન ચિરાગે પોતાની જાતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હનુમાન ગણાવ્યો હતો. પરંતુ એનડીએથી બહાર નીકળીને બિહાર વિધાનસભા ચૂંટણી લડવાને લઈને તેમના કાકા પશુપતિ કુમાર પારસ તેમનાથી નારાજ હતા.