×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

‘લોકો ચીની પ્રોડક્ટ્સ ખરીદવા માંગતા નથી તેમ છતાં ખરીદે છે’ CTIએ ગોયલને જણાવ્યું આ કારણ

Image Source by - Piyush Goyal, Twitter

નવી દિલ્હી, તા.18 ડિસેમ્બર-2022, રવિવાર

ભારત-ચીન વચ્ચે તવાંગ બોર્ડર પર ઘર્ષણ વચ્ચે દિલ્હીના વેપારીઓએ ચીની ઉત્પાદનો સામે લાલ આંખ કરી છે. ચીન સાથે સરહદ વિવાદ વચ્ચે ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI)એ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલને પત્ર લખ્યો છે. આ પત્રમાં સંગઠને ગોયલને માલ-સામાનની આયાત અને ઈ-કોમર્સ નીતિમાં ફેરફાર કરવા વિનંતી કરી છે. સંગઠને તમામ માલ-સામાન પર ‘મૂળ દેશ’નું નામ લખવાનું ફરજીયાત કરવાનું પણ સૂચન આપ્યું છે, જેથી ગ્રાહકોને ખ્યાલ આવે કે, પ્રોડક્ટ કયા દેશની છે. આ નિર્ણયથી ચીનનો બહિષ્કાર કરી શકાશે. 

ચીની પ્રોડક્ટ્સનો બહિષ્કાર

CTIના અધ્યક્ષ બ્રિજેશ ગોયલે જણાવ્યું કે, આયાતી સામાન પર 'મૂળ દેશ' લખવાનું ફરજિયાત બનાવવાનો આગ્રહ કરાયો છે. હાલ ઘણા ઉત્પાદનો પર કોઈ માહિતી નથી. ખાસ કરીને ઈ-કોમર્સ સાઈટ્સ પર ગ્રાહકો એ જાણી શકતા નથી કે કયું ઉત્પાદન ક્યાં દેશનું છે.

આયાત નીતિમાં ફેરફાર કરવા વિનંતી

બ્રિજેશ ગોયલે કહ્યું કે જ્યારે લોકો ચીનની પ્રોડક્ટ્સ ખરીદવા માંગતા નથી તેમ છતાં તેઓ તેને ખરીદે છે કારણ કે તે પ્રોડક્ટ પર 'મૂળ દેશ'ની માહિતી લખેલી હોતી નથી. જો પ્રોડક્ટ પર ‘મૂળ દેશ’ની માહિતી લખાય તો તેનો બહિષ્કાર થઈ શકે છે. એટલા માટે CTIએ કેન્દ્ર સરકારને આ પ્રકારની નીતિ પર કામ કરવા અને તેની ઈ-કોમર્સ અને આયાત નીતિમાં ફેરફાર કરવા વિનંતી કરી છે. બ્રિજેશ ગોયલે વધુમાં જણાવ્યું કે, ચીન ભારતીય બજારોમાંથી નાણાં કમાય છે અને તેનો દુરુપયોગ માત્ર ભારત વિરુદ્ધ કરી રહ્યું છે. આપણે ચીનની આર્થિક કમર તોડવી પડશે. જો ભારતીય ઉદ્યોગપતિઓ અને ગ્રાહકો ચીની વસ્તુઓનો બહિષ્કાર કરશે તો ચીન હોશમાં આવી જશે.

બંને દેશો વચ્ચે વેપાર

અહેવાલ અનુસાર,  આ વર્ષના પ્રથમ 9 મહિનામાં ભારત-ચીન વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 103.63 અબજ ડોલરથી વધુ થયો છે. તો સ્થાનિક વેપાર ખાધ વધીને 75.69 અબજ ડોલરથી વધુ થઈ છે. આ દરમિયાન ચીનમાં ભારતની નિકાસ 89.66 અબજ ડોલર તો ભારતથી ચીનમાં માત્ર 13.97 અબજ ડોલરની નિકાસ થઈ હતી, જે 36.4 ટકાનો ઘટાડો નોંધાવે છે.