×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લૉકડાઉનના કારણે અર્થતંત્રને 1.50 લાખ કરોડનું નુકસાન થશે


- અત્યારે ચાલી રહેલા લોકડાઉનની અર્થતંત્ર પર ગંભીર અસર : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો અહેવાલ

- વર્તમાન લૉકડાઉનના કારણે મહારાષ્ટ્રને સૌથી વધુ રૂ. 82,000 કરોડ, મધ્ય પ્રદેશને રૂ. 21,712 કરોડ, રાજસ્થાનને રૂ. 17,237 કરોડનું નુકસાન થશે 

- કોરોનાની બીજી લહેરના પગલે જીડીપીનો અંદાજ ઘટાડી 10.4 ટકા કરાયો : લોકડાઉનના બદલે ઝડપી રસીકરણ અસરકારક ઉપાય


નવી દિલ્હી : દેશના વિવિધ શહેરોમાં લૉકડાઉન અને નાઈટ કરફ્યૂ જેવા નિયંત્રણોના કારણે દેશના અર્થતંત્રને ૧.૫૦ લાખ કરોડનું નુકસાન થશે એમ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)ના અહેવાલમાં જણાવાયું છે. આ અહેવાલ મુજબ દેશમાં કોરોનાની બીજી લહેરને ટાળવા માટે લૉકડાઉન અથવા અન્ય નિયંત્રણો કરતાં રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવવું તે વધારે સારો ઉપાય છે.

દેશમાં અનેક રાજ્યોમાં લૉકડાઉન અને નિયંત્રણોના કારણે દેશના જીડીપીના ૦.૭ ટકા જેટલું એટલે કે ૧.૫ લાખ કરોડનું આર્થિક નુકસાન થશે, તેમાંથી એકલા મહારાષ્ટ્રને ૫૪ ટકા એટલે કે રૂ. ૮૨,૦૦૦ કરોડનું નુકસાન થશે. જ્યારે મધ્ય પ્રદેશને રૂ. ૨૧,૭૧૨ કરોડ તથા રાજસ્થાનને રૂ. ૧૭,૨૩૭ કરોડનું નુકસાન થશે. દેશમાં કોરોનાની બીજી લહેર દરમિયાન બધા જ રાજ્યોમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ આકરું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. વધુમાં તે ભારતમાં સૌથી મોટું આર્થિક તેમજ ઔદ્યોગિક રાજ્ય હોવાથી લૉકડાઉનને કારણે તેને નુકસાન પણ સૌથી વધુ થશે તેમ એસબીઆઈ રિસર્ચે શુક્રવારે જણાવ્યું હતું.

આ હકીકતને ધ્યાનમાં રાખી એસબીઆઈએ વર્તમાન નાણાં વર્ષ માટે દેશનો આર્થિક વિકાસ દર (જીડીપી)નો અંદાજ અગાઉના ૧૧ ટકા પરથી ઘટાડી ૧૦.૪૦ ટકા કર્યો  છે. આ અગાઉ પણ કેટલીક રેટિંગ એજન્સીઓએ પોતાના અંદાજોમાં ઘટાડો કર્યો છે. કેર રેટિંગ્સે અંદાજ ઘટાડીને ૧૦.૭૦થી ૧૦.૯૦ ટકાની વચ્ચે મૂકયો છે જે અગાઉ ૧૧થી ૧૧.૨૦ ટકાની વચ્ચે મુકાયો હતો. કોરોના વાઇરસનો ફેલાવો વધતા રાજ્યો દ્વારા અંકુશ લાદવામાં આવતા તેને ધ્યાનમાં રાખીને આ ઘટાડો કરવામાં આવ્યો છે.

એસબીઆઇ રિસર્ચે શુક્રવારે તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે કોરોના વાઇરસની બીજી લહેરને અંકુશમાં લાવવા માટે લોકડાઉન કરતાં રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવવું તે વધારે સારો ઉપાય છે. અગ્રણી રાજ્યો દ્વારા લોકડાઉન લાદવામાં આવતા જીડીપીના ૦.૧ ટકા  કે રાજ્યોના હેલ્થ બજેટના ૧૫થી ૨૦ ટકા ઘટાડો થયો છે. જો કે કેટલાક અગ્રણી આર્થિક નિર્દેશાંકોએ માર્ચમાં સુધારો દર્શાવ્યો હતો. 

કેન્દ્ર દ્વારા વસતીના બાકીના હિસ્સાના રસીકરણનો ખર્ચ કવર કરી લેશે, એમ અહેવાલે જણાવ્યું હતું. એસબીઆઇ બિઝનેસ એક્ટિવિટી ૧૯મી એપ્રિલે પૂરા થયેલા પ્રથમ સપ્તાહમાં પાંચ મહિનાની નીચી સપાટી ૮૬.૩ થઈ હતી. 

બીજા રાષ્ટ્રોના અનુભવ પરથી તે નોંધ લેવાઈ છે કે કોવિડ-૧૯ રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યા પછી ચેપ કુલ વસ્તીના ૧૫ ટકા લોકોની આસપાસ સ્થિર થાય છે. જ્યારે ભારતમાં તો હાલમાં કુલ વસતીનો ૧.૨ ટકા હિસ્સો જ ચેપગ્રસ્ત થયો છે.

  એસબીઆઇના રિસર્ચ મુજબ ભારત આ રીતે ડિસેમ્બર સુધીમાં જ કુલ વસતીના ૧૫ ટકાના સ્તરે સ્થિર થઈ શકે, જ્યારે ટોચના ૧૫ દેશમાં ૮૪ ટકા વૈશ્વિક રસીકરણમાં મોટાપાયા પર અસમાનતા જોવા મળી છે.  અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકા અને જાપાના જેવા દેશોમાં કોરોનાનું ત્રીજું મોજું બીજા મોજા કરતાં પણ વધારે ઘાતક સિદ્ધ થયું છે. એક દેશ તરીકે આપણને ત્રીજું મોજું પોષાઈ નહી શકે.

પશ્ચિમ રેલવેના આંકડા પ્રમાણે ૧થી ૧૨ એપ્રિલ દરમિયાન મહારાષ્ટ્રમાં કુલ ૪.૩૨ લાખ લોકો પોતાને વતન ગયાનું જણાય છે. આમાંથી ૩.૨૩ લાખ જેટલા લોકો ઉત્તર પ્રદેશ તથા બિહાર તરફ ગયા છે જેમાંના મોટાભાગના શ્રમિકો હોવાનું માનવામાં આવે છે. આજ રીતે સેન્ટ્રલ રેલવે મારફત ૪.૭૦ લાખ લોકો મહારાષ્ટ્રમાંથી ઉત્તરના રાજ્યો તરફ પલાયન થયાનો અંદાજ છે. 

એક વખત બીજી લહેર પૂરી થઈ જવા પછી  માગમાં જોરદાર વધારો થવાની શકયતા રહેલી છે. 

બીજી લહેર જુલાઈથી સપ્ટેમ્બરના ગાળામાં ઓસરી જવાની ધારણાં છે. વેક્સિનમાં ઝડપની દેશના અર્થતંત્રને લાભ થશે, એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.